ઓમ બિરલા VS કે.સુરેશ, NDAની પહેલી અગ્નિપરીક્ષા:એક ફોન કોલનો ઈંતેજાર અને વાત બગડી, વિપક્ષે ઓમ બિરલા સામે સાઉથના દલિત નેતા કે. સુરેશને ઉતાર્યા; સમજો દરેક સમીકરણ
હજું તો નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ પણ પૂરો નહોતો થયો ત્યાં NDA સરકારની પ્રથમ અગ્નિ પરીક્ષાની ઘડી આવી ગઈ છે. જી...હા.. લોકસભામાં અધ્યક્ષ પદ માટે કોઇ સર્વસંમતિ સંધાઇ નથી. ઉત્તર ભારતના ઓમ બિરલા NDA તરફથી સ્પીકર પદના ઉમેદવાર હશે, જ્યારે દક્ષિણના દલિત નેતા કે.સુરેશને ઈન્ડિયા બ્લોકમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે. શરૂઆતમાં એવા અહેવાલો હતા કે NDA અને વિપક્ષ વચ્ચે લોકસભા અધ્યક્ષને લઈને સમજૂતી થઈ ગઈ છે અને ઓમ બિરલા ફરી એકવાર અધ્યક્ષ પદ સંભાળશે. પરંતુ સંસદમાં પહોંચ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નિવેદનથી સ્પીકર પદને લઈને રાજકારણ ગરમાયું. હકીકતમાં વિપક્ષ ડેપ્યુટી સ્પીકર પદ પર અડગ હતો. વિપક્ષે પહેલાથી જ કહ્યું હતું કે જો ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો તેઓ સ્પીકર પદ માટે પણ પોતાનો ઉમેદવાર ઉતારશે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષે સ્પીકર પદને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિ બનાવવી જોઈએ. અમે કહ્યું કે અમે સ્પીકરને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરશે. પણ એ કોલ હજુ સુધી આવ્યો નથી. મોદીજી કહે છે કઈંક અને કરે છે કંઈક બીજું. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ અમે સમર્થન આપીશું. અગાઉ એનડીએ દ્વારા સ્પીકર ચૂંટણી માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ સાથે વાત કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અલગ અલગ નેતાઓને મળ્યા અને ફોન પર વાત કરી હતી. સ્પીકર પદને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ
આ સમગ્ર ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશ ભવિષ્ય તરફ જોઈ રહ્યો છે, તમે તમારી ખામીઓ છુપાવવા માટે ભૂતકાળને ઉખેડતા રહો છો. તમે છેલ્લા 10 વર્ષમાં 140 કરોડ ભારતીયોને જે અઘોષિત કટોકટીનો અનુભવ કરાવ્યો હતો તેનાથી લોકશાહી અને બંધારણને મોટો ફટકો પડ્યો છે. પક્ષોને તોડવું, ચુંટાયેલી સરકારોને પાછલા દરવાજાથી તોડવી, 95 ટકા વિપક્ષી નેતાઓ પર ED, CBI, ITનો દુરુપયોગ અને મુખ્યમંત્રીઓને પણ જેલમાં ધકેલી દેવા અને ચૂંટણી પહેલા સત્તાનો ઉપયોગ કરીને લેવલ પ્લેઇંગ ફિલ્ડને બગાડવું - શું આ અઘોષિત કટોકટી નથી? મોદીજી સહમતિ અને સહકારની વાત કરે છે પરંતુ તેમના કાર્યો તેનાથી વિપરીત છે. ખડગેએ કહ્યું કે જ્યારે 146 વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેશના નાગરિકો પર ફોજદારી ન્યાય પ્રણાલી બદલવા માટે ત્રણ કાયદા - ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 - પસાર કરવામાં આવ્યા હતા, ત્યારે આ સંમતિના શબ્દો ક્યાં હતા? જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ જી, મહાત્મા ગાંધીજી અને બાબાસાહેબ ડો. આંબેડકરજી જેવી મહાન હસ્તીઓની પ્રતિમાઓ વિપક્ષને પૂછ્યા વિના સંસદના પરિસરમાંથી એક ખૂણામાં ખસેડવામાં આવી હતી, ત્યારે આ સંમતિના શબ્દ ક્યાં હતા? જ્યારે આપણા 15 કરોડ ખેડૂત પરિવારો પર ત્રણ કાળા કાયદા લાદવામાં આવ્યા હતા અને તેઓને તેમના જ દેશમાં મહિનાઓ સુધી રસ્તા પર બેસી રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા, તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા, ત્યારે આ સંમતિના શબ્દ ક્યાં હતા? તેમણે કહ્યું કે નોટબંધી હોય, ઉતાવળે લાગુ કરાયેલ લોકડાઉન હોય કે પછી ચૂંટણી બોન્ડનો કાયદો હોય, આવા સેંકડો ઉદાહરણો છે કે જેના પર મોદી સરકારે બિલકુલ સંમતિ કે સહકારનો ઉપયોગ કર્યો નથી. વિપક્ષ તો શું, પોતાના નેતાઓને જ અંધારામાં રાખ્યા. ભાજપે લોકશાહી અને બંધારણની દુર્દશા કરી છે, કોંગ્રેસે હંમેશા લોકશાહી અને બંધારણનું સમર્થન કર્યું છે અને અમે તેને સમર્થન આપતા રહીશું. દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે વરિષ્ઠ નેતા છે. ગઈ કાલથી લઈને આજ સુધીમાં ત્રણ વાર તેમની સાથે વાત કરી છે. સ્પીકર કોઈ પક્ષના નહીં, ગૃહના હોય છે
તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે પહેલા નક્કી કરો કે ઉપાધ્યક્ષ કોણ હશે અને પછી જ અધ્યક્ષ માટે સમર્થન મળશે, અમે આ પ્રકારની રાજનીતિની નિંદા કરીએ છીએ. સ્પીકર કોઈ શાસક પક્ષ કે વિપક્ષનો નથી હોતો, તે આખા ગૃહના હોય છે, તેવી જ રીતે, ડેપ્યુટી સ્પીકર પણ કોઈ પક્ષ કે જૂથનો નથી હોતો, તે સમગ્ર ગૃહનો હોય છે. લોકસભાની કોઈ પરંપરામાં એવું નથી કે ડેપ્યુટી સ્પીકર કોઈ ચોક્કસ પક્ષનો જ હોય. કેન્દ્રીય મંત્રી લોક જનશક્તિ પાર્ટી (LJP)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે આ કોઈ પાર્ટીની ચૂંટણી નથી. સ્પીકરનું પદ સમગ્ર ગૃહનું છે. વિપક્ષ શર્ત લગાવી રહ્યું છે. અમે ડેપ્યુટી સ્પીકર પદ માટે વિપક્ષ સાથે ચર્ચા કરવા તૈયાર હતા. પરંતુ વિપક્ષ પોતાની શરતો પર અડગ રહ્યો. લોકશાહીમાં કોઈ શરતો હોતી નથી. સ્પીકર પદના વિવાદ વચ્ચે શરદ પવારનું નિવેદન
આ દરમિયાન શરદ પવારે કહ્યું, 'સાચું કહું તો મેં કોઈની સાથે ચર્ચા કરી નથી. સત્તાધારી પક્ષ પાસે સ્પીકર પદ હોય તે સામાન્ય પ્રથા છે. ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધી પક્ષ પાસે જાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી અને મોદી સરકારમાં વધુ બેઠકો મેળવ્યા બાદ તેઓએ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ નહોતું આપ્યું. અમારી ઈન્ડિયા બ્લોક સાથે વાતચીત થઈ હતી. મેં તેમને સૂચન કર્યું છે કે તમે સરકારમાં બેઠેલા લોકોને અધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટો. અમે સંમત છીએ કે સ્પીકરનું પદ બિનહરીફ હોવું જોઈએ. સરકારને આ સંદેશ આપો. સાથે જ મેં એવું પણ સૂચન કર્યું કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. સ્પીકર પદ પર TMC નારાજ
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ફરી એકવાર ઓમ બિરલાને પોતાના સ્પીકર ઉમેદવાર બનાવ્યા છે. ઈન્ડિયા બ્લોકે તેમના 8 વખતના સાંસદ અને કેરળ કોંગ્રેસના નેતા કે સુરેશને NDAના ઉમેદવાર સામે મેદાનમાં ઉતાર્યા છે. મંગળવારે કોંગ્રેસે જાહેરાત કરી કે. સુરેશ ઈન્ડિયા બ્લોકમાંથી સ્પીકરની ચૂંટણી લડશે. જો કે, હવે આ જાહેરાતને લઈને ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. ડીએમકે, શિવસેના, શરદ પવાર (એનસીપી) અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય મુખ્ય પક્ષોએ કે. સુરેશના ઉમેદવારી પત્રો પર સહી કરી દીધી છે. જો કે ટીએમસીએ હજુ સુધી હસ્તાક્ષર કર્યા નથી. તેઓ મમતા બેનર્જીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. TMC કહે છે- અમારી સલાહ લેવામાં આવી નથી
કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન વતી સ્પીકર પદ માટે કે. સુરેશના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. ટીએમસીનું કહેવું છે કે લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે ટીએમસીની કોઈ સલાહ લેવામાં આવી નથી. નિવેદન આપતા પહેલા INDIA બ્લોક સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો, ન તો કોઈ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં લોકસભાની સ્થિતિ
આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ બંને પક્ષો સંસદમાં સૌથી મોટા પક્ષો છે. જો ગઠબંધનની વાત કરીએ તો એનડીએના સભ્યોની સંખ્યા 292 છે અને ઈન્ડિયા એલાયન્સના સભ્યોની સંખ્યા 234 છે. વિપક્ષી ગઠબંધનને ત્રણ અપક્ષ સાંસદોનું પણ સમર્થન છે. બાકીના સાંસદો કયા જૂથને સમર્થન આપશે તે હજુ નક્કી નથી. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કયા નિયમથી થાય છે?
