`તુ ચિલ્લા મત, નહીં તો મે તેરા ગલા દબા કે યહી તેરે કો માર દાલુંગા`: હજીરા રોડના કવાસ ગામમાં મધરાતે પરિણીતાને ઝાડીમાં ખેંચી જઇ દુષ્કર્મનો પ્રયાસ - At This Time

`તુ ચિલ્લા મત, નહીં તો મે તેરા ગલા દબા કે યહી તેરે કો માર દાલુંગા`: હજીરા રોડના કવાસ ગામમાં મધરાતે પરિણીતાને ઝાડીમાં ખેંચી જઇ દુષ્કર્મનો પ્રયાસ


- પુત્રનું ખરાબ થયેલું ડાયપર ફેંકવા સોસાયટીના નાકે ગઇ હતીઃ યુવાને દુપટ્ટા વડે મોઢું બાંધી રોડ પર ઘસડીને ઝાડીમાં લઇ ગયોસુરતહજીરા રોડના કવાસ ગામમાં મધરાતે પુત્રનું ડાયપર ફેંકવા નીકળેલી પરિણીતાનું દુપટ્ટાથી મોઢું બાંધી રોડ પર ઘસડી ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિણીતાએ દાખવેલી હિંમ્મત અને ઘસી આવેલા પતિએ નરાધમને પકડીને માર મારી ઇચ્છાપોર પોલીસને હવાલે કર્યો હતો. હજીરા રોડ સ્થિત કવાસ ગામ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવરની પત્ની સંગીતા (ઉ.વ. 19 નામ બદલ્યું છે) ગત રાતે 11.45 વાગ્યે પુત્રનું ખરાબ થયેલું ડાયપર કાઢી રહેણાંક સોસાયટીની ગલીના નાકા પર અડધી તૂટેલી કમ્પાઉન્ડ વોલ કૂદીને રોડની સાઇડ પર ફેંકવા ગઇ હતી. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા યુવાને સંગીતાની એકલતાનો લાભ લઇ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંગીતાએ દોટ લગાવી બચાવો બચાવોની બુમરાણ કરી હતી. પરંતુ યુવાને પણ દોટ લગાવી સંગીતાને પકડી લઇ તેનો દુપટ્ટો મોંઢા પર બાંધી દઇ `તુ ચિલ્લા મત, નહીં તો મે તેરા ગલા દબા કે યહી તેરે કો માર દાલુંગા` એવી ધમકી આપી 60થી 70 મીટર સુધી કીચડમાં ઘસડી જઇ દુષ્કર્મ કરવા કપડા ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંગીતાએ હિંમ્મત દાખવી જમણા હાથના અંગુઠા પર બચકુ ભરી લઇ નરાધમના સકંજામાં છુટકારો મેળવ્યો હતો. આ અરસામાં સંગીતાને શોધવા નીકળેલો તેનો પતિ એક વર્ષના પુત્ર સાથે બાઇક પર ત્યાં આવી પહોંચ્યો હતો. પતિએ નરાધમને માર મારી રહેણાંક સોસાયટી પાસે લઇ આવ્યો હતો અને બુમાબુમ કરતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. ઘટના અંગે સંગીતાએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા દોડી આવેલી ઇચ્છાપોર પોલીસે નરાધમ અખિલેશસીંગ જીતન યાદવ (ઉ.વ. 25 રહે. બાપા સીતારામ સોસાયટી, કવાસ અને મૂળ. ખજુવા, તા. જમનીયા, જિ. ગાઝીપુર, યુ.પી) ની ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.