રાજકોટ જીલ્લામાં "રાઈટ ટુ એજ્યુકેશન (RTE)" હેઠળ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ અપાયો. - At This Time

રાજકોટ જીલ્લામાં “રાઈટ ટુ એજ્યુકેશન (RTE)” હેઠળ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ અપાયો.


રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૨ ના રોજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત આર્થિક અને વંચિત વર્ગ માટે શિક્ષણના અધિકારનો કાયદો રાઈટ ટુ એજ્યુકેશન (RTE) આશાનું નવું કિરણ બન્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અમલી RTE એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પણ હવે તેમની મનપસંદગીની ખાનગી શાળામાં ભણી શકે છે. સુસંસ્કૃત અને ચારિત્ર્યવાન સમાજ નિર્માણમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે. રાષ્ટ્રના ઉત્તમ નાગરિકના ઘડતરમાં પાયાનું અને પ્રાથમિક શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે. શાળાએ ઉત્તમ જીવન ઘડતરનો પ્રથમ અધ્યાય છે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો ભણી-ગણીને ખુબ આગળ વધે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખાનગી શાળાનું સારું શિક્ષણ એ માત્ર એક સ્વપ્ન બની ને રહી જતું. પરંતુ સંવેદનશીલ સરકારે જ્યારથી RTE એક્ટ અમલમાં મુક્યો છે. ત્યારથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા વાલીઓ સમર્થ બન્યા છે. રાજકોટ જીલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ થયેલી કામગીરી અંગે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ.કૈલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે "રાજકોટ જીલ્લામાં RTE હેઠળ કુલ ૯૭૯ શાળાઓ નોંધાયેલ છે. જેમાં ૪૮૨ શાળા રાજકોટ શહેર તથા ૪૯૭ શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજકોટ શહેરનાં ૩૪૬૧ બાળકો તથા ગ્રામ્ય વિસ્તારનાં ૨૦૫૪ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે RTE એક્ટ વર્ષ ૨૦૦૯ થી અમલમાં આવ્યો અને વર્ષ ૨૦૧૩ થી શાળાઓમાં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩થી લઈને અત્યાર સુધીમાં RTE હેઠળ કુલ ૪૭૦૦૦ થી પણ વધુ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સુવિધા પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારશ્રી દ્વારા RTE હેઠળ એક બાળક દિઠ શાળાને રૂા.૧૩૦૦૦ શૈક્ષણિક ફી તરીકે ચુકવવામાં આવે છે. જ્યારે રૂા.૩૦૦૦ બાળકને યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા માટે સહાય પેટે ચુકવવામાં આવે છે. રાજકોટ જીલ્લાની ૯૭૯ થી વધુ શાળાઓમાં RTE હેઠળ અભ્યાસ કરતા ૪૭૦૦૦થી વધુ બાળકોની અંદાજીત રૂપિયા ૩૨ કરોડથી વધુની ફી રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જીલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલાએ ઉમેર્યું હતું. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ-૨૦૦૯ અને બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારના નિયમો-૨૦૧૨ મુજબ ગુજરાતનું કોઈ બાળક શિક્ષાથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે ત્યારે આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોનું ખાનગી શાળામાં ભણવાનું સ્વપ્ન સાકાર કરવા સરકારશ્રી દ્વારા ૬ થી ૧૪ વર્ષના દરેક બાળકોને વિનામૂલ્યે ફરજિયાત શિક્ષણ આપવામાં માટે "રાઈટ ટુ એજ્યુકેશન (RTE)" કાયદો અમલમાં છે. જેમાં ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૨૫%ના રેશિયો મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. સામાજિક, શૈક્ષણિક પછાતવર્ગ, અન્‍ય પછાતવર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, જનરલ કેટેગરી, બિન અનામતવર્ગના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. જેમાં BPL કુટુંબમાં સમાવિષ્ટ થતા અથવા ગ્રામ્ય કક્ષાએ પરિવારની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરીકક્ષાએ પરિવારની આવક રૂ.૧,૫૦,૦૦૦ હોય તેવા કુટુંબના બાળકોને પ્રવેશ આપવાની જોગવાઈ છે. બાળમજૂર, દિવ્યાંગ, HIV ગ્રસ્ત, અનાથ, સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત હોય તેવા બાળકોને RTE હેઠળ પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવે છે. ગુજરાતનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદારભાવ સાથે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. બાળકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે સુદ્રઢ આયોજન કરવામાં આવે છે. આમ છેવાડાના માનવીના બાળકોને પણ શિક્ષણધારા સાથે જોડવા સરકારશ્રીની અપીલ છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.