સંસદીય લોકશાહીમાં લોકસભાના સ્પીકરના પદનું મહત્વનું સ્થાન છે, લોકસભાના અધ્યક્ષ વિશે એવું કહેવાય છે કે સંસદના સભ્યો તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ સ્પીકર પોતે જ ગૃહની સંપૂર્ણ સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 93 હેઠળ થાય છે. લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી સાંસદો દ્વારા કરવામાં આવે છે. લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સભામાં હાજર સભ્યોની સાદી બહુમતી દ્વારા ચૂંટાય છે એટલે કે જે ઉમેદવારને તે દિવસે લોકસભામાં હાજર રહેલા અડધાથી વધુ સાંસદો મત આપે છે તે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. સ્પીકર માટે કોઈ વિશેષ લાયકાત નિર્ધારિત નથી, તેઓ માત્ર લોકસભાના સભ્ય હોવા જોઈએ. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સભ્યને બંધારણ, દેશના કાયદા, કાર્યપદ્ધતિ, નિયમો અને સંસદના સંમેલનોની સારી સમજ હશે. લોકસભાના અધ્યક્ષની જવાબદારી શું છે?
લોકસભાના અધ્યક્ષની જવાબદારી ગૃહની કામગીરીને યોગ્ય રીતે ચલાવવા માટે છે તેથી, લોકસભાના અધ્યક્ષ સંસદીય બેઠકોની કાર્યસૂચિ પણ નક્કી કરે છે. જો ગૃહમાં કોઈ વિવાદ ઊભો થાય છે, તો લોકસભાના અધ્યક્ષ જ પગલાં લે છે. તેઓ લોકસભાની વિવિધ સમિતિઓની રચના કરે છે. લોકસભામાં સ્પીકરની બેઠક એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે અલગ દેખાય. સ્પીકર તેમની બેઠક પરથી સમગ્ર ગૃહ પર નજર રાખે છે. લોકસભાના સ્પીકર દ્વારા ગૃહને તટસ્થ રીતે ચલાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, જો ગૃહમાં કોઈપણ પ્રસ્તાવ પર મતદાનમાં બંને પક્ષોને સમાન મત મળે, તો તે પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. સામાન્ય રીતે તે કોઈપણ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લેતા નથી. લોકસભાના સ્પીકર લોકસભા સચિવાલયના વડા છે. આ સચિવાલય ફક્ત તેમના નિયંત્રણ હેઠળ કામ કરે છે, લોકસભા સચિવાલય, સંસદ સંકુલ અને તેના સુરક્ષા વ્યવસ્થાપનની સંભાળ સ્પીકર રાખે છે. કોણ અને કેવી રીતે ચૂંટાય છે લોકસભાના અધ્યક્ષ
સામાન્ય રીતે લોકસભા સ્પીકરનું પદ શાસક પક્ષને અને ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા રહી છે. પરંતુ છેલ્લા બે વખતથી આવું થતું નથી. 16મી અને 17મી લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમતી હતી. 16મી લોકસભામાં ભાજપના સુમિત્રા મહાજન સ્પીકર તરીકે ચૂંટાયા હતા. જ્યારે AIADMKના એમ થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા હતા, ત્યારે ઓમ બિરલાને 17મી લોકસભામાં સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે સત્તાધારી ગઠબંધનમાં કોઈ નાની પાર્ટીના સભ્ય પણ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હોય.
