દિપડો રાજકોટનાં કાલાવડ રોડ સુધી આવી ગયો : વિડીયો વાયરલ થતા ફફડાટ
રાજકોટ નજીકનાં મુંજકા, કણકોટ અને વાગુદળ પાસે તાજેતરમાં દિપડો દેખાયા બાદ એક પખવાડીયા સુધી વન તંત્ર બરોબરનું ધંધે લાગ્યું હતું. બાદમાં વન તંત્રએ એવું અનુમાન કરી લીધુ હતું કે દિપડો ફરી જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હશે.
જોકે વન તંત્રનાં અનુમાન વચ્ચે ફરી એક વાર આ દિપડાએ ફોરેસ્ટ વિભાગને ધંધે લગાડી દીધું છે. કારણ કે, આ દિપડો ફરી એક વાર રાજકોટ શહેરનાં કાલાવડ રોડ ઉપર આવેલ આર.પી.જે. હોટલ નજીક ગત તા. 1ના રોજ મોડી રાત્રે દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
દરમ્યાન આ અંગે રાજકોટ જિલ્લા ફોરેસ્ટનાં મદદ વન સંરક્ષક શૈલેષ કોટડીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે કાલાવડ રોડ ઉપર આર.પી.જે. હોટલ પાસે દિપડો દેખાયાનો જે વિડીયો સામે આવ્યો છે તે જોતા તેમાં દિપડો હોવાનું જ દેખાય છે અને સંભવત: ગત તા. 1ના રોજ રાત્રીનાં આ દિપડો આવી ચડયાનું અનુમાન છે.
કોટડીયાએ જણાવેલ હતું કે વાયરલ થયેલો વિડીયોનાં આધારે ઘટના સ્થળે વન વિભાગની ટીમને રવાના કરી દેવામાં આવી છે અને ઘટના સ્થળ આસપાસ તપાસ શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિપડો હવે છેક રાજકોટ શહેર સુધી પહોંચી જતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને દિપડા અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થવા લાગી છે. પંદર દિવસ કરતા વધુ સમયથી રાજકોટ વિસ્તારમાં આવી ચડેલા આ દિપડાને પકડવા વન વિભાગ દિવસ-રાત એક કરી રહ્યું છે.
પરંતુ આ દિપડો હાથ આવતો નથી. દરમ્યાન એવી વિગતો પણ સાંપડી રહી છે કે આજે વાયરલ થયેલો દિપડાનો વિડીયો ગત તા. ર6 ડિસેમ્બરનો છે અને કાલાવડ રોડ ઉપર આવેલ આર.પી.જે. હોટલ પાસેનાં રિવેરા બિલ્ડીંગનાં બેન્ક ઓફ ઇન્ડિયાનાં એટીએમ પાસેનો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.