અનંત અંબાણીએ 16 કરોડનો મુગટ દાનમાં આપ્યો:લાલબાગ ચા રાજાને 20 કિલો સોનાનો મુગટ અર્પણ, જેમાં હીરા અને કીમતી પથ્થરો પણ જડેલા છે
દેશભરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુંબઈના પ્રખ્યાત 'લાલબાગ ચા રાજા'ની પ્રતિમા પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. આ વખતે બાપ્પા મરૂન રંગના પોશાકમાં જોવા મળી રહ્યા છે અને તેમણે સોનાનો મુગટ પહેર્યો છે. મળતી માહિતી મુજબ, આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશને લાલબાગના રાજાનાં ચરણોમાં 20 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટ કિંમત 16 કરોડ રૂપિયા છે, જેમાં હીરા અને અન્ય કીમતી પથ્થરો પણ જડેલા છે. દર વર્ષે અંબાણી પરિવાર લાલબાગના રાજાને કરોડો રૂપિયાની ભેટ આપે છે અને લાલબાગના રાજાની વિસર્જનયાત્રામાં પણ સામેલ થાય છે. 'અંબાણી પરિવારની ભક્તિ જોઈને ગર્વ અનુભવું છું'
'લાલબાગ ચા રાજા' મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યું હતું કે ગઈકાલે અંબાણી પરિવાર દ્વારા દાન તરીકે 20 કિલોનો સોનાનો મુગટ લાવવામાં આવ્યો છે. પ્રથમ ઝલક બાદ રાજાને આ તાજ આપવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર લાંબા સમયથી મંડળ સાથે સંકળાયેલો છે અને અમે ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. તેઓ વારંવાર આ ઉત્સવમાં ભાગ લે છે. અનંત અંબાણીનો લાલબાગના રાજા સાથે ઘણો જૂનો સંબંધ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો પણ લાલબાગના રાજા સાથે ઘણો જૂનો સંબંધ છે. અનંત અંબાણી દર વર્ષે લાલબાગના રાજાની મુલાકાત લે છે અને તેમને પ્રસાદ ચઢાવે છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી લાલબાગ ચા રાજા ગણપતિ મંડળમાં જોડાયા છે. અનંત અંબાણીને મુંબઈના પ્રતિષ્ઠિત 'લાલબાગના રાજા'નું માનદ સભ્યપદ આપવામાં આવ્યું છે, જે નવસાચા ગણપતિ (ગણપતિની ઈચ્છા પૂરી કરતા) તરીકે જાણીતા છે. તાજેતરમાં યોજાયેલી બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં અનંત અંબાણીને માનદ સભ્યપદ આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને એને મંજૂરી આપવામાં આવી છે. 'મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે'
અનંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિશ્વસ્તરીય બિઝનેસ ફેમિલી હોવા ઉપરાંત તેઓ બધા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં માને છે. અનંતે કહ્યું, 'મારો ભાઈ શિવનો મહાન ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારી માતા નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીનાં ભક્ત છે. મારા પરિવારમાં દરેક વ્યક્તિ ભગવાનના ભક્ત છે. આપણી પાસે જે કંઈ છે એ તેણે આપ્યું છે. અમે માનીએ છીએ કે ભગવાન સર્વત્ર છે, તમારામાં અને મારામાં. મારો આખો પરિવાર સનાતન ધર્મમાં માને છે. રામ મંદિરના અભિષેક વખતે અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીના પરિવારજનો દરરોજ મંદિરોમાં જતા અને પૂજા કરતા જોવા મળે છે. ગણેશોત્સવ મંડળનો ઇતિહાસ
લાલબાગ બજારમાં 1934માં લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળની સ્થાપના સ્થાનિક માછીમારો અને વેપારીઓના સમૂહ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈના પીતલાબાઈ ચાલમાં લાલબાગના રાજાની પ્રતિમા સ્થાપિત છે. આ ગણેશ પંડાલ મુંબઈનું સૌથી પ્રખ્યાત પંડાલ છે. અહીં લાખો ભક્તો બાપ્પાનાં દર્શન કરવા આવે છે. દેશમાં 7 સપ્ટેમ્બરથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 10 દિવસ સુધી ચાલે છે. આ 10 દિવસ માટે ભારે ઉત્સાહ છે. 10મા દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.