કોરોના, કૃષિ કાયદાની ડોક્યુમેન્ટરી બનાવનાર પત્રકારને સરકારે એરપોર્ટથી જ પરત અમેરિકા મોકલ્યો - At This Time

કોરોના, કૃષિ કાયદાની ડોક્યુમેન્ટરી બનાવનાર પત્રકારને સરકારે એરપોર્ટથી જ પરત અમેરિકા મોકલ્યો


નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર અમેરિકન પત્રકાર અંગદ સિંહ બુધવારે રાત્રે ભારત આવ્યા બાદ તરત જ ન્યૂયોર્ક પરત મોકલવામાં આવ્યા હતા. અંગદ સિંહની માતા ગુરમીત કૌરે એક ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે. વાઈસ ન્યૂઝ માટે એશિયા-કેન્દ્રિત ડોક્યુમેન્ટ્રી બનાવનાર સિંહની માતા કૌરના જણાવ્યા અનુસાર, તેઓ અંગત મુલાકાતે ભારત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મારો પુત્ર અમેરિકન નાગરિક છે. તે 18 કલાકની મુસાફરી કરીને દિલ્હી પહોંચ્યો હતો જ્યાંથી તેને પંજાબ જવાનું હતું પરંતુ તેને આગામી ફ્લાઈટમાં ન્યુયોર્ક પરત મોકલી દેવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાની ભયાવહ સ્થિતિ અને કાળા કૃષિ કાયદાની ડોક્યુમેન્ટરી બનાવનાર પત્રકારને સરકારે એરપોર્ટથી જ પરત ન્યૂયોર્ક મોકલ્યો છે. ત્યારે તેમની માતા કૌરે દાવો કર્યો હતો કે, તેમણે કોઈ કારણ આપ્યું નહોતું પરંતુ અમે જાણીએ છીએ કે આ તેમના એવોર્ડ વિજેતા પત્રકારત્વના ડરથી કરવામાં આવ્યું છે. તે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને સ્વીકારી શક્યા નહીં. વાઈસના અગ્રણી રિપોર્ટિંગથી તેઓ ડરી ગયા છે. અંગદ સિંહે ભારતમાં કોવિડ-19 મહામારી અને રદ કરેલા 3 કૃષિ કાયદાની વિરૂદ્ધ રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનો પર શ્રેણીબદ્ધ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. અંગદ સિંહે ગયા વર્ષે ભારતમાં કોરોનાના ડેલ્ટા વાયરસ વિશે કવરેજ પણ કર્યું હતું. આ કારણે તેને એમી એવોર્ડનું નોમિનેશન મળ્યું હતું. સિંહને પરત મોકલવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.