દેશની સંસદ કે અખાડો…?:જનતાના મુદ્દા પર ચર્ચાના બદલે બંને ગૃહમાં તનાતની, 10 વર્ષ બાદ વિપક્ષની ‘દબાયેલી સ્પ્રિંગ’ ઊછળી
‘એ ચન્ની..., આ ચન્ની ગરીબીની વાત કરી રહ્યો છે. આ ચન્ની પંજાબનો સૌથી અમીર કે સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ના હોય તો હું મારું નામ બદલી નાખીશ’. ‘ખબર છે તું કેટલો મોટો તીરંદાજ છો? બેઈમાન છો, બેઈમાન છો, બેઈમાન છો’.‘જો કોઈ 60 વર્ષ પહેલાના નેહરુ વિશે વાત કરે તો તમે કંઈ બોલશો નહીં. જો હું 5 વર્ષ પહેલા થયેલ નોટબંધી વિશે કહું તો તમે કહેશો કે હાલની વાત કરો. આ નહીં ચાલે. "આપણા યશસ્વી વડાપ્રધાન પર અંગત ટિપ્પણી કરી છે તેમણે માફી માંગવી જોઈએ." મને આશ્ચર્ય થાય છે કે કોઇ સાંસદ અને મંત્રી ઉભા થઇને મને સવાલ કરે છે, તમે અહીં બેઠા છો, તમે તેમને અટકાવતા નથી, અમારે ત્યાંથી કોઇ ઉભુ થઈ જાય તો તમે તેને ટોકો છો.’ આ ચરસાચરસી, લડાઇ કોઇ ગલી-મહોલ્લા કે ગામની નથી પણ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદના બંને ગૃહની છે. આ ભાષા અને આ તડાફડી જોઇ તમને પણ થતું હશે કે શું આ દેશની સંસદ છે કે પછી કોઇ અખાડો... જી...હા નવી સરકારની રચના બાદથી જ સત્તા પક્ષ ફ્રન્ટ ફૂટ પર રમવાનો પ્રયાસ કરી રહ્યું છે તો વિપક્ષ પણ બાઉન્સર પર બાઉન્સર નાખીને સત્તાધારીઓને બેકફૂટ પર ધકેલી રહ્યું છે. વિપક્ષના તેવર જોતા તો એવું લાગી રહ્યું છે કે જાણે કે 10 વર્ષ બાદ વિપક્ષની ‘દબાયેલી સ્પ્રિંગ’ એકદમ જ ઉછળી હોય. સામાન્ય રીતે કોઇ પણ ચૂંટણીના પરિણામ બાદ કોઇ એક પક્ષનો ઉદય થતો હોય છે અને તે સત્તા પર બેસતો હોય છે. પણ કદાચ ભારતમાં આ ઘણા લાંબા સમય બાદ એવું થઇ રહ્યું છે કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષનો ઉદય થયો હોય. જી...હા... વિપક્ષનો ઉદય. તમને પણ સાંભળીને નવાઈ લાગી હશે હેને...તો વાંચો અમે આમ કેમ કહી રહ્યા છીએ... 4 જૂન 2024એ ભારતમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું. 400 પારનો દાવો કરનાર ભાજપ 240 પર સમેટાઇ ગયું અને ગઠબંધનના સહારે સરકાર બનાવવા મજબૂર બન્યું. તો આ તરફ છેલ્લા 10 વર્ષથી હાંસિયામાં ધકેલાયેલા વિપક્ષનો ઉદય થયો. જો સત્તાના સમીકરણ ફરે તો સત્તામાં પણ આવી જાય એવી સ્થિતિમાં વિપક્ષ આવી ગયું છે. 2014માં નરેન્દ્ર મોદીના ઉદયની સાથે જ જાણે કે લોકસભા વિપક્ષ વિહોણી બની ગઇ હોય તેવું લાગતું હતું. વિપક્ષનો એટલો કરુણ રકાસ થયો હતો કે તેમના નસીબમાં વિપક્ષનું પદ પણ નહોતું. 2014 બાદ 2019માં પણ આ જ સ્થિતિ યથાવત રહી અને નરેન્દ્ર મોદી વધુ શક્તિશાળી બન્યા. આ 10 વર્ષના સમયગાળામાં વિપક્ષે સત્તા પક્ષ પર તાનાશાહીથી લઇને તેમને મહત્વ નહીં આપવાના અનેક આક્ષેપો કર્યા. વિપક્ષનો આક્ષેપ રહ્યો છે કે દેશના કોઇ મહત્વના નિર્ણયમાં વિપક્ષની કોઇ સલાહ-સૂચન લેવામાં નથી આવતી. આક્ષેપ તો ત્યાં સુધી થયા કે સરકાર વિપક્ષ મુક્ત સંસદ અને દેશ બનાવવા માગે છે. તો આ તરફ ભાજપના કોંગ્રેસ મુક્તના નારા અને અનેક વિપક્ષી પાર્ટીઓમાં તોડફોડ બાદ વિપક્ષના આક્ષેપોને વધુ હવા મળતી રહી. રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા, કમજોર વિપક્ષ અને ભાજપના 400 પારના નારાથી દેશમાં એવો માહોલ બન્યો હતો કે 2024માં ફરી એકવાર ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તામાં આવશે. પરંતુ રાહુલ ગાંધીનું ભારત ભ્રમણ, I.N.D.I.A ગઠબંધનની રચના અને પર્ફેક્ટ ચૂંટણી રણનીતિએ દેશ અને લોકસભાની સ્થિતિ બદલી નાખી. લગભગ મૃત:પ્રાય બનેલી કોંગ્રેસમાં રાહુલે ન માત્ર પ્રાણ પૂર્યા પરંતુ જ્યાં રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ તે અયોધ્યા અને યુપીમાં I.N.D.I.A ગઠબંધને સૌથી વધુ સીટો જીતીને રીતસરનો સપાટો બોલાવી દીધો અને લોકસભાનું ગણિત બદલી નાખ્યું. 