પોપટપરામાં સામસામી છરીઓ ઉડી:બે યુવક પર ખૂની હુમલો
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ ગઈ હોય તેમ શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા મિયાણા વાસમાં શનિવારે થયેલી માથાકૂટનો ખાર રાખી બે મુસ્લિમ પરિવાર વચ્ચે છરીઓ ઉડી હતી અને પથ્થરના ઘા થતા મકાનમાં પણ નુકસાન થયું છે.આ બનાવમાં સામસામે ખૂની હુમલામાં બે યુવાનો ને ગંભીર ઇજાઓ થતા તેઓને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેમજ ઘટનાને લઇ બનાવ સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ બંને પક્ષના વ્યક્તિ સારવાર હેઠળ હોય માટે ત્યાં પણ પોલીસનો પહેરો રાખી દેવામાં આવ્યો છે.આ અંગે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે સામ સામી ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.
વધુ વિગતો મુજબ,પોપટ પરાના મિયાણાવાસમાં રહેતા રમજાનભાઈ અયુબભાઈ માલાણી(ઉ.વ.23) આજે સવારે પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા અનવર અને શેરબાનુએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેમને ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.રમજાને જણાવ્યું હતું કે, પોતે મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થાય છે ગયા શનિવારના દિવસે તેમની બેન સમીમ ઘર પાસે બેઠી હતી.ત્યારે ત્યાંથી અનવર નીકળ્યો હતો અને તેમણે સાઈડમાં બેસવાનું કીધું હતું અને બાદમાં અનવરે સમીમને ગાળો આપી હતી.ત્યારબાદ સમીમે તેમના ભાઈ રમજાનને વાત જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.રમઝાને જણાવ્યું હતું કે અનવર તેમનો પિતરાઈ ભાઈ થાય છે.
આ વાતનો ખાર રાખી આજે સવારે અનવર અને શેરબાનું આવ્યા હતા અને કહ્યું હતું કે તે દિવસે શુ માથાકૂટ કરતો હતો તેમ કહી બોલા ચાલી કર્યા બાદ છરી વડે હુમલો કર્યો હતો.તેમજ જતા જતા ધમકી પણ આપી હતી.જ્યારે સામાં પક્ષે અનવર ગુલામભાઈ માલાણી(ઉ.વ.42) આજે પિતરાઈ મુસ્તાક અને રમઝાને ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.તેમજ પથ્થરમારો કરતા મકાનનું નળિયું તૂટી ગયું હતું.આ મામલે હાલ રમજાન અને અનવર ને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલે પણ બંદોબસ્ત ગોઠવી દીધો છે.હાલ પ્ર.નગર પીઆઇ મહીડા,પીએસઆઈ એ.એ.ખોખર અને ટીમે કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.