બોટાદના લઠ્ઠાકાંડ બાદ જામનગર જિલ્લામાં પણ બે દિવસથી દેશી દારૂના ધંધાર્થીઓ તવાઈ બોલાવાઇ
- જામનગર શહેરના ત્રણેય પોલીસ સ્ટેશન ઉપરાંત કાલાવડ અને પંચકોશી ડિવિઝન વિસ્તારમાં બે ડઝન થી વધુ સ્થળે દરોડાજામનગર,તા.28 જુલાઈ 2022,ગુરૂવારબોટાદના લઠ્ઠા કાંડ પછી જામનગર જિલ્લામાં પણ દેશી દારૂના ધંધાર્થીઓ પર ઘોષ બોલાવવા માટેની જિલ્લા પોલીસ વડાની સૂચના પછી જામનગર શહેરના ત્રણેય પોલીસ સ્ટેશન તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અને ૨૪ જેટલા સ્થળોએ દરોડા પાડી દેશી દારૂના જથ્થાનો નાશ કરાવાયો છે. જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેરના ત્રણેય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને સીટી એ. ડિવિઝન, સીટી બી. ડિવિઝન, તેમજ સીટી સી.ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા વ્યાપક પ્રમાણમાં દેશી દારૂ અંગે દરોડા પાડી, દારૂના ધંધાર્થીઓને ત્યાંથી દેશી દારૂનો જથ્થો કબજે કરી લઇ તેનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીને લઈને દેશી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જામનગર શહેર ઉપરાંત જામનગરના પંચકોષી એ. ડિવિઝન તેમજ પંચકોષી બી. ડિવિઝન વિસ્તારમાં ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પંથકમાં પણ દેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન કુલ ૨૪ જેટલા સ્થળોએ દરોડા પાડી મહિલાઓ સહિતના તમામ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરમાં રતનભાઇ મસ્જિદ પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા ભાવેશ પ્રકાશભાઈ દામા નામના શખ્સને પોલીસે બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે પકડી પાડ્યો છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા જયુ સિંધીને ફરાર જાહેર કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.