મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના રૂ. ૭૦૧.૦૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત કરાયું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ શહેરના રૂ. ૭૦૧.૦૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસકામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું હતું. મંત્રી કંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જસદણ-વીંછિયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાસશીલ છે. અહીં શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ, વીજળી, પીવાનું પાણી, વાહનવ્યવહાર જેવી પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યો તબક્કાવાર થાય, તે માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે. ઘેલા સોમનાથ નજીક ઘેલો નદીમાં બારેમાસ પાણી રહે, તે હેતુસર પાઈપલાઈનના કામની મંજૂરીની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે આજે ભૂમિપૂજન કરેલા વિકાસકામો નિયત સમયમર્યાદા અને ગુણવત્તા સાથે પૂર્ણ કરાશે. રસ્તાઓ અને કચરાના નિકાલના કામો થવાથી શહેરની રોનક વધશે. મંત્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આ મતવિસ્તારના ધારાસભ્ય તરીકે જસદણ-વીંછિયા પંથકને અનેકવિધ વિકાસ પ્રકલ્પો થકી સુંદર, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાનું સપનું છે, જે લોકભાગીદારી થકી અવશ્ય સાકાર થશે. જસદણના ચિતલીયા રોડ પર આસ્થા શાળાના પટાંગણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ ધો. ૬ની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. તેમજ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મંત્રીનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે ચિતલીયા રોડ પહોળો / વાઈડનીંગ કરીને વિવિધ સ્ટ્રકચર સાથે નવો બનાવવાના કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે જસદણના જુદા-જુદા વિસ્તારમાં રોડ રીસર્ફેસીંગ - વરસાદથી નુકશાન પામેલા ડામર રોડના સમારકામ, નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અન્વયે રૂ. ૪૭.૧૬ લાખના ખર્ચે જસદણ નગરપાલિકામાં આટકોટ ગેટથી નવા બસ સ્ટેન્ડ સુધીના રોડને આઈકોનીક રોડ તરીકે વિકસાવવાના કામ તથા શહેરના એપ્રોચ રોડની સફાઈ કરવાના કામ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે ડમ્પીંગ સાઈટ ઉપર કમ્પાઉન્ડ વોલ, વાયર ફેન્સીંગ, સિકયોરીટી રૂમ, ઓફીસ સાથે સ્ટોર રૂમ, ટોઈલેટ બ્લોક, શેડ, વે-બ્રીજ, વે-બ્રીજ ઓફિસ, વોટર રૂમ અને ટ્રી-મીક્ષ સાથે સી.સી.રોડ બનાવવાના કામ, એમ કુલ ચાર વિકાસકામોનું ખાતમુર્હુત કરાયું હતું. રોડ રીસર્ફેસીંગના કામોમા લાતી પ્લોટ સત્યમ કલાસીસથી દેવીપૂજકના ઘર સુધીનો રોડ, ઈભુભાઈ મીઠાણીની ફેકટરીથી રમેશભાઈ મિસ્ત્રીના ઘર સુધીનો રોડ, ગઢડીયા ચોકડી, ખોડલ પાન પાસેનો રોડ, ભરતભાઈ સોલંકીના ઘરથી વિદીશા કટલેરી સ્ટોર સુધીનો રોડ, શરમાળીયા દાદાના મંદિર પાસેનો રોડ, એકલવ્ય સ્કુલ પાસેથી પ્રકાશભાઈ મહાકાળી પાત્રાવાળાના ઘર સુધીનો રોડ, ચિતલીયા મેઈન રોડથી જયદીપ ચોક સુધીનો રોડ, અંબિકાનગર મેઈન રોડ, બાયપાસથી હનુમાનજી મંદિર સુધીનો રોડ, ખુશાલભાઈ મકવાણાના ઘરથી ગોવાભાઈ બારીયાના ઘર સુધીનો રોડ, મફતિયાપરા પોલીસ સ્ટેશન પાસે ભીમશીભાઈ લોહના ઘરથી જગદીશભાઈ બાવળીયાના ઘર સુધીનો રોડ, મફતિયાપરા પોલીસ સ્ટેશન સામે મનસુખભાઈ માંડાણીના ઘરથી બંસીભાઈ મહારાજના ઘર સુધીનો રોડ તેમજ ચિતલીયા રોડ પ્રજાપતિ વાડી સામે વિશ્વકર્મા મિકેનીકલ સ્ટ્રીટમાં રોડ રીસર્ફેસીંગ કરાશે. આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખે શાબ્દિક સ્વાગતમાં મંજૂર થનારા વિકાસકામોની રૂપરેખા વર્ણવી હતી. પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રીના સતત પ્રયાસોના પરિણામે આ કાર્યક્રમના વિકાસકામોને ખાસ કિસ્સામાં મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આસ્થા શાળાના ટ્રસ્ટી કલ્પેશભાઈ છાયાણી એ જસદણ પંથકની પ્રગતિ અંગે પ્રતિભાવ આપ્યો હતો. ક્લાર્ક હર્ષદભાઈ ઉપાધ્યાયએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમજ મામલતદાર એમ. ડી. દવેએ આભાર વિધિ કરી હતી દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જસદણ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અત્યાર સુધીમાં થયાં છે શહેરના દરેક વિસ્તારોમાં મોટાં કામોની સાથે નાના કામોને જબરજસ્ત વેગ મળ્યો છે. ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આ અંગે ખાસ રસ દાખવી રહ્યા છે એટલું જ નહિ પણ કામગીરી પૂર્ણપણે થાય તે અંગે પણ ધ્યાન આપતાં હોવાથી નાગરિકો પણ રાહત અનુભવી રહ્યા છે. ઇસ્વીસન 2009 થી જસદણ ધારાસભા બેઠક પર ભાજપના ડો. ભરતભાઈ બોઘરાએ ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ હવે કુંવરજીભાઈ બાવળીયાના મંત્રીપદ હેઠળ વિકાસને જબરો વેગ મળતાં સામાન્ય ગામડાઓ પણ નંદનવન બની ગયાં છે જે તમામ કામો ભારતીય જનતા પાર્ટીને જશ મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.