સીટી બસના વૃધ્ધ ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં સ્ટીયરીંગ પર જ ઢળી પડ્યા: રીક્ષા-બે એક્ટિવાને હડફેટે લેતા મહિલાનું મોત - At This Time

સીટી બસના વૃધ્ધ ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં સ્ટીયરીંગ પર જ ઢળી પડ્યા: રીક્ષા-બે એક્ટિવાને હડફેટે લેતા મહિલાનું મોત


રાજકોટમાં દિન-પ્રતિદિન એક બાદ એક અકસ્માત ના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગઈ રાતે રેલનગર વિસ્તારમાં જીવલેણ સાથે વિચિત્ર અકસ્માત સામે આવ્યો હતો. રેલનગર મેઇન રોડ પર 66 વર્ષીય વૃધ્ધ ચાલકને ચાલુ બસે એટેક આવતાં બસ બેકાબૂ બની હતી અને બસે એક રિક્ષા, બે એક્ટિવા તેમજ અન્ય ત્રણ લોકોને ઠોકરે લીધા હતા.
જેમાં બસચાલકનું હાર્ટએટેકથી અને એક રાહદારી મહિલાનું અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે રિક્ષામાં બેઠેલા એક મુસાફર તેમજ અન્ય એક રાહદારી મહિલાને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે સાંજે સવા છ વાગ્યા આસપાસ રેલનગર મેઈન રોડ પર સંતોષીનગર તરફથી સીટી બસ નં.40 ના ડ્રાઈવર પરસોતમભાઈ રવજીભાઈ બારીયા (ઉ.વ.66) ખાલી બસ ડેપોમાં મુકવા જતાં હતાં ત્યારે રાધિકા ડેરીથી થોડે દૂર ચાલુ બસે જ તેમને હાર્ટ એટેક આવી જતાં તેઓ સ્ટેરિંગ પર જ ઢળી પડ્યા બાદ તેનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બસ બેકાબુ બની હતી અને રાહદારી તેમજ વાહનોને અડફેટે લઈ ઓટલા સાથે અથડાઈ હતી. જેમાં એક રીક્ષા હડફેટે આવ્યાં બાદ રિક્ષાની ઠોકરે બે એક્ટિવા ગાડી ચડી ગઈ હતી.
અકસ્માતમાં રેલનગરમાં પાર્થ સ્કૂલ પાસે રહેતાં સંગીતાબેન ગંગારામભાઇ માકડિયા (ઉ.વ.35) નું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં મુસાફરી કરતા મુકેશભાઈ તાજસિંગ મંડોડ (ઉ.વ.31), રેલનગરમાં રહેતા મનીષાબેન મનીષભાઇ વર્મા (ઉ.વ.36) ને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે પાર્ક કરેલું એડવોકેટ બહાદુરસિંહ ગોહિલનું એક્ટિવા પણ ઠોકરે ઠોકરે ચડી ગયું હતું. જ્યારે સંગીતાબેન પગપાળા રેલનગરમાં ભરાતી ગુરુવારી બજારમાં ખરીદી કરી ઘેર જતા હતા ત્યારે આ ઘટના બની હતી.
બનાવ સમયે સાંજનો સમય હોવાથી મહિલાઓની શાકભાજી સહિતની ચીજ- વસ્તુઓ ખરીદવા મોટા પ્રમાણમાં રેલનગર મેઈન રોડ પર અવરજવર હતી. સદનસીબે વધુ જાનહાનિ થઈ ન હતી. પરંતુ થોડો સમય માટે ભાગાભાગી અને અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ બી.આર.ઝણકાંત અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે મૃતકના પરીવારને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.