10 વર્ષમાં જે લોકસભા અને રાજ્યસભામાં ભાજપ ડોમિનેટ કરતું હતું ત્યાં હવે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનના નેતાઓ ભાજપને ઘેરવાની એક તક છોડતા નથી. રાજ્કીય વિશ્લેષકો આ સ્થિતિને જ કહી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષમાં વિપક્ષની આ ‘બહુ દબાયેલી સ્પ્રિંગ’ હવે ઉછળી છે. હવે વાત કરીએ બજેટ સત્ર દરમિયાન NDA અને I.N.D.I.A ગઠબંધનના નેતાઓ વચ્ચે થયેલી ચરસાચરસીની... ચન્નીએ બિટ્ટુ વિશે અંગત ટિપ્પણી કરી
સંસદમાં બજેટ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગુસ્સે થઈ ગયા. બિટ્ટુએ ચન્નીને પંજાબના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા અને જબરદસ્ત પ્રહાર કર્યા. સંસદમાં બિટ્ટુ અને ચન્ની વચ્ચેના વિવાદને લઈને પક્ષ-વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા અને ભારે હોબાળો થયો હતો. હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ સમર્થિત એક યુઝરે આ ટ્વીટ કર્યું હતું કેન્દ્રીય મંત્રી બિટ્ટુ સાંસદ ચન્ની પર ભડક્યા
બન્યું એવું કે બજેટ પર ચર્ચા દરમિયાન ચન્નીએ બિટ્ટુ વિશે અંગત ટિપ્પણી કરી હતી. બિટ્ટુની ટિપ્પણી પર ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે બિટ્ટુજી, તમારા દાદા શહીદ થયા હતા. પરંતુ તેમણે તે દિવસે મૃત્યુ પામ્યા ન હતા, તેમણે તે દિવસે મૃત્યુ પામ્યા હતા જ્યારે તમે કોંગ્રેસ છોડી દીધી હતી. આના પર ગુસ્સે થઈને બિટ્ટુએ કહ્યું કે મારા દાદા સરદાર બિઅંત સિંહે કોંગ્રેસ માટે નહીં પણ દેશ માટે બલિદાન આપ્યું હતું. અને તે આ ચન્ની ગરીબીની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે જો તે પંજાબના સૌથી અમીર કે સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ના હોય તો હું મારું નામ બદલી નાખીશ. આ ચરણજીત ચન્ની હજારો કરોડનો માલિક છે. લુટિયન્સ મીડિયા નામના યુઝરે આ ટ્વીટ કરી હતી ગૃહમાં બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા
બિટ્ટુએ કહ્યું કે તે ગોરો કોને કહી રહ્યો છે. પહેલા એ જણાવે કે સોનિયા ગાંધીજી, એ ક્યાંના છે? MeTooમાં આ, બધા કેસોમાં આ, સૌથી ભ્રષ્ટ આ, બિટ્ટુના આ નિવેદન બાદ જ્યારે ચન્નીએ બોલવાનું શરૂ કર્યું તો સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો. ટ્રેઝરી બેન્ચ તરફથી કેટલાક સાંસદો વેલમાં આવ્યા. વિપક્ષના સાંસદો પણ વેલમાં આવી ગયા હતા. ગૃહમાં બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા. આ પછી આસન વતી ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો
જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ વતી કેસી વેણુગોપાલે નિયમ 352 હેઠળ બિટ્ટુના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં શાંતિ જાળવીને કાર્યવાહી ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે બંને પક્ષોના નિવેદનો જુઓ, જો કોઈએ કંઈ અસંસદીય કહ્યું હોય તો તેને કાર્યવાહીમાંથી બહાર કરી દેવું જોઈએ. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આપણે ગૃહની ગરિમા ઘટાડવી જોઈએ નહીં. જો તમારી પાસે ટિપ્પણી કરવા માટે કંઈ હોય, તો કૃપા કરીને ચેમ્બરમાં આવીને કહો. મર્યાદા જાળવવી જોઈએ. અભિષેક બેનર્જીએ શું કહ્યું?
