રાજકોટ ગરાસીયા છાત્રાલયમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા T 3 કેમ્પ યોજાયો - 370 થી વધુ વિદ્યાર્થીઓના લોહતત્વ અને સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું - At This Time

રાજકોટ ગરાસીયા છાત્રાલયમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા T 3 કેમ્પ યોજાયો – 370 થી વધુ વિદ્યાર્થીઓના લોહતત્વ અને સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું


રાજકોટ તા. ૦૩ જુલાઈ - એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રના ઉપક્રમે યુનિસેફના સંકલનથી રાજકોટ ખાતે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયમાં T 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 370થી વધુ વિદ્યાર્થીઓમાં લોહતત્વની ઉણપ અંગેના પરિક્ષણની સાથે સાથે વજન અને ઉંચાઈની ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહ જાડેજાએ પ્રેરક ઉદબોધન કરતાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી એનિમિયામુકત ભારત અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ નિમિત્તે NCC રાજકોટ ઝોનના ગ્રુપ કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એસ. સંજયે કેન્દ્ર અને રાજ્ય સરકાર નોકરીઓમાં જોડાવા અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને સદાય તન અને મનથી સ્વસ્થ, તંદુરસ્ત અને સશકત રહીને ઉજજવળ કારકિર્દીનું ઘડતર કરવા શીખ આપી હતી.
આ કાર્યક્રમમાં કેપ્ટન જયદેવ જોશીએ લોહતત્વ વધારવાના ઘરગથ્થુ અને સરળ ઉપાયો જણાવી કિશોર - કિશોરીઓને તેમના રોજિંદા વ્યવહારોમાં પરિવર્તન લાવી એનીમિયા મુક્ત અને નિરોગી રહેવા સમજણ આપી હતી.
પબ્લિક હેલ્થ મેનેજર ડૉ. રાજેશ માંકડિયાએ એનિમિયા તેમજ એનિમિયા થવાના કારણો, નિદાન અને સારવાર વિશે વિગતવાર જાણકારી આપી હતી જયારે ન્યુટ્રિશન તજજ્ઞ હિતાવહી મહેતા અને તેમની ટીમે પોષણયુક્ત આહાર સંબંધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી હિમોગ્લોબીનની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને જરૂરી આઈ.એફ.એ. ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટના એમ.ઓ.એચ. ડો. જયેશ વાંકાણી અને આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંઝાના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. તબીબો સહિતની ટીમે આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ કેમ્પના સુચારૂ આયોજન અને સફળતા માટે ક્લાસના સંચાલક શ્રી દૈવતસિંહ જાડેજા તથા ગૃહપતિ શ્રી રણવીરસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી જયારે આભારવિધિ બૉર્ડિંગના ટ્રસ્ટી શ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ ખાતે યુનિસેફ-ગુજરાતના સહયોગી સેપ્લેબ- આઇ.આઇ.ટી.-ગાંધીનગર તરફથી એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ કેમ્પમાં ૯૦૦થી વધુ NCC કેડેટસના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.