કેરળમાં મંકીપોક્સનો બીજો દર્દી મળ્યો:29 વર્ષનો યુવક UAEથી કેરળ પરત ફર્યો હતો, સ્ટ્રેનની પુષ્ટિ થઈ નથી
કેરળમાં મંકીપોક્સ (MPox)નો બીજો દર્દી મળી આવ્યો છે. 29 વર્ષીય યુવક UAEથી કેરળના એર્નાકુલમ પરત ફર્યો હતો. તેને ભારે તાવ આવ્યો હતો. તપાસમાં MPoxની પુષ્ટિ થઈ હતી. હજુ સુધી MPoxના સ્ટ્રેન વિશે જાણી શકાયું નથી. કેરળના આરોગ્ય વિભાગે જણાવ્યું કે દર્દીની કોચ્ચિની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જીનોમિક સિક્વન્સિંગ માટે તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ એ જાણી શકાશે કે દર્દી MPoxના ખતરનાક અને ઝડપથી ફેલાતા ક્લેડ-1બી સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં. 18 સપ્ટેમ્બરે ભારતમાં એમપોક્સનો બીજો દર્દી અને ક્લેડ-1બી સ્ટ્રેઈનનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. 38 વર્ષીય ચેપગ્રસ્ત દર્દી યુએઈથી કેરળના મલપ્પુરમ પરત ફર્યો હતો. તેણે 17 સપ્ટેમ્બરના રોજ પોતાને ક્વોરન્ટાઈન કર્યા હતા. ભારતનો પ્રથમ MPox દર્દી હરિયાણામાં મળી આવ્યો હતો
9 સપ્ટેમ્બરે દેશમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. હરિયાણાના હિસારમાં 26 વર્ષીય યુવકમાં જૂની સ્ટ્રેન ક્લેડ-2 મળી આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે વ્યક્તિ વિદેશથી પરત ફર્યો હતો. 8 સપ્ટેમ્બરે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. મંકીપોક્સ શું છે
મંકીપોક્સ એ વાયરસથી ફેલાતો રોગ છે. સામાન્ય રીતે, આ વાયરસના ચેપની ઘણી આડઅસરો નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. આ કારણે, ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે અને શરીર પર પરુ ભરેલા ફોલ્લા પડે છે. આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે. વાયરસના બે અલગ-અલગ જૂથો છે: ક્લેડ-1 (સબક્લેડ્સ 1A અને 1B) અને ક્લેડ-2 (સબક્લેડ્સ 2A અને 2B). વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ક્લેડ-1બી સ્ટ્રેઈનને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ક્લેડ-1 ક્લેડ-2 કરતાં વધુ ઘાતક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની રાજ્યોને સલાહ
9 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ મંકીપોક્સ મામલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી. ચંદ્રાએ કહ્યું હતું કે મંકીપોક્સના જોખમને રોકવા માટે તમામ રાજ્યોએ સ્વાસ્થ્ય માટે પગલાં લેવા જોઈએ. રાજ્યોએ મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. મંકીપોક્સ પર નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા જાહેર કરાયેલ કમ્યુનિકેબલ ડિસીઝ એલર્ટ (સીડી એલર્ટ) પર પગલાં લેવા જોઈએ. આ સિવાય રાજ્યોએ તેમની આરોગ્ય સુવિધાઓની તૈયારીની સમીક્ષા કરવી જોઈએ. વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લાઓની આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવી જોઈએ. WHOની સલાહ- મંકીપોક્સના મોટાભાગના કિસ્સાઓ 34 વર્ષની સરેરાશ વય (18-44 વર્ષ) ના યુવાનોમાં જોવા મળે છે. મોટાભાગના કેસો જાતીય સંપર્ક દ્વારા ચેપના હોય છે. WHOએ મંકીપોક્સને હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ 14 ઓગસ્ટના રોજ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. 20 ઓગસ્ટે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથે દેશના તમામ બંદરો અને એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું હતું. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે WHO એ મંકીપોક્સ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHOના રિપોર્ટ અનુસાર મંકીપોક્સની શરુઆત આફ્રિકન દેશ કોંગોમાંથી થઈ છે. આફ્રિકાના દસ દેશો તેનાથી ગંભીર રીતે અસરગ્રસ્ત છે. આ પછી તે વિશ્વના બાકીના દેશોમાં ફેલાયો છે. કોરોનાની જેમ, મંકીપોક્સ હવાઈ મુસાફરી અને ટ્રાવેલિંગના અન્ય માધ્યમો દ્વારા વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાય છે. WHO પણ ચિંતિત છે કારણ કે મંકીપોક્સના જુદા જુદા કેસોમાં મૃત્યુદર પણ અલગ-અલગ જોવા મળ્યો છે. ઘણી વખત તે 10%થી વધુ થઈ ગયો છે. 116 દેશોમાં મંકીપોક્સના 99,176 કેસ અને 208 મૃત્યુ
WHO અનુસાર, 2022થી વૈશ્વિક સ્તરે 116 દેશોમાં મંકીપોક્સના 99,176 કેસ અને 208 મૃત્યુ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 15,600થી વધુ કેસ અને 537 મૃત્યુ નોંધાયા છે. 2022 થી, ભારતમાં મંકીપોક્સ (ક્લેડ 2) ના 30 કેસ નોંધાયા છે. છેલ્લો કેસ માર્ચ 2024માં સામે આવ્યો હતો. ભારતમાં મંકીપોક્સના પરીક્ષણ માટે 32 લેબ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.