યુટ્યુબ પર વિડીયો જોઈ જવેલરની આંખમાં મરચાની ભૂકી નાંખી સોનાની પાંચ ચેઇન લૂંટી - At This Time

યુટ્યુબ પર વિડીયો જોઈ જવેલરની આંખમાં મરચાની ભૂકી નાંખી સોનાની પાંચ ચેઇન લૂંટી


- કતારગામમાં કુલ રૂ.3.78 લાખની ચેઈન લૂંટનાર રત્નકલાકાર જોકે પકડાઈ ગયો - દેવું વધી જતા લૂંટ કર્યાની કબૂલાત સુરત, : સુરતના કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં આજે સવારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા યુવાને જવેલરની આંખમાં મરચાંની ભૂકી નાંખી રૂ.3.78 લાખની સોનાની પાંચ ચેઇનની લૂંટ કરી હતી અને દુકાનની બહાર ચાલુ રાખેલી બાઈક પર ફરાર થઈ ગયો હતો. જોકે, કતારગામ પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પાસેથી રૂ.2.38 લાખની મત્તાની ત્રણ ચેઈન કબજે કરી પુછપરછ કરતા રત્નકલાકાર તરીકે કામ કરતા મૂળ બોટાદના યુવાને દેવું વધી જતા યુટ્યુબ પર વિડીયો જોઈ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના કાંકરેજના જાખેલ ગામના વતની અને સુરતમાં કતારગામ પારસ સોસાયટી વિભાગ બી શાલીભદ્ર રેસીડન્સી ઘર નં.304 માં રહેતા 32 વર્ષીય દર્શનભાઈ પ્રવિણભાઈ શાહ કતારગામ લલીતા ચોકડી આંબાતલાવડી રોડ મારુતીનંદન રેસીડન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં.2 માં સમોર ગોલ્ડ પેલેસના નામે જવેલરી શોપ ધરાવે છે. ગતસાંજે તે દુકાને હાજર હતા ત્યારે છ વાગ્યાના અરસામાં 30 થી 35 વર્ષનો યુવાન આવ્યો હતો અને રૂ.75 થી 80 હજારની આસપાસની સોનાની ચેઈન જોવા માંગતા દર્શનભાઈએ એક ચેઈન બતાવી હતી. યુવાને બીજી ચેઈન જોવા માંગી હતી પણ દર્શનભાઈ પાસે બીજી ચેઈન ન હોય તેમણે યુવાનને આવતીકાલે હું લાવી રાખીશ, સવારે 10.30 વાગ્યે આવજો તેમ કહેતા તે ચાલ્યો ગયો હતો.આજે સવારે 10.15 વાગ્યે તે યુવાન ફરી આવતા દર્શનભાઈએ ટેબલના ડ્રોઅરમાંથી સોનાની સાત ચેઈન કાઢીને કાપડ પર મૂકી બતાવી હતી.યુવાને ચેઈન જોઈને બે ચેઈનની કિંમત પૂછતાં દર્શનભાઈ તેનું વજન કરી કેલ્ક્યુલેટરમાં હિસાબ કરતા હતા ત્યારે યુવાને ખભે લટકાવેલા બેગ ટાઈપના પર્સમાંથી મરચાંની ભૂકી કાઢીને દર્શનભાઈની આંખોમાં નાંખી હતી અને તમામ ચેઈન લઈ ભાગ્યો હતો. દર્શનભાઈએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો પણ તે ભાગીને બહાર તેની ચાલુ હાલતમાં રાખેલી બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. દર્શનભાઈ આંખો લૂછીને બહાર દોડયા હતા અને બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જોકે, યુવાન આંબાતલાવડી તરફ ભાગી ગયો હતો. દર્શનભાઈને સાત ચેઈનમાંથી દુકાનમાં સોફા પરથી અને ડસ્ટબીનની બાજુમાંથી બે ચેઈન મળી હતી. બનાવ અંગે દર્શનભાઈએ કતારગામ પોલીસ મથકમાં રૂ.3,77,832 ની મત્તાની સોનાની પાંચ ચેઈનની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર મૂળ બોટાદના ગઢડાના વિકળીયા ગામના વતની અને સુરતમાં કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે નારાયણનગર સોસાયટી ઘર નં.282 માં રહેતા રત્નકલાકાર હિતેશ ભરતભાઈ વસાણી ( ઉ.વ.32 ) ને રૂ.2,37,552 ની મત્તાની સોનાની ત્રણ ચેઈન અને રૂ.35 હજારની મત્તાની બાઈક સાથે ઝડપી લીધો હતો.પોલીસે પુછપરછ કરતા હિતેશે દેવું થતા યુટ્યુબ પર વિડીયો જોઈ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. જોકે, હિતેશના ભાઈએ તે બે વર્ષથી બરાબર કામ કરતો ન હોય તમામ તેનાથી થાક્યા હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.