મૂવી રિવ્યૂ- સરફિરા:સામાન્ય માણસના સપનાને પાંખો આપે છે અક્ષય કુમાર; ઈમોશનલ અને ઇન્સ્પાયરિંગ ફિલ્મમાં રાધિકાની પણ શાનદાર એક્ટિંગ - At This Time

મૂવી રિવ્યૂ- સરફિરા:સામાન્ય માણસના સપનાને પાંખો આપે છે અક્ષય કુમાર; ઈમોશનલ અને ઇન્સ્પાયરિંગ ફિલ્મમાં રાધિકાની પણ શાનદાર એક્ટિંગ


અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સરફિરા' આ શુક્રવારે રિલીઝ થશે. અસલી જીવનની વાર્તા પર આધારિત આ ફિલ્મની લેન્થ 2 કલાક 35 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે 5માંથી ચાર સ્ટાર રેટિંગ આપ્યું છે. આ ફિલ્મ સાઉથ સ્થિત બિઝનેસમેન જી.આર.ગોપીનાથના જીવન પર આધારિત છે. જી.આર.ગોપીનાથે દેશમાં સૌપ્રથમ ઓછી કિંમતની એરલાઇન શરૂ કરી હતી. તેમનું સપનું હતું કે સમાજની સૌથી નીચી વ્યક્તિ પણ હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે. તેના પર સાઉથમાં 'સોરારઇ પોટરુ' નામની ફિલ્મ બની ચૂકી છે. સૂર્યા સ્ટારર આ ફિલ્મને નેશનલ અવૉર્ડપણ મળ્યો હતો. શું છે ફિલ્મની વાર્તા?
સોરારઇ પોટરુની વાર્તાનું બેકગ્રાઉન્ડ સાઉથનું હતું, સરફિરામાં મહારાષ્ટ્રનું બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મેલા વીર મ્હાત્રે (અક્ષય કુમાર) બાળપણથી જ ક્રાંતિકારી વિચાર ધરાવે છે. તે સમાજના શોષિત અને વંચિતો માટે કંઈક કરવા માગે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને તે ભારતીય વાયુસેનામાં જોડાય છે, જો કે, આ દરમિયાન એક ઘટના બને છે. વીરના પિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, તેઓ ફક્ત તેમના પુત્રને તેની અંતિમ ક્ષણે જોવા માગે છે. વીર કોઈક રીતે આર્મી કેમ્પમાંથી તેમના મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને ઘરે જાય છે. ઝડપથી ઘરે પહોંચવા માટે તે એરપોર્ટ જાય છે. જો કે, ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે એરલાઇનની ટિકિટ ઘણી મોંઘી છે અને તેની પાસે ટિકિટના અડધા પૈસા જ છે. તે એરલાઈન્સને વિનંતી કરવાનું શરૂ કરે છે કે તેને શક્ય હોય તે રીતે જવા દેવા. તે ત્યાં હાજર લોકો પાસેથી મદદ પણ માગે છે, પરંતુ કોઈને રસ પડતો નથી. આખરે વીર સમયસર ઘરે પહોંચી શકતો નથી અને તેના પિતાનું અવસાન થાય છે. આ ઘટના પછી વીર પ્રતિજ્ઞા લે છે કે તે એક એવી એરલાઇન શરૂ કરશે જેમાં લોકો ઓછા ખર્ચે હવાઈ મુસાફરી કરી શકે. તેના કામમાં અનેક અવરોધો અને વિક્ષેપો સર્જાય છે. ટોચની એરલાઇન ચલાવતા ઉદ્યોગપતિ પરેશ ગોસ્વામી (પરેશ રાવલ) વીરના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. પરેશની વિચારસરણી એવી છે કે નિમ્ન વર્ગ કે મધ્યમ વર્ગના લોકો વિમાનમાં મુસાફરી કરી શકતા નથી, ફક્ત પૈસાવાળાને જ તેમાં મુસાફરી કરવાનો અધિકાર છે. પરેશ વીરને નીચે લાવવા માટે તમામ યુક્તિઓ વાપરે છે. વીર તેના પરિવાર અને મિત્રોના સહયોગથી તે દિશામાં સતત કામ કરે છે. હવે તમારે એ જાણવા માટે ફિલ્મ જોવી પડશે કે વીર આ મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરે છે અને કેવી રીતે તે પોતાનું સપનું પૂરું કરે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
