EDITOR’S VIEW: કેજરીવાલનો જેલયોગ:આશા હતી જામીન મળવાની ને CBIએ જેલમાં જ ધરપકડ કરી; ટ્રાયલ કોર્ટમાં બધાએ બંદૂકનું નાળચું મીડિયા સામે તાક્યું
અરવિંદ કેજરીવાલ 87 દિવસથી તિહાર જેલમાં છે. વચ્ચે તેમને 21 દિવસનાં જામીન મળ્યા હતા. ઈડીએ ધરપકડ કર્યા પછીથી જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેમની છૂટવાની મથામણ ચાલી રહી હતી અને 26 જૂન બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં કેજરીવાલ છૂટી જાય તેવા પૂરા ચાન્સ હતા ત્યાં આગલા દિવસે 25 જૂને, મંગળવારે રાત્રે 9 વાગ્યે સીબીઆઈ તિહાર જેલમાં પહોંચી ગઈ ને કેજરીવાલની પૂછપરછ કરી. સવારે સૂર્ય ઉગતાંની સાથે જ સીબીઆઈએ જેલમાં જ કેજરીવાલની ધરપકડ કરી. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલ્યો તેમાં કેજરીવાલ, સીબીઆઈના વકીલ અને ઈવન, જજે પણ બંદૂકનું નાળચું મીડિયા સામે તાકીને દલીલો કરી. સીબીઆઈએ પાંચ દિવસની કસ્ટડી માગી હતી પણ ટ્રાયલ કોર્ટે 3 દિવસની કસ્ટડી મંજૂર કરી છે. હવે સીબીઆઈ ત્રણ દિવસ સુધી કેજરીવાલની પૂછપરછ કરી શકશે. નમસ્કાર કેજરીવાલ ફસાયા હતા, પણ હવે બરાબરના ફસાયા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં તેમને જામીન મળી ગયા હતા. પહેલાં ઈડીએ કાર્યવાહી કરી ને હવે સીબીઆઈએ કેજરીવાલ ફરતે ગાળિયો કસ્યો છે. ઈડી અને સીબીઆઈ બંનેનો એક જ આરોપ છે કે, દિલ્હીની દારૂની નીતિમાં છેડછાડ કરવા માટે સાઉથ ઈન્ડિયાના એક ગ્રુપ પાસેથી કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. AAPએ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમાંથી થોડા પૈસા વાપર્યા હતા. એટલે ઈડી પછી હવે સીબીઆઈએ પણ આ કેસમાં ઝંપલાવ્યું છે. કેજરીવાલનો ચોથો જેલયોગ
2011માં કેજરીવાલ રામલીલા મેદાન પર અણ્ણા હઝારે સાથે યુપીએ સરકાર સામે આંદોલન પર બેઠા હતા. 2012માં એ વખતના વડાપ્રધાન ડો. મનમોહન સિંહના ઘરની બહાર દેખાવ કરવાના મામલે કેજરીવાલની ધરપકડ થઈ હતી. એ પછી તેમની 2014માં ગડકરી સામેના માનહાનિ કેસમાં પણ ધરપકડ થઈ હતી. ઈડીએ ધરપકડ કરી ત્યારે ત્રીજીવાર કેજરીવાલ જેલમાં ગયા હતા. હવે સીબીઆઈએ પણ ધરપકડ કરતાં નવેસરથી ચોથો જેલયોગ થયો છે. આજથી 13 વર્ષ પહેલાં જે રામલીલા મેદાનમાંથી અરવિંદ કેજરીવાલનો ઉદય થયો હતો એ રામલીલા મેદાનમાં જ તેમની તરફેણમાં INDIA ગઠબંધનના નેતાઓ મેદાનમાં ભેગા થયા હતા. સીબીઆઈએ કોર્ટમાં શું કહ્યું?
સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે 16 માર્ચ, 2021ના રોજ દારૂના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ તેમને દારૂની નીતિને લઈને મળ્યા હતા. કેજરીવાલ 16 માર્ચના રોજ સચિવાલયમાં મગુંથા રેડ્ડીને પહેલીવાર મળ્યા હતા. તે સાંસદ છે અને દક્ષિણ ભારતમાં મોટું નામ છે. તે કેજરીવાલને મળ્યા અને દિલ્હીની દારૂની નીતિ અંગે સમર્થન માંગ્યું. આના પર કેજરીવાલે મદદનું આશ્વાસન આપ્યું પણ તેની સામે આમ આદમી પાર્ટીને ફંડ આપવાનું કહ્યું. મંગુથા રેડ્ડીને કવિતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. 19 માર્ચ, 2021ના રોજ કવિતાએ રેડ્ડીનો સંપર્ક કર્યો અને તેને હૈદરાબાદમાં મળવા કહ્યું. હૈદરાબાદમાં કવિતાએ રેડ્ડી પાસેથી 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રેડ્ડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ પહેલેથી જ નવી દારૂની નીતિ પર કામ કરી રહ્યા છે અને તેમને આ નીતિ પર સાથે મળીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ બધું મુખ્યમંત્રી કેજરીવાલની સૂચનાથી થયું. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે કેજરીવાલ કહે છે કે વિજય નાયરે તેમની સાથે કામ કર્યું નથી પરંતુ તેમણે આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કર્યું છે. સીબીઆઈનો દાવો છે કે આ રીતે કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસીની સંપૂર્ણ જવાબદારી મનીષ સિસોદિયા પર નાખી દીધી. કેજરીવાલે કહ્યું કે એક્સાઇઝ પોલિસીનો વિચાર તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો. સીબીઆઈનો દાવો છે કે અમને કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. તે એ પણ નથી જણાવી રહ્યા કે વિજય નાયર તેની નીચે કામ કરતો હતો કે નહીં. તે કહે છે કે તે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ હેઠળ કામ કરતો હતો અને તેણે દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળીને હાથ ઊંચા કરી દીધા છે કે, પોતાને શરાબ નીતિ વિશે કાંઈ ખબર નથી. CBIએ કેજરીવાલની ધરપકડ કેમ કરી?
કેજરીવાલની ધરપકડ કરવાનું સીબીઆઈનું કારણ એ હતું કે તેઓ દારૂની નીતિને મંજૂરી આપનાર કેબિનેટનો ભાગ હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે લાંચ લીધા બાદ હિતધારકોની ઈચ્છા મુજબ દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું. વાંચો ED સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધી શું થયું... કોર્ટરૂમમાં દલીલો થઈ પણ ટાર્ગેટ મીડિયા બન્યું...
કેજરીવાલની ધરપકડ પહેલા વકીલ વિવેક જૈન અને વિક્રમ ચૌધરી કેજરીવાલ વતી ટ્રાયલ કોર્ટમાં હાજર થયા હતા. સીબીઆઈ વતી એડવોકેટ ડીપી સિંહે દલીલો કરી હતી. વેકેશન બેન્ચના જસ્ટિસ અભિષેક રાવતે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. પછી કેજરીવાલની ધરપકડ થઈ ને તેમને ટ્રાયલ કોર્ટમાં લઈ જવાયા ત્યારે સીબીઆઈ ધરપકડ પછીની દલીલોમાં મીડિયા કેન્દ્ર સ્થાને રહ્યું. 26 જૂન, બુધવારે ટ્રાયલ કોર્ટમાં શું દલીલો થઈ તે વાંચો... CBI: અમે કેજરીવાલની 5 દિવસની કસ્ટડી ઈચ્છીએ છીએ. આ કેસ સાથે જોડાયેલા આરોપી વિજય નાયર કેજરીવાલનો સહયોગી હતો, પરંતુ હવે કેજરીવાલ કહી રહ્યા છે કે તેમને ખબર નહોતી કે વિજય તેમની નીચે કામ કરતો હતો. કેજરીવાલ કહી રહ્યા છે કે વિજયે આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કર્યું હતું. કેજરીવાલે સમગ્ર મામલો સિસોદિયા પર ઢોળી દીધો છે. કેજરીવાલને આ અંગે પૂછપરછ કરવી પડશે. અરવિંદ કેજરીવાલઃ સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર મીડિયામાં આવી વાતો વહેતી થઈ રહી છે. વાતો એ છે કે મેં એવું નિવેદન આપ્યું છે કે મેં તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે. મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી. મેં કહ્યું હતું કે મનીષ સિસોદિયા નિર્દોષ છે. AAP નિર્દોષ છે. તેમનો આખો પ્લાન અમને મીડિયામાં બદનામ કરવાનો છે. સીબીઆઈએ આ બધું મીડિયામાં ન ફેલાવવું જોઈએ તે નોંધવું જોઈએ. જસ્ટિસ રાવતઃ સમસ્યા એ છે કે મીડિયામાં જે કવર થાય છે તે કટકે કટકે થાય છે. CBI: સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંઈ ચાલી રહ્યું નથી. મેં આ તથ્યોના આધારે કોર્ટમાં આ દલીલ આપી છે. કેજરીવાલઃ તેઓ ઈચ્છે છે કે પહેલા પાના પર હેડલાઈન હોય કે કેજરીવાલે મનીષ સિસોદિયા પર દોષનો ટોપલો ઢોળ્યો. આ અખબારની ટોચની હેડલાઇન હશે. આ લોકો સનસનાટી ફેલાવવા માંગે છે. જસ્ટિસ રાવતઃ મીડિયા માત્ર એક લાઈન લે છે અને તેને ચલાવતું રહે છે. મીડિયાને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. કેજરીવાલના વકીલ વિવેક જૈન : હકીકતમાં આ સીબીઆઈનો દુરુપયોગ છે. સીબીઆઈ સત્તાનો દુરુપયોગ કરીને ધરપકડ કરી રહી છે. CBI: કેજરીવાલના જામીન હાઈકોર્ટે ફગાવ્યા પછી જ અમે ધરપકડ કરી છે. કોર્ટ CBIને : તમે કહો છો કે, કેજરીવાલની ધરપકડ એટલે કરી કે તેમણે સાક્ષીઓને પ્રભાવિત કર્યા છે. CBIના વકીલ ડીપી સિંહ : કોર્ટમાં મીડિયા હાજર છે, તે કહેશે. કેજરીવાલે પોતે અગાઉ કહ્યું હતું કે શરાબની નવી નીતિ સિસોદિયાનો આઈડિયા હતો. અમે કોર્ટમાં કેજરીવાલનું નિવેદન વાંચીશું તો ઘણાને તકલીફ પડશે. અમે તથ્યના આધારે વાત કરી રહ્યા છીએ. (ચાર કલાક આ દલીલો ચાલી એ દરમિયાન કેજરીવાલનું સુગર લેવલ ડાઉન થઈ ગયું. તેમને કોર્ટ રૂમની બહાર લઈ જઈને ચા-નાસ્તો કરાવવા પડ્યા હતા.) ભાજપ અને સીબીઆઈએ સાથે મળીને ષડયંત્ર રચ્યું : AAP નેતાનો બળાપો
આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો છે કે 26 જૂને સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની જામીનની સુનાવણી પહેલાં જ કેન્દ્ર સરકારે સીબીઆઈ સાથે મળીને અન્ય કેસમાં તેમની ધરપકડ કરવા માટે કાવતરું કરી રહી છે. AAP સાંસદ સંજય સિંહે 25 જૂનની રાત્રે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, 'જુલમ, અત્યાચાર અને અતિરેક તેની હદ સુધી પહોંચી ગયા છે. આવતીકાલે 26 જૂન, બુધવારે જ્યારે કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની તમામ શક્યતા છે, ત્યારે આ પહેલાં કેન્દ્રની ભાજપ સરકારે CBI અધિકારીઓ સાથે મળીને મોટું ષડયંત્ર રચ્યું છે. કેજરીવાલ વિરુદ્ધ નકલી સીબીઆઈ કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું આ કાવતરું છે. આખો દેશ ભાજપની ચાલ, તેમના ગુનાઓ અને અત્યાચારો જોઈ રહ્યો છે. કેજરીવાલને જેલમાં રાખવા, તેમની રાજનીતિનો અંત લાવવા અને AAPને બરબાદ કરવાના ઉદ્દેશ્યથી ખોટા કેસ દાખલ કરીને આવા પગલાં લેવામાં આવશે તો આ દેશમાં કોઈને ન્યાય કેવી રીતે મળશે? આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં નવેસરથી અરજી કરશે
નવા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી છે. મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટે 20 જૂને તેમને જામીન આપ્યા હતા. તેની સામે ED હાઈકોર્ટમાં પહોંચી હતી. 25 જૂને હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો ને જામીન રદ્દ કર્યા હતા. કેજરીવાલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે 25 જૂનના રોજ જામીન આપવાના નીચલી કોર્ટના આદેશને પણ રદ કરી દીધો છે. હવે અમે હાઈકોર્ટના 25 જૂનના આદેશ સામે નવી અરજી દાખલ કરીશું. તેથી હવે હાલની પિટિશન પાછી લાવવા માંગે છે. આ પછી, સુપ્રીમ કોર્ટે EDના વકીલ એસવી રાજુની સંમતિ પછી અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી. કેજરીવાલને લોકસભા ચૂંટણી દરમિયાન 21 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા
લોકસભાની ચૂંટણીના મતદાનના બે તબક્કા પૂરા થઈ ગયા પછી ત્રીજા તબક્કાના મતદાન વખતે કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા હતા. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલ એ જ દિવસે જેલમાંથી બહાર આવ્યા હતા. 1 જૂન સુધી પ્રચાર કર્યા પછી, તેમણે 2 જૂને સાંજે 5 વાગ્યે તિહારમાં આત્મસમર્પણ કર્યું. હાલમાં તે 3 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. સીબીઆઈએ ગયા વર્ષે સિસોદિયાની ધરપકડ કરી હતી
સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં 26 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી, EDએ CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023 ના રોજ સિસોદિયાની ધરપકડ કરી. સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. શું છે દારૂ નીતિ, જેને કેજરીવાલ સરકારે બનાવી...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં નવી દારૂ નીતિ બનાવી હતી, જેને નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી. આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં દારૂની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને દારૂના વેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં દારૂ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી. દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો. આ પોલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાયસન્સ ધારકોને દારૂની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય એવી પરવાનગી અપાઈ હતી તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી. આ દારૂ નીતિ પાછળનું કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની એક્સાઇઝ નીતિની તપાસ સીબીઆઈ દ્વારા કરવાનો આદેશ 22 જુલાઈ, 2022એ આપ્યો હતો. ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલા સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. નરેશકુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની દારૂ નીતિમાં ઉપરાજ્યપાલની મંજૂરી વગર બદલાવ કરાયો છે, જેનાથી દારૂના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો. એના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પોર્ટ પાસ ફી માફ કરાઈ હતી, જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને સામેની તરફ લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે. ‘દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010’ અને ‘ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ, 1993’ અંતર્ગત આમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કેબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે. જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદે ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. દિલ્હીમાં 850 દુકાનને લાઇસન્સ આપીને 8900 કરોડની કમાણી કરી
17 નવેમ્બર 2021ના રોજ દિલ્હી સરકારે નવી દારૂ નીતિ લાગુ કરી, જેમાં લાઇસન્સ આપવાની હરાજીનો નિયમ બનાવ્યો. થોડા જ દિવસોમાં દિલ્હી સરકારને માત્ર લાઇસન્સની હરાજીથી 8,900 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આ હરાજી માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી મૂળ કિંમત કરતાં લગભગ 26.7% વધુ હતી. છેલ્લે, કેજરીવાલ પહેલીવાર જેલમાં ગયા ત્યારે તેમણે ત્રણ પુસ્તક જેલમાં લઈ જવા માગણી કરી હતી- રામાયણ, મહાભારત અને પત્રકાર નીરજા ચૌધરીનું પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ... એ વાંચ્યા કે નહીં, એ સીબીઆઈ જાણે!! સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ: યશપાલ બક્ષી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.