બુધવારે જ્યારે TMC સાંસદ અભિષેક બેનર્જી બજેટ પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા, ત્યારે તેમણે 2016ની નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો, તે દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને વર્તમાન મુદ્દા (બજેટ) પર બોલવા માટે અટકાવ્યા હતા. અભિષેક બેનર્જી સહિત ટીએમસીના ઘણા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાની આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો અને હંગામો મચાવવાનું શરૂ કર્યું. અભિષેક બેનર્જીએ ઓમ બિરલા પર પક્ષપાતનો આરોપ લગાવ્યો અને કહ્યું, "જ્યારે કોઈ 60 વર્ષ પહેલા જવાહરલાલ નેહરુ વિશે વાત કરે છે, ત્યારે તમે કંઈ બોલશો નહીં, જ્યારે બિપ્લવ દેવ બોલી રહ્યા હતા ત્યારે તેઓ 100 વર્ષ જૂની વાત કરી રહ્યા હતા, 50 વર્ષ જૂની કટોકટીની વાત કરી રહ્યા હતા." ત્યારે તમે મૌન રહ્યા. હવે જ્યારે હું ડિમોનેટાઇઝેશન વિશે વાત કરી રહ્યો છું, તે તમને પરેશાન કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં TMC સમર્થિત એક યુઝરે આ ટ્વીટ કરી હતી આ પછી TMC સાંસદે કહ્યું કે બજેટમાં B એટલે બિટ્રેયલ (વિશ્વાસઘાત), U એટલે અનએમ્પલોયમેન્ટ (બેરોજગારી), D એટલે ડિપ્રાઇવ્ડ (વંચિત), G એટલે ગેરંટી, E એટલે એસેંટ્રિક (સનકી) અને T એટલે ટ્રૈજડી (ત્રાસદી) છે. ‘આપણા યશસ્વી વડાપ્રધાન પર અંગત ટિપ્પણી કરી’
અભિષેકના બજેટવાળા નિવેદન પર ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે "તેમણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત ટિપ્પણી કરી છે અને તેમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના માટે તેમણે માફી માંગવી જોઈએ અને આ શબ્દોને રેકોર્ડમાંથી હટાવી દેવા જોઈએ." 'ખબર છે કેટલો મોટો તીરંદાજ છે'
સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે ગૃહમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સપાના સાંસદે ગૃહમાં તો ત્યાં સુધી કહ્યું કે અરે, તમે બેઈમાનીથી જીવો છો, ખબર છે તું કેટલો મોટો તીરંદાજ છો? સાથે જ તેમણે કહ્યું કે બેઈમાન છો, બેઈમાન છો, બેઈમાન છો. ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે દેશના યુવાનો ખુશ થવાના નથી, શિક્ષણના મુદ્દે બજેટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સતત સરકારી શિક્ષણ ઓછું કરવામાં આવી રહ્યું છે અને આ ભાજપ સરકારનો પ્રયાસ છે કે શિક્ષિત યુવાનો હશે તો તે સવાલ પૂછશે ને. સોશિયલ મીડિયામાં SP સમર્થક એક યુઝરે આ ટ્વીટ કર્યું હતું સપા સાંસદે કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને તેને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો દેશમાં અનુસૂચિત જનજાતિમાંથી એક પણ વ્યક્તિ અબજપતિ હોય તો મને કહો, ભાજપ સરકારમાં જૂની પેન્શનની કોઈ ચર્ચા નથી, તમે દેશના પેરામેડિકલ ફોર્સને જૂનું પેન્શન આપો. તમને ઉત્તર પ્રદેશમાંથી તો બહાર કરી દીધા છે, દેશમાંથી પણ જલદી બહાર કરી દઇશું. યુપીમાં 1000થી વધુ શિક્ષામિત્રો આત્મહત્યા કરી ચૂક્યા છે, આંગણવાડીની મહિલાઓ પરેશાન છે. રિજિજુએ પોતાની જ પાર્ટીના સાંસદની ટિપ્પણીની ટીકા કરી
