કાર ભાડે મુકવાના બહાને વગે કરવામાં સુત્રધારો પૈકીના કાળુ ભરવાડના ભાઈની ધરપકડ - At This Time

કાર ભાડે મુકવાના બહાને વગે કરવામાં સુત્રધારો પૈકીના કાળુ ભરવાડના ભાઈની ધરપકડ


-કામરેજ પોલીસ સ્ટેશનની પાછળ નેસડામાં રહેતા અને પાનનો ગલ્લો ચલાવતા વિરમકુમાર ભરવાડના એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો થયા હતા સુરત, : અસ્તિત્ત્વ નહીં ધરાવતી કંપનીમાં કાર ભાડે મુકવાના બહાને લઈ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો પૈકીના એક કાળુ ભરવાડના ભાઈની આર્થિક ગુના નિવારણ શાખાએ કામરેજ ખાતેથી ધરપકડ કરી છે. કામરેજ પોલીસ સ્ટેશનની પાછળ નેસડામાં રહેતા અને પાનનો ગલ્લો ચલાવતા વિરમકુમાર ભરવાડના એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો થયા હતા.આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અસ્તિત્ત્વ નહીં ધરાવતી કંપનીમાં કાર ભાડે મુકવાના બહાને લઈ સગેવગે કરવાના કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે બોટાદથી ઝડપાયેલા કેતૂલ પરમારે કબૂલાત કરી હતી કે તે તો માત્ર પ્યાદો હતો. જયારે સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર કામરેજના કાળુ ભરવાડ, ભોલા સીંધવ હતા અને બંને લસકાણાના ગોપાલ જગરાણા અને બોટાદના જગો માલખીયા મારફતે બોટાદમાં કાર વેચતા હતા. આ ટોળકીએ સુરત, બોટાદ, ભાવનગર, ભરૂચ, ધંધુકા, નંદુરબારમાં કુલ 272 કાર સગેવગે કરી હતી. તે પૈકી આર્થિક ગુના નિવારણ શાખાએ રૂ.6 કરોડની કિંમતની 264 કાર જુદાજુદા શહેરોમાંથી કબજે કરી હતી.આર્થિક ગુના નિવારણ શાખાએ આ ગુનામાં અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી. જયારે જેના એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો થયા હતા તે મુખ્ય સુત્રધારો પૈકીના એક કાળુ ભરવાડનો ભાઈ વિરમકુમાર ગગજીભાઈ ભુવા ( ભરવાડ ) ( ઉ.વ.24, રહે.નેસડામાં, તળાવ ફળિયું, નવા પોલીસ સ્ટેશનની પાછળ, કામરેજ, સુરત ) પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. કામરેજ ટર્નીંગ પાસે શ્રીમદ પાનનો ગલ્લો ચલાવતો વિરમકુમાર પોલીસથી બચવા ગલ્લા પર પણ આવતો નહોતો અને ત્યાં પણ માણસને બેસાડયો હતો. દરમિયાન, હાલમાં જ બનાવવામાં આવેલી આર્થિક ગુના નિવારણ શાખાની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ સાગર પ્રધાન અને ટીમે મળેલી બાતમીના આધારે વિરમકુમારને તેના ગલ્લા પરથી ઝડપી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.