આફતની આશંકા:જોશીમઠ બાદ નૈનીતાલમાં પણ આફત, 3 કિમીમાં ભૂસ્ખલન, ઘરોમાં તિરાડો પડી
ઉત્તરાખંડના નૈનીતાલથી 8 કિમી દૂર સ્થિત ખૂપી ગામ. ટેકરીની તળેટીમાં પાઇન્સનાં સુંદર વૃક્ષોથી ઘેરાયેલા આ ગામનાં ખેતરો અને સુંદર નજારો પર્યટકોને દૂરની સડકોથી જ આકર્ષિત કરે છે, પરંતુ ગામની નજીક આવતા જ અહીંની વ્યથા છલકાય છે. અહીં પણ સમગ્ર ગામ જોશીમઠની જેમ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે. ગામના પ્રદીપ ત્યાગી જણાવે છે કે ગામમાં 2012થી ભૂસ્ખલન થવા લાગ્યું હતું. અહીં અંદાજે 3 કિમીના વિસ્તારમાં પહાડો ખસી રહ્યા છે. લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે. ખૂપીની પાસેથી પસાર થતું નાળું દર વર્ષે ગામની તરફના હિસ્સાને ગરકાવ કરી રહ્યું છે. છ ઘર તો સંપૂર્ણપણે તૂટવાની અણીએ છે. ગામના રહેવાસી બચ્ચી રામના ઘરની છત પડવાની હતી, એટલે પરિવારની સાથે ઘર છોડીને ગયા છે. 19 ઘરોમાં દર વર્ષે તિરાડ પડી રહી છે. ભૂસ્ખલનના ખતરાને ધ્યાનમાં રાખતા મંગળવારે વહીવટીતંત્રએ ગામ માટે 15 કરોડની ટ્રીટમેન્ટ યોજના બનાવી છે. નૈનીતાલની ચાર્ટન લૉજ પર પણ ખતરો
ચાર્ટન લૉજ ક્ષેત્રમાં એકવાર ફરી ભૂસ્ખલન થઇ રહ્યું છે. જેનાથી હવે 18 પરિવારો સહિત આસપાસનાં ડઝનથી વધુ ઘરો પર ખતરો તોળાઇ રહ્યો છે. અત્યાર સુધી ત્રણ પરિવારે ઘર છોડ્યું છે. બાકી પરિવારો માટે પણ ચેતવણી જારી કરાઇ છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે ભૂસ્ખલન રોકવા માટે અહીં જિયો બેગનો ઉપયોગ કર્યો છે. ખૂપી ગામની નીચે બે રેન્જ મળે છે, નૈનીતાલ પર ખતરો-પ્રો. અજય રાવત, પર્યાવરણવિદ અને ઇતિહાસકાર નૈનીતાલ પણ જોશીમઠ બનવાની દિશામાં છે. ખૂપી ગામથી થઇને મેન બાઉન્ડ્રી થ્રસ્ટ (MBT) પસાર થાય છે. જે લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય (શિવાલિક) રેન્જને જોડે છે. આ હિમાલય બાઉન્ડ્રી હિમાલયને કમ્પ્રેસ કરે છે, જેને કારણે જમીન ખસે છે અને તિરાડો, ભૂસ્ખલન થાય છે. ખૂપી નહીં સમગ્ર નૈનીતાલ પર ખતરો છે. બે દિવસ પહેલાં જ નૈનીતાલના સૌથી મોટા પર્યટન સ્થળોમાંથી એક ટિફિન ટૉપ ભૂસ્ખલનને કારણે પડી ગયું છે. નૈના પીક પહાડ પણ તૂટી રહ્યો છે. બે વર્ષથી ચાર્ટન લૉજ અને તેની ઉપરનો સમગ્ર પહાડ ભૂસ્ખલનના ખતરા હેઠળ છે. અમે ખૂપી ગામનું નિરીક્ષણ કર્યું છે. અનેક ઘરોમાં તિરાડ છે. અત્યારે સિંચાઇ વિભાગને સુરક્ષા માટે તાત્કાલિક અને લાંબા ગાળાની યોજના બનાવવા માટે નિર્દેશ કરાયો છે. નૈનીતાલના ચાર્ટન લૉજ વિસ્તારમાં પણ ભૂસ્ખલન પર નજર રખાઇ રહી છે. અહીં પણ ટ્રીટમેન્ટની યોજના પર કામ થઇ રહ્યું છે. - પ્રમોદકુમાર, એસડીએમ, નૈનીતાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.