આ ફિલ્મનો સૌથી વધુ ફોકસ પોઈન્ટ અક્ષય કુમારની એક્ટિંગ છે. લાંબા સમય બાદ અક્ષય કુમાર પોતાની એક્ટિંગથી લોકોને રડાવતો જોવા મળ્યો છે. તેણે ઈમોશનલ સીનને સ્ક્રીન પર એટલી સારી રીતે રજૂ કર્યા છે કે તમારી આંખો ભીની થઈ જાય. અક્ષયની પૂરતી પ્રશંસા કરી શકાય તેમ નથી. પરેશ રાવલ પણ એક અહંકારી બિઝનેસમેનની ભૂમિકામાં તદ્દન સ્વાભાવિક રીતે એક્ટિંગ કરે છે. તેની સ્ક્રીન પ્રેઝન્સ પણ અદ્ભુત રહી છે. રાધિકા મદાને પણ વીર મ્હાત્રેની પત્ની રાનીની ભૂમિકામાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેનું પાત્ર એક જિદ્દી અને સ્વાભિમાની સ્ત્રીનું છે, જેમાં તે એકદમ પરફેક્ટ દેખાય છે. અન્ય તમામ સહાયક કલાકારોએ પોતપોતાની ભૂમિકામાં સારું કામ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
મૂળ ફિલ્મ (સોરારઇ પોટરુ) બનાવનાર સુધા કોંગારા પ્રસાદે સરફિરાનું દિગ્દર્શન પણ કર્યું છે. જો કે રિમેક ફિલ્મોનો ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ ઘણી ઓછી ફિલ્મો એવી હોય છે જે તેની મૂળ ફિલ્મની નજીક હોય અથવા સારી હોય. સરફિરા આ પૈકી એક છે અને નિર્દેશક સુધા કોંગારા પ્રસાદને તેના માટે પૂરા માર્ક્સ મળવા જોઈએ. એ જ વાર્તાને તેમણે નવી સ્ટાઇલઅને નવા રોલ સાથે રજૂ કરી છે. તેમને ફિલ્મમાં રોમાંચ, ઉત્તેજના અને લાગણીનો ઇન્જેકશન કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે સફળ રહી છે. ફિલ્મની શરૂઆતમાં એક ગીત છે, જે ફિલ્મની લેન્થને બિનજરૂરી રીતે લંબાવે છે. જો આ ટાળવામાં આવ્યું હોત તો ફિલ્મની લંબાઈ 10-15 મિનિટ સુધી ઘટાડી શકાઈ હોત. ફિલ્મનું મ્યુઝિક
આ ફિલ્મનો પ્રકાર છે, તેમાં ગીતોને બહુ અવકાશ નથી, છતાં ફિલ્મમાં બે-ત્રણ ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે જ્યારે ગીત છે તો થોડા સારા હોવા જોઈએ. એક પણ ગીત એવું નથી કે જે સાંભળીને મજા આવે. સંગીત એકદમ લાઉડ છે, તેના પર થોડું વધારે કામ કરવું જોઈતું હતું. ફાઈનલી ફિલ્મ જોવી જોઈએ કે નહીં?
જો તમે તેનું મેઈન વર્ઝન જોયું નથી, તો તમને આ ફિલ્મ દરેક રીતે ગમશે. જો તમે તેને જોઈ હશે તો પણ આ ફિલ્મ તમને કંટાળે નહીં. વાર્તામાં જ એટલી શક્તિ છે કે તે ગમે તે ભાષામાં રિલીઝ કરવામાં આવે તે ચોક્કસ ગમશે. આમછતાં કાસ્ટિંગ એ ખૂબ જ જરૂરી બાબત છે, ઘણી વખત આપણે ખરાબ કાસ્ટિંગને કારણે સારી વાર્તાને હારતી જોઈ છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે અક્ષય કુમારે તેની એક્ટિંગને કારણે તેને એક અલગ જ લેવલ પર લઈ ગયો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તેણે મેઈન વર્ઝન હીરો સૂર્યને પણ ઢાંકી દીધો છે. અક્ષય જે લાગણીઓ લાવ્યો છે તે કદાચ સૂર્યા પણ ન કરી શક્યો. એકંદરે, આ એક જોવા જેવી ફિલ્મ છે, તમે તેને આખા પરિવાર સાથે જોઈ શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.