લોકસભામાં બીજેપી સાંસદ અભિજિત ગંગોપાધ્યાયની ટિપ્પણી પર ગુરુવારે પણ ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ આ મામલે અભિજીત ગંગોપાધ્યાય માફી માંગે તેવી માગ કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રિજિજુએ પોતાની જ પાર્ટીના સાંસદની ટિપ્પણીની ટીકા કરી હતી. તેમણે ગૃહમાં કહ્યું કે ભાજપના સાંસદે ભાષાનો દુરુપયોગ કર્યો. જો આ ગૃહનો કોઈ સભ્ય પોતાની ટિપ્પણીથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે તો તે ખૂબ જ દુઃખદ છે. રિજિજુએ વધુમાં કહ્યું કે જો કોઈ સભ્ય આવી ટિપ્પણી કરે છે તો સ્પીકરને તેની સામે કાર્યવાહી કરવાની સત્તા છે. હું આ કહું છું કારણ કે જ્યારે આ ટિપ્પણી કરવામાં આવી ત્યારે હું અહીં હાજર ન હતો. હું રાજ્યસભામાં હતો. હું ઇચ્છું તો બચાવ કરી શકું. અમારા સદસ્યને કોણે ઉશ્કેર્યા, હું એના પર જવા માંગતો નથી. બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાયે શું કહ્યું હતું?
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પશ્ચિમ બંગાળના તમલુકથી ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાય ગૃહમાં બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આર્થિક મુદ્દાઓ પર બોલી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે કેટલાક વિપક્ષી સભ્યોએ ટિપ્પણી કરી તો ગંગોપાધ્યાયે કહ્યું કે વિદ્વાન સભ્યોને આ વિષય વિશે જાણકારી નથી અને તેઓએ શીખવું જોઈએ. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ 'ગોડસે' વિશે ટિપ્પણી કરી હતી, જેના પર ગંગોપાધ્યાયે તેમના માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો હતો. વિપક્ષી સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાયે તે ટિપ્પણી કરી, જેના કારણે વિપક્ષ ગુસ્સે થઈ ગયો. જ્યારે રાજ્યસભામાં નારાજ થયા જયા બચ્ચન
આવો જ એક મામલો રાજ્યસભામાં પણ સામે આવ્યો હતો. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખર પર ભેદભાવનો આરોપ લગાવ્યો. હકીકતમાં, ગઈકાલે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગુજરાતના ભાજપના સાંસદ કેસરીદેવ સિંહ ઝાલાએ જલ શક્તિ પ્રધાન સીઆર પાટીલને રાજ્યમાં પાણીની ઉપલબ્ધતા માટે ઉપલબ્ધ યોજનાઓ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક ગામડાઓમાં પીવા અને ખેતી માટેનું પાણી પહોંચી રહ્યું છે. જયા બચ્ચન આ અંગે પૂરક પ્રશ્ન પૂછવા માંગતા હતા, આ દરમિયાન શાસક પક્ષના કેટલાક સાંસદોએ અટકાવવાનું શરૂ કર્યું. બસ આના કારણે જયા બચ્ચન નારાજ થઈ ગયા અને તેમણે ચેરમેનને કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે કોઇ સાંસદ અને મંત્રી ઉભા થઇને મને સવાલ કરે છે, તમે અહીં બેઠા છો, તમે તેમને અટકાવતા નથી, અમારે ત્યાંથી કોઇ ઉભુ થઈ જાય તો તમે તેને ટોકો છો. હું તમારી પાસેથી આની અપેક્ષા રાખતી નથી. જોકે, ચેરમેન જગદીપ ધનખરે જયા બચ્ચનના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે મને લાગે છે કે હું દરેક સાથે ન્યાયી છું. લોકસભા કે રાજ્યસભામાં આ પહેલો કિસ્સો નથી જ્યારે વિપક્ષે સ્પીકર કે અધ્યક્ષ પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હોય, આ પહેલા પણ વિપક્ષના ઘણા મોટા નેતાઓ આવા આરોપો લગાવતા રહ્યા છે. માઈક બંધથી લઈને બંધારણના રક્ષણ સુધીના મુદ્દા ઉઠ્યા
