બોટાદ ખાતે પ્રધાનમંત્રીજન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ ખાતે પ્રધાનમંત્રીજન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી


બોટાદ ખાતે ‘‘ પ્રધાનમંત્રીજન ઔષધિ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી

બજારમાં ઉપલબ્ધ દવાઓની તુલનામાં જન ઔષધિ ઓછી કિંમતે મળી રહી હોવાથી જરૂરીયાતમંદ લોકોને ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે

: જિલ્લા કલેકટર બીજલ શાહ

- *જેનેરિક દવાઓનો ઉપયોગ કરવાં જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહનો અનુરોધ
*જન ઔષધિ કેન્દ્ર દ્વારા હાઇએસ્ટ દવાઓનું વિતરણ કરનારા સંચાલકોને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રશસ્તિત્ર આપી કરાયા સન્માનિત

પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પરિયોજના અંતર્ગત દર વર્ષે ‘‘ પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ’’ ૭ માર્ચના રોજ ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને આજે જન ઔષધિ કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહના અધ્યક્ષસ્થાને લક્ષ્મી એપાર્ટમેન્ટ, ફાયર સ્ટેશન સામે, પાળીયાદ રોડ ખાતે “પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર બીજલ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોને સરળતાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે ત્યારે નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક દવા સરળતાથી મળી તે માટે બોટાદ શહેરી વિસ્તાર સહિત તાલુકામથકોએ પણ જનઔષધિ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. બજારમાં ઉપલબ્ધ દવાઓની તુલનામાં જન ઔષધિ ૫૦ ટકાથી ૯૦ ટકા સુધી સસ્તાદરે મળી રહી હોવાથી જરૂરીયાતમંદ લોકોને ખૂબ જ ફાયદો થઇ રહ્યો હોવાનું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. જેનેરિક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવાં અને અન્ય લોકોને તેની જાણકારી આપવાં કલેક્ટર બીજલ શાહે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જન ઔષધિ કેન્દ્રની શોર્ટ ફિલ્મ પણ ઉપસ્થિત સહુએ નિહાળી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જન ઔષધિ કેન્દ્ર દ્વારા હાઇએસ્ટ દવાઓનું વિતરણ કરનારા સંચાલક કાર્તિકભાઇ વડોદરીયા, મિતભાઇ જોષી, ભાવેશભાઇ ત્રિવેદી અને મેહુલભાઇ મકવાણાનું પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.

કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર સહિત અન્ય મહાનુભાવોએ દુકાન નં.૩,લક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલી જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઇ સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના કર્મચારીશ્રી નાવડીયાએ કર્યું હતું.

આ વેળાએ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયા,મામલતદાર મકવાણા (શહેરી), જિલ્લાના અગ્રણી ભીખુભાઇ વાઘેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રતિકભાઇ વડોદરીયા સહિત આરોગ્યકર્મીઓ, બોટાદ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.