વિંછીયાના મોઢુકા ગામના 10 હજાર લોકોને તંત્રના પાપે ત્રણ મહિનાથી દુષિત પાણી પી રહ્યા છે
10 હજાર કરતા વધુ વસ્તી ધરાવતા વિંછીયા તાલુકાના મોઢુકા ગામે ગ્રામપંચાયતના પાપે લોકો છેલ્લા ત્રણેક મહિનાથી દુષિત પીવાનું પાણી પી રહ્યા છે. જેમાં મોઢુકા ગામે કેરી નદીના કાંઠે ગ્રામપંચાયતનો કુવો આવેલો છે. જે કુવામાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને તે પાણી આખા ગામને વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણેક મહિના પહેલા આ કુવાની બાજુમાંથી પસાર થતી ભૂગર્ભ ગટરની મેઈન લાઈન તૂટી ગયેલ હોવાથી ગટરનું બધું પાણી આ કુવાની બાજુમાં ભરાય છે અને તે ગંદુ પાણી ગળાઈને કુવામાં રહેલ શુદ્ધ પાણી સાથે ભળી જાય છે. જેના કારણે કુવામાં રહેલું બધું શુદ્ધ પાણી દુષિત થઈ જાય છે અને તે દુષિત પાણી આખા ગામમાં પીવા માટે વિતરણ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. આ અંગે ગ્રામજનો દ્વારા ગ્રામપંચાયતના વહીવટદારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં જવાબદારો દ્વારા આજદિન સુધીમાં પાણી પ્રશ્ને કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી ગ્રામજનો દુષિત પાણી પીઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા આખા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે દુષિત પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
ત્રણ મહિનાથી ગટરનું પાણી કુવામાં ભળે છે, છતાં તંત્રને કોઈ ફરક પડતો નથી: રશીદભાઈ લોહિયા-સામાજિક આગેવાન,મોઢુકા : અમારા મોઢુકા ગામે કેરી નદીના કાંઠે ગામનો કુવો છે. જે કુવામાંથી આખા ગામને પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. આ કુવામાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ તે પાણી ગ્રામપંચાયત દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ નદીના કાંઠેથી પસાર થતી ભૂગર્ભ ગટરની મેઈન લાઈન છેલ્લા ત્રણેક મહિનાથી તૂટી ગયેલ છે તે પાણી નદીમાં ભરાતા સીધું બાજુના કુવામાં ગળાઈને જાય છે. જેના કારણે પીવાનું શુદ્ધ પાણી દુષિત થાય છે અને તે પાણી આખા ગામમાં પીવા માટે વિતરણ કરવામાં આવે છે. ત્રણ મહિનાથી ગ્રામપંચાયતના વહીવટદારને રજૂઆતો કરવામાં આવે છે છતાં હજી સુધી ગ્રામજનોને દુષિત પાણી જ પીવું પડી રહ્યું છે. જો આ દુષિત પાણી પીવાથી ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે? તેવો ગ્રામજનોનો સવાલ છે. ગ્રામજનોની મોળા પાણીની ફરિયાદ આવે છે: અમૃતભાઈ બારૈયા-વહીવટદાર,મોઢુકા ગ્રામપંચાયત : ગ્રામજનોની એવી ફરિયાદો આવે છે કે મોળું પીવાનું પાણી આવે છે. પરંતુ દુષિત પાણી આવે છે તેવી ફરિયાદ મને મળેલ નથી. કુવાની બાજુમાં ગટરનું પાણી ભરાય છે તે બાબત મારા ધ્યાને આવેલ નથી. છતાં હું આવતીકાલે તેની સ્થળ તપાસ કરાવું છું અને જો કુવાની બાજુમાં ગટરનું પાણી ભરાતું હશે તો તેનો તાત્કાલિક નિકાલ કરાવીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.