1. આ વર્ષે 28 જૂને NEET પેપર લીક મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ મુદ્દા પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને કહ્યું, “સર, મને માઈક આપો”, જેના જવાબમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું માઈક બંધ કરતો નથી, અહીં કોઈ બટન નથી. આ પહેલા પણ રાહુલ ગાંધી લોકસભા સ્પીકર પર માઈક સ્વીચ ઓફ કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે તેઓ સંસદમાં બોલે છે ત્યારે તેમનું માઈક બંધ થઈ જાય છે. આટલું જ નહીં, કોંગ્રેસ રાહુલ ગાંધી પર એવો પણ આરોપ લગાવી રહી છે કે તેઓ બોલતા હતા ત્યારે તેમને સ્ક્રીન પર ન બતાવ્યા અને સ્પીકરને બતાવ્યા. ઓમ બિરલાને સ્પીકર બનવા પર અભિનંદન આપતા રાહુલ ગાંધીએ તેમને બંધારણની રક્ષા કરવાની પણ અપીલ કરી હતી. 2. જ્યારે ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા ત્યારે પણ વિપક્ષોએ તેમના પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે તેમને સ્પીકર બનવા પર અભિનંદન આપતાં તેમને ટોણો માર્યો અને કહ્યું, “સ્પીકર સાહેબ, હું આશા રાખું છું કે વિપક્ષની સાથે તમે શાસક પક્ષને પણ કાબૂમાં રાખશો. ગૃહ ભેદભાવ વિના આગળ વધશે, તમે દરેક સાંસદ અને દરેક પક્ષને સમાન તક અને સન્માન આપશો. 3. 26 જૂનના રોજ નવા ચૂંટાયેલા નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રૂહુલ્લા મેહદીએ ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપતાં બંધારણની રક્ષા માટે હાકલ કરી હતી. સ્પીકર ઓમ બિરલા અંગે રુહુલ્લાહ મેહદીએ કહ્યું, “હું આશા રાખું છું કે આજથી તમે ન તો બીજેપીના, ન તો કોંગ્રેસના, ન સમાજવાદીના. આજથી તમારો એક જ પક્ષ છે અને તે છે ભારતનું બંધારણ, આશા છે કે આજથી તમે તેના રક્ષક બનશો. આટલું જ નહીં તેમણે દાનિશ અલી અને રમેશ બિધુરી વિવાદને લઈને સ્પીકર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “તમે શાસક પક્ષને વિપક્ષની વાત સાંભળવા માટે દબાણ કર્યું કે શું તમે વિપક્ષને ચૂપ કરાવ્યા તે તમને યાદ હશે. તમને યાદ હશે કે જ્યારે સંસદમાં એક મુસ્લિમ સાંસદને આતંકવાદી કહેવામાં આવ્યો ત્યારે તમે તે ગેરકાયદેસર અવાજને કેવી રીતે શાંત કર્યો? જો ચૂંટાયેલા સાંસદને સંસદમાં આતંકવાદી કહી શકાય તો મુસ્લિમોને પણ રસ્તા પર આતંકવાદી કહી શકાય. આના પર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને સૂચના આપી કે આ ગૃહનો પહેલો દિવસ છે, પહેલા કાર્યકાળ જુઓ અને પછી ટિપ્પણી કરો. 4. રાજ્યસભાની વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સતત અધ્યક્ષ પર ગૃહમાં માઈક બંધ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. 28 જૂને જ ખડગે રાજ્યસભામાં NEET-UG પેપર લીકના મુદ્દે બોલી રહ્યા હતા. ખડગેએ કહ્યું કે આજે વિદ્યાર્થીઓ ચિંતિત છે, 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે, આ દરમિયાન તેમનું માઈક બંધ થઈ ગયું અને તેમનો અવાજ આવતો બંધ થઈ ગયો. ત્યાં અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે રેકોર્ડ પર કંઈ જશે નહીં. આ પહેલા પણ કોંગ્રેસે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેના માઈક બંધ થવાના મુદ્દે અધ્યક્ષ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.