કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ હોવાનો આરોપ:મંદિર સમિતિ અધ્યક્ષે કહ્યું- સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સનસનાટી ન ફેલાવો, પુરાવા હોય તો કોર્ટમાં જાઓ
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 15 જુલાઈના રોજ કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માત્ર સનસનાટી ફેલાવવા માગે છે. જો પુરાવા હોય તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જાવ. અજેન્દ્ર અજયે કહ્યું કે, હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સન્માન કરું છું, પરંતુ તેઓ દિવસભર પ્રેસ કોન્ફરન્સ કરતા રહે છે. વિવાદો ઉભા કરવા, સનસનાટી મચાવવી અને ચર્ચામાં રહેવાની અવિમુક્તેશ્વરાનંદની આદત છે. જો સ્વામી કોંગ્રેસના એજન્ડાને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો અને કેદારનાથની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું? સ્વામી અવિમુક્તેશ્વરાનંદ 15મી જુલાઈના રોજ મુંબઈમાં હતા. તેમણે દિલ્હીમાં 'કેદારનાથ મંદિર' જેવું મંદિર બનાવવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભગવાનના હજારો નામ છે, કોઈ બીજા નામથી મંદિર બનાવો… પૂજા કરો. જનતાને ગેરમાર્ગે દોરશો નહીં. દિલ્હીમાં મંદિર બનાવવા પાછળ રાજનીતિ છે કે કેમ તે અંગે શંકરાચાર્યએ કહ્યું કે, રાજકારણીઓ આપણા ધાર્મિક સ્થળોમાં ઘૂસી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનું ગાયબ હતું અને આજદિન સુધી તેની તપાસ થઈ નથી. કોણ જવાબદાર છે? હવે જો ત્યાં કૌભાંડ થશે તો દિલ્હીમાં મંદિર બનશે? તમે ત્યાં બીજું કૌભાંડ કરશો? અમે આ સહન કરી શકતા નથી. આ નિવેદન બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘરે ગયા હતા. દિલ્હીના બુરારીમાં શ્રી કેદારનાથ ધામ નામના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો હકીકતમાં, 10 જુલાઈએ દિલ્હીના બુરારીના હિરંકીમાં 'શ્રી કેદારનાથ ધામ' નામના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી પણ હાજર હતા. શિલાન્યાસ કાર્યક્રમ માટે આયોજક સમિતિ દ્વારા જારી કરાયેલ આમંત્રણ પત્રમાં ભગવાન શિવ અને કેદારનાથ ધામના ફોટા છે. નીચે 'કેદારનાથ ધામ ટ્રસ્ટ દિલ્હી'ના સ્થાપક સુરેન્દ્ર રૌતેલાનો ફોટો છે. દાન અને ચંદા માટે QR કોડ પણ આપવામાં આવ્યો છે. કેદારનાથ ધામના તીર્થયાત્રી પૂજારીઓ અને સ્થાનિક લોકો શિલાન્યાસ થયા બાદથી વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે કહ્યું કે, જ્યોતિર્લિંગની માત્ર એક જ જગ્યા છે અને બીજી જગ્યાએ ધામ ન હોઈ શકે. સોનાની ચોરીનો વિવાદ ક્યાંથી શરૂ થયો? કેદારનાથ મંદિરમાં ચાંદીનું પડ હટાવવાનું અને સોનાનું પડ ઉમેરવાનું કામ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2022માં પૂર્ણ થયું હતું. આ માટે મુંબઈના એક વેપારીએ મંદિર સમિતિને 23 કિલો સોનું દાનમાં આપ્યું હતું. જે બાદ ગર્ભગૃહની દિવાલો અને છત પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. ગોલ્ડ પ્લેટિંગનું કામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના બે અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. 19 જેટલા કારીગરોએ 3 દિવસમાં આ કામ પૂર્ણ કર્યું હતું. ગોલ્ડ લેયર ઉમેરતા પહેલા, IIT રૂરકી, સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ રૂરકી અને ASIની 6 સભ્યોની ટીમે કેદારનાથની મુલાકાત લીધી હતી અને ગર્ભગૃહનું નિરીક્ષણ કર્યું હતું. જૂન 2023માં કેદારનાથ ધામના પૂજારી અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં દાનમાં આપેલું 23 કિલો સોનું ચોરાઈ ગયું હતું. પૂજારીએ કેદારનાથ મંદિર સમિતિ પર રૂ. 125 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો અને સોનાને પિત્તળથી બદલવાની વાત કરી હતી. આરોપો પર, મંદિર સમિતિએ કહ્યું હતું કે આ કેદારનાથ ધામની છબીને બગાડવાનું ષડયંત્ર છે. ગોલ્ડ પ્લેટિંગનું કામ નિયમો અનુસાર અને અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. મંદિર સમિતિની આમાં કોઈ સીધી ભૂમિકા નથી. આવા દાનને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ, 1939 હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.