ચિશ્તીને બચાવવા ડીએસપીએ કહ્યું, 'કહી દે જે નશામાં હતો, બચી જઈશ' - At This Time

ચિશ્તીને બચાવવા ડીએસપીએ કહ્યું, ‘કહી દે જે નશામાં હતો, બચી જઈશ’


અજમેર, તા.૭નુપુર શર્માને ધમકી આપનારા સલમાન ચિશ્તીને પોલીસ કાર્યવાહીથી બચવાનો રસ્તો બતાવવો અને 'નશામાં હોવાનું' કહેવાની ભલામણ કરવી પોલીસ અધિકારીને ભારે પડી ગઈ છે. સલમાન ચિશ્તીનો વીડિયો વાઈરલ થતાં ગેહલોત સરકારે પોલીસ અધિકારી સંદીપ સારસ્વતને ડીએસપીના વર્તમાન પદેથી હટાવીને મુખ્યાલયમાં ટ્રાન્સફર કરી દીધો.નુપુર શર્માનું માથું કાપી લાવનારને પોતાનું ઘર આપી દેવાની ઓફર કરનારા અજમેર દરગાહના સેવક સલમાન ચિશ્તીની પોલીસે મંગળવારે રાત્રે તેના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસ સલમાનને લઈને ઘરમાંથી બહાર નિકળી ત્યારે દરગાહ સીઓ સંદીપ સારસ્વત પણ સાથે હતા. તે વખતે સલમાન ચિશ્તીને પૂછવામાં આવ્યું કે કયો નશો કરે છે તો તેણે કહ્યું કે તે નશો નથી કરતો. ત્યાર પછી પોલીસ અધિકારી એમ કહેતા સંભળાયો કે, 'કહી દે જે કે નશામાં હતો, જેથી બચી જઈશ.'સલમાન ચિશ્તીની ધરપકડનો આ વીડિયો વાઈરલ થયા પછી ગેહલોત સરકાર અને અજમેર પોલીસ મુશ્કેલીમાં સપડાઈ ગઈ છે. એકબાજુ કનૈયાલાલની હત્યા પછી રાજ્ય સરકાર ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાર્યવાહી કરી રહી છે તો બીજી બાજુ પોલીસ અધિકારીના આ રીતે આરોપી પ્રત્યે સદ્ભાવના દર્શાવતો વીડિયો વાઈરલ થયો છે. આ અંગે ભાજપ નેતાઓએ ગેહલોત સરકાર પર તુષ્ટિકરણનો આરોપ મૂક્યો હતો. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ અધિકારીની તાત્કાલિક ટ્રાન્સફર કરી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.