'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થતાં આમિરે પાર્ટી આપી હતી:મોના સિંહે કહ્યું, 'આમિરે ફિલ્મ ફ્લોપ થવાની બધી જવાબદારી માથે લીધી, ટીમની મહેનતની ઉજવણી કરી' - At This Time

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થતાં આમિરે પાર્ટી આપી હતી:મોના સિંહે કહ્યું, ‘આમિરે ફિલ્મ ફ્લોપ થવાની બધી જવાબદારી માથે લીધી, ટીમની મહેનતની ઉજવણી કરી’


લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ ફ્લોપ થવા છતાં આમિર ખાને પાર્ટી આપી હતી. આ વાતનો ખુલાસો ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મોના સિંહે કર્યો છે. તેણે કહ્યું કે, આમિરે ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી હતી અને ટીમની મહેનતનું સન્માન કરવા માટે તેણે પાર્ટી પણ આપી હતી. સિદ્ધાર્થ કાનનના ચેટ શોમાં મોનાએ 'લાલ સિંહ ચઢ્ઢા'ના ફ્લોપ થવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું, 'અલબત્ત, ખરાબ એ વાતનું લાગ્યું કે અમે આટલા દિવસો સુધી શૂટિંગ કર્યું, આટલું સારું બોન્ડિંગ થયું, આટલી સારી ફિલ્મ બની પરંતુ અમને થિયેટરમાં સારો રિસ્પોન્સ મળ્યો નહીં.' મોનાએ આગળ કહ્યું, ‘ફિલ્મ ફ્લોપ થતાં આમિર નિરાશ થયો હતો પરંતુ તેણે ટીમની મહેનત જોઈને પાર્ટીનું આયોજન કર્યું હતું. આમિર એકમાત્ર એવો અભિનેતા છે જે ટીમના પ્રયાસો જોઈને ફિલ્મ ફ્લોપ થઈ જાય તો પણ પાર્ટી આપી શકે છે. મને યાદ છે કે તેણે કહ્યું હતું - જો ફિલ્મ ન ચાલે તો? શું આપણે ઉજવણી કરવાનું બંધ કરીશું? તેણે ફિલ્મ ફ્લોપ રહેવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી, તેથી જ હું તેનું ખૂબ સન્માન કરું છું.’ ખરાબ પર્ફોર્મન્સ બાદ ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવ્યા હતા
'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને 3,000 હજાર સ્ક્રીન્સ મળી છે. પરંતુ, બોક્સ ઓફિસ પર ખરાબ પર્ફોર્મન્સ પછી, ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર અને મોના સિંહ પણ હતાં. આ ફિલ્મ ટોમ હેન્ક્સ સ્ટારર હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક હતી. આ ફિલ્મ દ્વારા આમિરે 4 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું. તેની અગાઉની ફિલ્મ 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન' હતી, જે 2018માં રિલીઝ થઈ હતી. 180 કરોડના બજેટ સાથે બનેલી એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઇ હતી. એ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 130 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.