જાપાનમાં પુત્રમોહ:પરિવારની સંભાળ રાખવા અને બિઝનેસ ચલાવવા માટે 30ની વય સુધીના યુવાનોને દત્તક લઈ રહ્યા છે - At This Time

જાપાનમાં પુત્રમોહ:પરિવારની સંભાળ રાખવા અને બિઝનેસ ચલાવવા માટે 30ની વય સુધીના યુવાનોને દત્તક લઈ રહ્યા છે


જાપાન જેવા વિકસિત અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતા દેશમાં માનવામાં આવે છે કે અહીં અનાથ બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ હશે. પરંતુ અહીં ‘દીકરા પ્રત્યેનો પ્રેમ’’ એ દત્તક લેવાનું સૌથી મોટું પરિબળ છે. 5 વર્ષ દરમિયાન અહીં દર વર્ષે લગભગ 70થી 80 હજાર બાળકો દત્તક લેવાના કિસ્સામાં 30 વર્ષ સુધીના યુવકોને દત્તક લેવાના કિસ્સા સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2023માં દત્તક લેવાના 98% કેસ 20થી 30 વર્ષની વચ્ચેના યુવકોના હતા. અહીં યુવાનોને દત્તક લેવામાં આવે છે, જેથી તેમના પરિવારનું નામ આગળ વધી શકે. કેટલાક કિસ્સાઓમાં વ્યવસાયને સંભાળવા માટે યુવકોને દત્તક લઈ રહ્યા છે. જાપાનમાં દત્તક લેવાના કિસ્સામાં છોકરાઓ પ્રત્યેનો મોહ બે મોટાં કારણ છે. પ્રથમ-જાપાનમાં લગ્નના દરમાં ઘટાડો નોંધાયો છે. 2023માં લગ્નના દરમાં 6%નો ઘટાડો નોંધાયો હતો. 2022માં 5,04,930 લગ્ન થયાં ત્યારે 2023માં 4,74,717 લગ્ન થયાં હતાં. બીજું- લગ્નની ઘટતી સંખ્યાની સીધી અસર જન્મદર પર પડે છે. જાપાનમાં 80 વર્ષમાં પહેલીવાર લગ્નની સંખ્યામાં આટલો ઘટાડો નોંધાયો છે. 2022માં 7,70,759 જન્મની સરખામણીમાં 2023માં 7,27,277 જ જન્મ થયા હતા. મહિલાદીઠ બાળકોને જન્મ આપવાના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. સૌથી મોટો ઘટાડો ટોક્યોમાં થયો છે. જાપાનમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીંની અંદાજે 12.5 કરોડની વસ્તીમાંથી 10 ટકાની ઉંમર 80 વર્ષથી વધુ છે. દત્તક લેવાથી વૃદ્ધોને પણ મદદ મળે છે. દત્તક લીધેલા યુવાનો નવા પરિવારમાં વડીલોની સંભાળ લેવા વધુ સારી રીતે સક્ષમ છે. પરંતુ સમાજમાં સવાલો ઊઠી રહ્યા છે કે લોકો છોકરીઓને દત્તક લેવા માટે આગળ નથી આવી રહ્યા. દત્તક યુવાનો પત્નીની સરનેમ રાખી વ્યવસાય સંભાળી રહ્યા છે
જાપાનમાં લગ્ન પછી કેટલાક યુવકો પોતાની પત્નીની અટક રાખીને સાસરિયાંઓનો કૌટુંબિક વ્યવસાય સંભાળી રહ્યા છે. પ્રખ્યાત કોબાયાશી બ્રૂઅરીના કિસ્સામાં આ વાત સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં કુટુંબમાં કોઈ પુરુષ બાળક ન હોય તો કંપનીઓમાં કામ કરતા પ્રતિભાશાળી યુવાનોને તેમના માલિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ કંપની ચલાવતા સુઝુકી પરિવારને કોઈ પુત્ર નહોતો. પ્રમુખ ઓસામુ સુઝુકીને પણ સુઝુકી પરિવારે દત્તક લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.