વડોદરા : વર્ષ 2021-22નો કોર્પોરેશનનો ઓડિટ રિપોર્ટ : 78.48 કરોડના હિસાબો રજૂ કરવામાં અધિકારીઓના ઠાગાઠૈયા
- ઓડિટ વિભાગે એક વર્ષમાં રૂ. 5.37 કરોડની કપાત કરીવડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નાવર્ષ ૨૦૨૧-૨૨નો ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો છે જેમાં પ્રી ઓડિટ પદ્ધતિથી બિલોની ચકાસણી કરવામાં આવે છે જેને કારણે એક વર્ષમાં રૂપિયા 5.37 કરોડની કપાત કરવામાં આવી હતી જ્યારે કમિશનરની પૂર્વ મંજૂરી મેળવીને જે એડવાન્સ રકમ લેવામાં આવે છે તેની રકમમાં 78.48 કરોડ ના હિસાબો માં ગોટાળા જણાઈ આવ્યા છે.ઓડિટ શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન વોર્ડ તેમજ ખાતાઓની આવક તેમજ ખર્ચના બિલની તપાસણી કરવામાં આવેલી હતી. જેનો ઓડિટ અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટે રજૂ કરવામાં આવે છે.વડોદરા કોર્પોરેશનમાં પ્રિ-ઓડિટ પધ્ધતિ અમલમાં હોઇ, વોર્ડ તેમજ ખાતાઓના તમામ ખર્ચના બિલ હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં માન્યતા અર્થે રજૂ કરવામાં આવે છે. અહેવાલના વર્ષ દરમ્યાન કુલ ૪૩,૦૨૯ બિલ તપાસણી ઓડિટ વિભાગને મળ્યા હતા. બિલ પ્રિ-ઓડિટ થયા બાદ ચૂકવણાં માટે હિસાબી શાખા તરફ રવાના કરવામાં આવે છે. બિલની તપાસણી દરમ્યાન જણાયેલી વિવિધ પ્રકારની કપાત, વહીવટી ક્ષતિ, અનિયમિતતા પ્રાથમિક તબક્કે જ ઓડિટ ખાતાને ધ્યાને આવે છે. હિસાબી શાખા દ્વારા ખર્ચના વાઉચર નિયમિત રીતે પોસ્ટ ઓડિટ માટે ઓડિટ શાખાએ અઠવાડિક રજૂ કરવામાં આવતા હોવાથી કોર્પોરેશનની નાણાકીય શિસ્ત જળવાઇ રહેલી છે.તમામ ખર્ચના બિલની પ્રિ-ઓડિટ પદ્ધતિથી તપાસણી કરવામાં આવતી હોઇ તેના પરીણામ સ્વરૂપે કુલ રૂ. ૫,૩૭,૯૦,૯૫૨ ની કપાત કરી બિલ માન્ય કરવામાં આવ્યા હતા.કોર્પોરેશન ના વિવિધ ખાતાઓ તેમજ વહીવટી વોર્ડ દ્વારા કરવામાં આવતા આકસ્મિક ખર્ચ અથવા માલસામાન ખરીદીના પ્રસંગે કમિશનરની પૂર્વ મંજુરી મેળવીને તસલમાત (એડવાન્સ રકમ) લેવામાં આવે છે. મંજૂર કરવામાં આવેલી તસલમાત પૈકી કુલ રૂ. ૭૮,૪૮,૨૧,૨૫૦ ની રકમનો જમાખર્ચ સબંધિત ખાતાઓ તેમજ વોર્ડ તરફથી વર્ષના અંતે કરાવવામાં આવેલ નથી તેમ ઓડિટ રિપોર્ટ માં જણાવ્યું છે.વડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં આકસ્મિક કે અનિવાર્ય સંજોગો દરમ્યાન કરવા પડતા વિકાસના, નિભાવણીના કે અન્ય વહીવટી કામો તથા ખરીદી માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી ત્વરિત ચુકવણા માટે ખાતાધિકારીના નામે હોદ્દા જોગ તસલમાત(એડવાન્સ રકમ) લેવામાં આવે છે. આવા સંજોગોમાં ખાતા તરફથી રજૂ થયેલા તસલમાત ઓડિટ શાખામાંથી સત્વરે માન્ય કરી આપવામાં આવે છે. ત્યારબાદ તેવાં કામો પૂર્ણ થયેથી તેના ફાઇનલ હિસાબોના જમાખર્ચના બિલ, જે તે ખાતા મારફતે ઓડિટ શાખાએથી માન્ય કરાવવાના હોય છે. હિસાબી શાખાએથી રજૂ કરવામાં આવેલ એડવાન્સ રકમ વર્ષ 2021-22 મુજબ તસલમાતના હિસાબની નાણાકીય સ્થિતી જોતાં રેવન્યુ તસલમાતની તા.૧-૪-૨૦૨૧ ના રોજ બાકી સિલક રૂ ૫૬,૩૩,૫૦,૧૮૩/- હતી. ઓડિટ અહેવાલ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ તસલમાતની રકમ રૂ ૩૪,૬૫,૨૮,૪૬૬/- માન્ય કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૨ સુધીની કુલ મંજૂર થયેલી રૂ.૯૦,૯૮,૭૮,૬૪૯/-તસલમાત પૈકી ખાતાઓ તેમજ વોર્ડ તરફથી થયેલા જમાખર્ચ રૂ. ૧૨,૫૦,૫૭,૩૯૯/- હતો. ઓડિટ તપાસણી અહેવાલના વર્ષ અંતે કુલ રૂ. ૭૮,૪૮,૨૧,૨૫૦/ ની તસલમાતની રકમનો જમાખર્ચ કરાવવામાં આવ્યો નથી. જ્યારે ૭ જેટલા ખાતાઓની બંધ સિલક ડેબિટ બેલેન્સ ને બદલે ક્રેડિટ બેલેન્સ દર્શાવેલ છે, જેની ખાતરી કરી લેવા માટે હિસાબી શાખાને જાણ કરેલી છે.આ બાબત જોતાં વર્ષના અંતે રૂ. ૭૮,૪૮,૨૧,૨૫૦/- ના તસલમાત જમાખર્ચના હિસાબો સબંધિત ખાતા/વોર્ડ દ્વારા રજૂ કર્યાનથી, તે ઘણી જ ગંભીર બાબત છે મ્યુનિસિપલ કમિશનરએ પરીપત્ર, તા.૧૪-૮-૨૦૦૩ મુજબ તસલમાત જમાખર્ચના હિસાબો દિન-૩૦ માં રજૂ કરવા જણાવેલ છે. તેમ છતાં અહેવાલ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ૪૮ જેટલા ખાતાઓના તસલમાત જમાખર્ચનો પ્રમાણ (રેશિયો 0% જણાઇ આવેલ છે તથા કુલ ૭૩ ખાતાઓના તસલમાત જમાખર્ચનું પ્રમાણ (Ratio) ફક્ત ૧૩.૭૪% જણાઈ આવેલ છે, આમ જુદા જુદા ખાતાઓ દ્વારા તસલમાત જમાખર્ચ કરાવવા અંગે દુર્લક્ષતા રાખવામાં આવેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.