માતૃભાષામાં જ શિક્ષણ જરૂરી:વાલીઓમાં ઇંગ્લિશ મીડિયમનું આકર્ષણ આત્મહત્યાથી ઓછું નથી: NCERT વડા
માતા-પિતા અંગ્રેજી માધ્યમની સ્કૂલો પ્રત્યે વધુ આકર્ષિત છે, જ્યારે મોટા ભાગના શિક્ષકો પ્રશિક્ષિત પણ નથી. રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે એનસીઇઆરટીના નિદેશક ડી.પી. સકલાનીએ આ નિવેદન આપતા દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે દાવો કર્યો કે આ આત્મહત્યાથી ઓછું નથી કારણ કે સરકારી સ્કૂલો પણ હવે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડી રહી છે. તેમણે જણાવ્યું કે અંગ્રેજી માધ્યમમાં ગોખવાની પ્રથાથી બાળકોમાં જ્ઞાનમાં ઘટાડો થયો છે અને તેઓ પોતાનાં મૂળિયાં અને સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. માતૃભાષામાં જ શિક્ષણ જરૂરી | ડી.પી. સકલાનીએ કહ્યું કે માતા-પિતા અંગ્રેજી માધ્યમની સ્કૂલો પ્રત્યે વધુ ઈચ્છુક હોય છે. તેઓ પોતાનાં બાળકોને એવી સ્કૂલોમાં મોકલવાનું પસંદ કરે છે જ્યાં ભલે શિક્ષક ન હોય અથવા તો શિક્ષકો પૂરા તાલીમબદ્ધ ન હોય. આ આત્મહત્યાથી ઓછું નથી અને આ જ કારણ છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શિક્ષણ માતૃભાષા પર આધારિત કેમ હોવું જોઈએ? કારણ કે જ્યાં સુધી આપણે માતા, પોતાના મૂળિયાંને નહીં સમજીશું, આપણે બીજું કંઈ કેવી રીતે સમજીશું? અને બહુભાષી દૃષ્ટિકોણનો અર્થ એ નથી કે કોઈ પણ ભાષામાં શિક્ષણ સમાપ્ત થઈ રહ્યું છે. તેનાથી ઊલટું અનેક ભાષાઓને શીખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ વર્ષે 121 ભાષામાં પ્રાઇમરી તૈયાર થઈ જશે
એનસીઇઆરટી નિદેશકે ઓડિશાની બે જનજાતીય ભાષાઓમાં પ્રાઇમર (પુસ્તકો) વિકસિત કરવાની પહેલનો હવાલો આપ્યો, જેથી છાત્રને તેમના સ્થાનિક સ્વભાવ અને સંસ્કૃતિ પર આધારિત ચિત્રો, વાર્તાઓ અને ગીતોની મદદથી ભણાવી શકાય, જેનાથી તેમના બોલવાના કૌશલ્ય, શીખવાનું પરિણામ અને સંજ્ઞાનાત્મક વિકાસમાં સુધારો થઈ શકે. તેમણે વધુમાં કહ્યું કે અમે હવે 121 ભાષાઓમાં પ્રાઇમર વિકસિત કરી રહ્યા છીએ જે આ વર્ષે તૈયાર થઈ જશે અને સ્કૂલ જતાં બાળકોને તેમનાં મૂળિયા સાથે જોડવામાં મદદ કરશે. સકલાનીએ કહ્યું કે આપણે અંગ્રેજીમાં ગોખવાનું શરૂ કરી દઈએ છીએ અને તેના કારણે જ્ઞાનની હાનિ થાય છે. ભાષા એક સક્ષમ કારક હોય છે તેને અક્ષમ ન કરવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.