દિલ્હીમાં જૈશ, તોયબાના આતંકીઓ હુમલાની ફિરાકમાં
ઈન્ટેલિજન્સ બ્યૂરોના ૧૦ પાનાના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ સ્વાતંત્ર્ય દિવસ પહેલાં પાટનગર દિલ્હીને નિશાન બનાવીને મોટા આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. આઈબીએ તમામ એજન્સીઓને એલર્ટ જારી કરીને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે.પાટનગર દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે-એ-તોયબા સહિતના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોના ૧૦ પાનાના અહેવાલમાં સુરક્ષા એજન્સીઓને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અહેવાલમાં શિંજો આબેની હત્યાનો ઉલ્લેખ છે અને તે સિવાય ઉદયપુર-અમરાવતીમાં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. આઈબી એલર્ટમાં કહેવાયું હતું કે પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે પાકિસ્તાન સૈન્યની મદદથી જૈશ-તોયબા સહિતના આતંકી સંગઠનોના આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાની પૂરી શક્યતા છે.૧૫મી ઓગસ્ટની ઉજવણી થવાની છે એ તમામ સ્થળોએ પોલીસ અને સુરક્ષાદળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આઈબીએ દિલ્હી પોલીસને એલર્ટ કરીને સઘન તપાસ કરવાનું સૂચન કર્યું છે. દિલ્હીમાં એલર્ટને પગલે સુરક્ષાદળોએ તમામ સંવેદનશીલ સ્થળોએ ચેકિંગ શરૃ કર્યું છે. તપાસ કર્યા વગર કોઈને ય નક્કી કરેલા અમુક સ્થળોએ જવા દેવાતા નથી. આઈબીએ દિલ્હી પોલીસ ઉપરાંત રાજ્યોને પણ સ્વાતંત્ર્ય દિવસ પહેલાં સાવધાન રહેવાની ચેતવણી આપી છે.એ દરમિયાન પાટનગર દિલ્હીના રોહિણીમાં આવેલા શોપિંગ મોલમાં શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું. બેગમાં વિસ્ફોટકો કે બોમ્બ જેવો કોઈ પદાર્થ હોવાની દહેશતના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તુરંત આખો શોપિંગ કોમ્પલેક્સ ખાલી કરાવ્યો હતો. વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા માટે ટીમને બોલાવાઈ હતી.હરિયાણાના કુરુક્ષેત્રમાં પોલીસને આઈઈડી બોમ્બ મળ્યો હતો. બોમ્બને નિષ્ક્રિય કરી દેવાયો હતો. આસપાસ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શાહાબાદમાં જીટી રોડ પાસે આવેલી એક હોટેલ નજીક બોમ્બ મળ્યાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. એ પછી પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. થોડી વાર માટે આખા રસ્તાને બંધ કરી દેવાયો હતો. હરિયાણામાં આઈઈડી બોમ્બ રાખવાના આરોપમાં પોલીસે પછીથી તરનતારનના પ્રગટ સિંહ નામના આરોપીને ઝડપી લીધો હતો.દરમિયાન જમ્મુ-કાશ્મીરના કૂપવાહામાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને પકડી પાડયા હતા. આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. આ ત્રણેય આતંકવાદીઓ હંદવાડામાં હુમલો કરવાની ફિરાકમાં હતા. ત્રણેયની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.