જેમાં 12મી લોકસભાના સ્પીકર ટીડીપીના જીએમસી બાલયોગી અને 14મી લોકસભાના સ્પીકર સીપીએમના નેતા સોમનાથ ચેટર્જીનું નામ મોખરે છે, 15મી લોકસભાના સ્પીકર મીરા કુમાર લોકસભાના અધ્યક્ષના પદ પર બેસનાર પ્રથમ મહિલા હતા. લોકસભાના અધ્યક્ષને પદ પરથી કેવી રીતે હટાવી શકાય?
બંધારણનો અનુચ્છેદ 94 લોકસભાના અધ્યક્ષને પદ પરથી હટાવવાનો અધિકાર આપે છે. લોકસભા અધ્યક્ષને 14 દિવસની નોટિસ આપીને
અસરકારક બહુમતીથી પસાર કરાયેલા ઠરાવથી હટાવી શકાય છે. અસરકારક બહુમતી એટલે કે તે દિવસે સંસદમાં 50 ટકાથી વધુ સાંસદો હાજર હોય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 7 અને 8 દ્વારા પણ તેમને દૂર કરી શકાય છે. જો સ્પીકર પોતાની ઈચ્છાથી પદ છોડવા માગે તો તેઓ ડેપ્યુટી સ્પીકરને પોતાનું રાજીનામું આપી શકે છે. લોકસભાના સ્પીકર લોકસભાના હોદ્દા માટે ચૂંટાયાના સમયથી લઈને નવી લોકસભાના વિસર્જન પછીની પ્રથમ બેઠકના થોડા સમય પહેલા સુધી હોદ્દો સંભાળી શકે છે. લોકસભાના વિસર્જનની સ્થિતિમાં, સ્પીકર સંસદના સભ્ય નથી રહેતા, તેમ છતાં તેમણે તેમનું પદ છોડવું પડતું નથી. ત્રીજી વખત થઈ રહી છે સ્પીકરની ચૂંટણી
આ પહેલીવાર નથી જ્યારે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થઈ રહી છે. પહેલી લોકસભામાં 1952માં પણ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી, જોકે તે માત્ર ઔપચારિકતા હતી, કારણ કે તે સમયે કોંગ્રેસ પાસે બહુમતી હતી. કોંગ્રેસ વતી વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ જી.વી. માવલંકરને સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ 1946થી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના સ્પીકર હતા. સંસદીય બાબતોના મંત્રી સત્યનારાયણ સિંહાએ તેમનું સમર્થન કર્યું હતું. જ્યારે એકે ગોપાલને સ્પીકર પદના ઉમેદવાર તરીકે શંકર શાંતારામ મોરેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટી.કે.ચૌધરીએ તેની મંજૂરી આપી હતી. બાદમાં મતોનું વિભાજન થયું હતું. માવલંકરની તરફેણમાં 394 મત જ્યારે તેમની વિરુદ્ધમાં 55 મત પડ્યા હતા. રસપ્રદ વાત એ છે કે શંકર શાંતારામ મોરેએ પણ માવલંકરની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે તે સંસદની પરંપરા અનુસાર હશે કે જે બે ઉમેદવારો એકબીજા સામે લડી રહ્યા છે તેઓ એકબીજાને મત આપે. હું તમને આ પરંપરા અનુસાર મત આપું છું. 1976માં બીજી વખત ઈમરજન્સી દરમિયાન સ્પીકર માટે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે બલીરામ ભગત અને જગન્નાથ રાવ વચ્ચે ચૂંટણી થઈ હતી. જેમાં બલિરામ ભગતનો વિજય થયો હતો. આ રીતે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી થશે. બીજો કાર્યકાળ પૂર્ણ કર્યો તો ઓમ બિરલા બનાવશે આ રેકોર્ડ
તમને જણાવી દઈએ કે જો ઓમ બિરલા તેમનો બીજો કાર્યકાળ પૂરો કરશે તો તેઓ સૌથી લાંબા સમય સુધી લોકસભાના સ્પીકર રહેવાનો રેકોર્ડ બનાવશે. આ પહેલા એમએ આયંગર 6 વર્ષ 29 દિવસ, ગુરુદયાલ સિંહ ધિલ્લોન 6 વર્ષ 1/2 મહિના, બલરામ જાખર 9 વર્ષ 329 દિવસ લોકસભાના સ્પીકર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.