વડોદરા: ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવાના મુદ્દે રિક્ષાવાળાદ્વારા હુમલો
વડોદરા,તા.29 જુન 2022,બુધવારવડોદરા શહેરમાં ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા ચાલકો વચ્ચે અવારનવાર મુસાફરો બેસાડવા બાબતે તકરાર સર્જાતી હોય છે. ત્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે બોડેલીના યુવકે ઇકો કારમાં મુસાફરોને બેસાડતા રીક્ષા ચાલકે ઇકો કારના કાચ તોડી નાંખી ડ્રાઇવરને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતા અશોકભાઈ ઇકો કારમાં સોમાતળાવથી બોડેલી સુધી ફેરા મારી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે હું સોમા તળાવ ચાર રસ્તા પાસે મુસાફરોને મારી ઇકો કારમાં બેસાડી રહ્યો હતો. આ દરમિયાન રીક્ષા ચાલક જ્ઞાનેશ્વર ઉર્ફે કાલુ સીતારામ સીધે ( રહે - વુડાના મકાન ,બાપોદ પાણીની ટાંકી સામે, વાઘોડિયા રોડ, વડોદરા )એ મને અપશબ્દો બોલી મુસાફરોને કારમાંથી બહાર ઉતારી દેવા જણાવ્યું હતું. જેથી હુએ કારમાંથી મુસાફરોને બહાર ઉતારી દીધા હતા. ત્યારબાદ કાલુ લાકડાના દંડા સાથે ઘસી આવી મારી ઇકો કારના આગળ પાછળના તથા આજુબાજુના કાચ તોડી નાખ્યા હતા. અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના દરમિયાન પ્રોટેક્શન માટે હુમલાખોરના સાગરીતો પણ આસપાસ ઉભા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના અમિતનગર સર્કલ, માણેકપાર્ક સર્કલ, વાઘોડિયા ચાર રસ્તા અને સોમા તળાવ ચાર રસ્તા અવારનવાર પેસેન્જર મુદ્દે તકરાર સર્જાતી હોય છે. તાજેતરમાં અમિત નગર સર્કલ પાસે જાહેરમાં તલવારો પણ ઉછળી હતી. સરકારી અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં વેગ આપતું સ્થાનિક વહીવટીતંત્ર આવી ઘટનાઓ બાદ દેખાડા પૂરતી કામગીરી કરે છે. અને બે દિવસ બાદ પરિસ્થિતિ યથાવત થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બને છે. ઇકો કાર અને છકડામાં ખીચોખીચ મુસાફરો ભરી વાહનચાલક મુસાફરી ખેડતા ઘણી વખત અકસ્માતને નોતરું આપે છે. ઘણીવાર અકસ્માતની ઘટનામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમ છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ખુલી રહી નથી. ઉપરથી તંત્રની છત્ર છાયામાં આ ગોરખ ધંધો ફૂલ્યોફાલ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.