ભાદરવી અમાસે કોળીયાકના દરિયામાં કોઈ ડુબે નહી તે માટે સુચના જાહેર કરાઈ
- નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુ પાણીમાં ગંભીર વમળ હોવાથી લોકો તણાય જતા હોય છે ઃ નિયમનુ પાલન નહી કરનાર સામે પગલા લેવાશે ભાવનગરઆગામી તા.૨૬ અને ર૭ ઓગષ્ટના રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પો.સ્ટે. તાબાના કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે ઘણી વખત અગાઉના વર્ષોમાં માણસોના ડુબી જવાથી મૃત્યુ થયેલ છે. કોળીયાકના મેળામાં આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન કરવા ના જાય તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા. ૨૬/૮/૨૦૨૨ તથા તા. ૨૭/૮/૨૦૨૨ દિન-૨ માટે પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(એસ) અન્વયે અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા બંને દિવસોએ કોળીયાક, તા.જિ.ભાવનગરનાં નિષ્કલંક મહાદેવના દરીયામાં, દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવના સ્થાનકથી ઉતરીને આગળ જતુ રહે ત્યાર પહેલા દરીયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.