વડોદરા: સંગમ ચાર રસ્તા પાસે વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું
- ભૂગર્ભ માળખાકીય સુવિધા વિકસાવવામાં કોર્પોરેશન નિષ્ફળ- સિંધરોટ પાણીની મુખ્ય લાઈનમાં થયેલું ભંગાણ સંકલનના અભાવનો દાખલોવડોદરા,તા.29 જુન 2022,બુધવારવડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સતત સાત દિવસથી પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભૂગર્ભ માળખાકીય સુવિધા વિકસાવવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડયુ હોય તેમ અવારનવાર રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનો આંધળો ખર્ચ થઈ રહ્યો છે.વડોદરા શહેરમાં છાશવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે. મોટાભાગના કિસ્સામાં કોર્પોરેશનને ઘટનાની જાણ બે દિવસ બાદ થતી હોવાનું જાણવા મળ્યું છે. જાગૃત નાગરિકો રૂબરૂ તથા ઓનલાઇન ફરિયાદ કરે છે. પાણી જીવન માટે અમૂલ્ય હોવા છતાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતી નથી. પરિણામે ગોકળગતીએ ચાલતી કામગીરીના કારણે જે તે વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જવાની સાથે વાહનચાલકો તથા રાહદારીઓને આપદા ભોગવવાનો વખત આવે છે. તેવામાં આજે સંગમ ચારરસ્તા નજીક આવેલ હરણી સુએઝ પમ્પિંગ પાસેના મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તાનું પડ તોડી પાણી પ્રેશરથી બહાર નીકળી રહ્યું છે. અને નજીકમાં આવેલ ગટરમાં વહી જતા શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક રહીશ કમલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી આ સમસ્યા છે. બે વખત ઓનલાઇન ફરિયાદ પણ કરી છે. પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ ખાડો ખોદી ગાયબ થઈ જતા પરિસ્થિતિ છે. તો બીજી તરફ અનેક સમસ્યાઓમાં અવારનવાર તંત્રનું ધ્યાન દોરી સ્થાનિકોની વાહરે આવતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ વધુ એક વખત તંત્રની ઝાટકણી કાઢી વહેલી તકે સમારકામ હાથ ધરવાની માંગણી કરી હતી. અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આ માર્ગ ઉપરથી અધિકારીઓ પદાધિકારીઓ પ્રતિદિન પસાર થાય છે. સાત દિવસથી ભંગાણ હોવા છતાં તેમને નજરે ચડતું નથી.અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ આ રસ્તો બન્યા બાદ બીજી વખત કારપેંટિંગ કરી ખર્ચો કર્યો હતો. હવે ખોદકામ પછી ફરી વખત આ પ્રક્રિયા હાથ ધરી વધુ એક વખત નાણાંનો વેડફાટ થશે. પરંતુ મુખ્ય માર્ગ બનાવતા અગાઉ ભૂગર્ભ માળખાકીય સુવિધા વિકસાવવામાં કોર્પોરેશન નિષ્ફળ નીવડી છે. અને સંકલનનો અભાવ આજે પણ જગજાહેર છે તેનું ઉદાહરણ તાજેતરમાં સિંધરોટ પાણીની મુખ્ય લાઈનમાં થયેલું ભંગાણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.