આસામના રાજ્યપાલે સંઘ કાર્યકરને ધક્કો માર્યો, VIDEO:વૃદ્ધ કાર્યકર્તા વસુંધરા રાજેનું સન્માન કરવા સ્ટેજ પર ચડ્યા હતા, માળા ન પહેરાવવા દેતા માથાકૂટ થઈ
રાજસ્થાનના ઉદયપુરમાં આજે એક જાહેર સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત ઘણા કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આસામના રાજ્યપાલ અને સંઘના એક કાર્યકર વચ્ચે સ્ટેજ પર માથાકૂટ થતી જોવા મળે છે અને રાજ્યપાલ વૃદ્ધ કાર્યકરને સ્ટેજ પરથી ધક્કો મારતા હોય તેવાં દૃશ્યો વીડિયોમાં પણ કેદ થઈ જાય છે. જુઓ સમગ્ર ઘટના...
જનસંઘના સંસ્થાપક સભ્ય રહેલા સુંદરસિંહ ભંડારીની પુણ્યતિથિ અને જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના અવસર પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં જનસંઘ સાથે જોડાયેલા વૃદ્ધ કાર્યકર વિજયલાલ સુવાલકા સ્ટેજ પર પહોંચે છે. સ્ટેજ પર પહોંચતા જ તે કહે છે કે તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને માળા પહેરાવવી છે. કાર્યક્રમ ચાલુ હોવાને કારણે તેમને સ્ટેજ પરથી નીચે જવાનું કહેવામાં આવે છે. સૌથી પહેલા ટ્રસ્ટી કુંતીલાલ જૈન વૃદ્ધ કાર્યકરને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ માનતા નથી અને ત્યાંથી આગળ જાય છે. જુઓ વીડિયો... આટલું જોતા જ વસુંધરા રાજેની પાસે બેઠેલા રાજ્યપાલ કટારિયા તેમની ખુરશી પરથી ઊભા થાય છે અને કાર્યકરનો હાથ પકડે છે અને તેમને ધક્કો મારતા ત્યાંથી લઈ જાય છે. આ દરમિયાન સુવાલકા નારાજ થઈ જાય છે અને કહેવા લાગે છે કે ધક્કો કેમ મારો છો. ત્યાર પછી રાજ્યપાલના સુરક્ષાકર્મીઓ અને પોલીસ આવે છે અને સંઘ કાર્યકર્તાને નીચે લઈ જાય છે અને મામલો થાળે પડે છે. પછી કાર્યક્રમ ફરીથી આગળ વધે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.