જેવો એન્ટ્રી ગેટ ખોલ્યો કે…:ત્રણના જીવ લીધા, સ્કૂટી-બુલેટ બધું જ ડૂબી ગયું, જુઓ દિલ્હી IAS કોચિંગ સેન્ટર દુર્ઘટના પહેલાંનો ખૌફનાક VIDEO
ભારતની રાજધાની દિલ્હીમાં UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ શનિવારે (27 જુલાઈ) ના રોજ તેમની કોચિંગ સંસ્થાના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત જૂના રાજેન્દ્ર નગર સ્થિત RAUના IAS કોચિંગ સેન્ટરમાં થયો હતો. બે વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થી ચાર કલાકથી વધુ સમય સુધી ભોંયરામાં ફસાયેલાં હતાં, જ્યાં સુધી તેમને બચાવવામાં આવ્યાં ત્યાં સુધીમાં ત્રણેય મૃત્યુ પામ્યાં હતાં. આ અકસ્માત બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક ધારાસભ્ય અને કાઉન્સિલર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. ભોંયરામાં લગભગ 20-25 વિદ્યાર્થીઓ ફસાયા હતા
દિલ્હી પોલીસે જણાવ્યું કે, RAUના IAS સ્ટડી સર્કલના ઓનર અને કોઓર્ડિનેટરની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા એક વિદ્યાર્થીએ કહ્યું કે, MCD અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંને દોષિત છે, તેમને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવવા જોઈએ. અન્ય એક વિદ્યાર્થીએ ANIને જણાવ્યું કે, કોચિંગ સેન્ટરના ભોંયરામાં લગભગ 20-25 વિદ્યાર્થીઓ ફસાયા હતા. મોટાભાગના પોતાના પ્રયાસોથી બહાર આવ્યા અને કેટલાક વિદ્યાર્થીઓ અંદર ફસાયેલા રહ્યા. આરએયુના આઈએએસમાં ભણતા વિદ્યાર્થીઓએ કહ્યું કે, અકસ્માત બાદ દિલ્હી સરકારનો કોઈ પ્રતિનિધિ તેમને મળવા આવ્યો ન હતો, ન તો તેમની સંભાળ લીધી હતી. ચારેબાજુ પાણી જ પાણી...
અકસ્માત પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં સામાન્ય વરસાદ પછી જૂના રાજેન્દ્ર નગરની ખરાબ હાલત દેખાઈ રહી છે. RAUના IAS સ્ટડી સર્કલની સામે જ કોઈએ આ વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો છે, જેમાં ચારેબાજુ પાણી જ દેખાઈ રહ્યું છે. કોચિંગ સેન્ટર રોડની બાજુમાં આવેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર કમર સુધી પાણી છે. પાણી એટલું બધું છે કે બાઇક અને સ્કૂટર લગભગ ડૂબી ગયાં છે. વાઇરલ વીડિયોમાં RAUના IAS કોચિંગ સેન્ટરનો પ્રવેશદ્વાર બંધ જોવા મળે છે. લાઈબ્રેરી ભોંયરામાં હતી એટલે વિદ્યાર્થીઓ પણ ત્યાં હાજર હતા
લોખંડના દરવાજાના અડધા ભાગમાં પાણી પહોંચી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોચિંગ સેન્ટરના કેટલાક સ્ટાફને ઘરે જવાનું હતું. તેથી એન્ટ્રી ગેટ ખોલવામાં આવ્યો હતો. ગેટ ખૂલતાંની સાથે જ રોડ પર એકઠું થયેલું પાણી જોર જોરથી કોચિંગ સેન્ટરના ભોંયરામાં ભરાવા લાગ્યું હતું. એટલું પાણી હતું કે 12 ફૂટ ઊંડા ભોંયરામાં ભરાતા થોડી જ મિનિટો લાગી અને વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા. હકીકતમાં, RAUના IAS સ્ટડી સર્કલ દ્વારા બિલ્ડિંગના ભોંયરામાં જ તેની લાઇબ્રેરીની જાળવણી કરવામાં આવી હતી. એટલે ભોંયરામાં આટલા બધા વિદ્યાર્થીઓ હાજર હતા. કોચિંગ સેન્ટરોને બંધ કરવાનો નિર્દેશ
દુર્ઘટના પછી દિલ્હીના મેયર ડૉ. શૈલી ઓબેરોયએ MCD કમિશનરને સમગ્ર દિલ્હીમાં જે MCDના અધિકારક્ષેત્રમાં છે અને ભોંયરામાં વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, જે બિલ્ડિંગના નિયમો અને ધોરણોનું ઉલ્લંઘન કરે છે એવાં તમામ કોચિંગ સેન્ટરોને બંધ કરવાનો તરત જ નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અકસ્માત માટે MCDના કોઈ અધિકારી જવાબદાર છે કે કેમ તે જાણવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈ અધિકારી દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત પર AAP અને BJP વચ્ચે શબ્દયુદ્ધ
રાષ્ટ્રીય રાજધાનીમાં બનેલી આ કમનસીબ ઘટનાને કારણે સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે શબ્દયુદ્ધ છેડાયું છે. AAP પર નિશાન સાધતા દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, ત્યાં જે થયું તે અકસ્માત નથી પરંતુ હત્યા છે. ભોંયરામાં પુસ્તકાલય કેવી રીતે ચાલતું હતું? અગાઉ જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેનું શું થયું? આ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે... દિલ્હીના મંત્રીઓમાં ત્યાં (ઘટના સ્થળ) જવાની હિંમત નથી. આ ભ્રષ્ટાચારમાં તમે લોકો (દિલ્હી સરકાર) સામેલ છો. લોકો સતત ગટરની સફાઈ કરાવવા માટે પૂછતા હતા, શું કરી રહ્યા હતા? AAP સરકારે આખી દિલ્હીને બરબાદ કરી દીધી છે. તેમનો (વિદ્યાર્થીઓનો) શું વાંક છે? કે તે દિલ્હી ભણવા આવ્યા હતા? નબળી ડ્રેનેજ વ્યવસ્થા માટે ભાજપ જવાબદારઃ AAP
ભાજપ પર વળતો પ્રહાર કરતા AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે કહ્યું, દિલ્હીની ડ્રેનેજ સિસ્ટમ પડી ભાંગી છે અને તેનું કારણ એ છે કે ભાજપ 15 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં હતી. અમે છેલ્લા એક વર્ષથી અહીં છીએ અને ગટરનું કામ કરી રહ્યા છીએ, પરંતુ હું કોઈ આક્ષેપ-પ્રતિ-આક્ષેપમાં પડવા માગતો નથી, હું ઈચ્છું છું કે તેની તપાસ થાય અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દરમિયાન દિલ્હી કોંગ્રેસે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું, ભોંયરામાં સંસ્થા ચલાવવાની મંજૂરી કોણે આપી? આપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ. કેજરીવાલ પોતે મુખ્યમંત્રી છે તે બતાવવા સતત પત્રો લખતા રહે છે, પરંતુ આપણે દિલ્હીની હાલત પણ જોવી જોઈએ...તેમના મંત્રીઓ કંઈ કરી શકતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.