એક્ટ્રેસ અનિતા ગુહાના અંતિમ દિવસો હતા મુશ્કેલીથી ભરપૂર:ચહેરો ખરાબ થયો ત્યારે ઘરેથી બહાર નીકળવાનું બંધ કર્યું; પરિવારને કહ્યું હતું, 'મેકઅપ કરીને અંતિમ સંસ્કાર કરજો' - At This Time

એક્ટ્રેસ અનિતા ગુહાના અંતિમ દિવસો હતા મુશ્કેલીથી ભરપૂર:ચહેરો ખરાબ થયો ત્યારે ઘરેથી બહાર નીકળવાનું બંધ કર્યું; પરિવારને કહ્યું હતું, ‘મેકઅપ કરીને અંતિમ સંસ્કાર કરજો’


70ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ 'જય સંતોષી મા'ના લીડ એક્ટ્રેસ અનિતા ગુહાની આજે 17મી પુણ્યતિથિ છે. ફિલ્મમાં સંતોષી માતાનો રોલ નિભાવીને અનિતા એટલા લોકપ્રિય થઈ ગયા કે લોકો તેમને ભગવાન માનવા લાગ્યા. લોકો તેમના ઘરોમાં તેમના પોસ્ટર લગાવીને તેમની પૂજા કરતા હતા. 1975માં રિલીઝ થયેલી 'જય સંતોષી મા'થી અનિતા મોટાં સ્ટાર બન્યાં હતાં. આ ફિલ્મે તે સમયે 5 કરોડ રૂપિયાની કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રોફેશનલ લાઈફમાં સફળતાની સીડી ચઢનાર અંતિમ ક્ષણોમાં અનિતાએ અંગત જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગ્નના થોડા વર્ષો પછી તેમના પતિનું અવસાન થયું અને અનિતા એકલાં થઇ ગયાં હતાં. અનિતાને લ્યુકોડર્મા રોગથી પણ અસર થઈ હતી જેના કારણે તેમને આખા શરીરમાં સફેદ ફોલ્લીઓ થઇ હતી. આ કારણે અનિતા પોતાની જાતને નફરત કરવા લાગ્યાં. અનિતા આ સફેદ દાગથી એ હદે ત્રાસી ગયા હતા કે તેમણે કહ્યું હતું કે જ્યારે તેમની અંતિમવિધિ કરવામાં આવે તો સૌથી પહેલાં ​​​​​​તેમનો મેક-અપ કરવામાં આવેસ જેથી કોઈ તેમના પર ડાઘ ન જોઈ શકે. જાણો અનિતા ગુહાના જીવન સાથે જોડાયેલાં કેટલાક રસપ્રદ તથ્યો... ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા મુંબઈ ગયાં હતાં
અનિતા ગુહાનો જન્મ 17 જાન્યુઆરી, 1939ના રોજ બર્મા પાસેના એક ગામમાં થયો હતો. તેમના પિતા ફોરેસ્ટ ઓફિસર હોવાથી,અનિતાનું બાળપણ દાર્જિલિંગ અને સુંદરવન જેવા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વીત્યું હતું. ભાગલા પછી અનિતાનો પરિવાર કોલકાતામાં સ્થાયી થયો જ્યાં અનિતાએ શાળાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ અનિતા મોડલિંગમાં આગળ વધ્યાં અને મિસ કોલકાતા બન્યાં હતાં. આ પછી અનિતા જ્યારે માત્ર 15 વર્ષનાં હતાં ત્યારે ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા મુંબઈ ગયાં હતાં બોલિવૂડના પ્રખ્યાત કારદાર સ્ટુડિયો દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના તમામ રાઉન્ડમાં અનિતા પ્રથમ ક્રમે હતાં. કારદાર સ્ટુડિયોએ તેમની સાથે 300 રૂપિયા પ્રતિ માસના પગાર પર કરાર કર્યો, પરંતુ એક સમસ્યા એ હતી કે અનિતાને હિન્દી આવડતું ન હતું. તેમણે સ્ટુડિયોને વચન આપ્યું હતું કે તે છ મહિનામાં હિન્દી શીખશે અને પછી કામ શરૂ કરશે. અનિતા મુંબઈથી કોલકાતા પાછાં આવ્યાં અને તેમણે પોતાનું હિન્દી સુધારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમના પિતાનું અવસાન થયું. અનિતાની માતા તેમને મુંબઈ પરત મોકલવા તૈયાર ન હતા, તેથી તેમણે કારદાર સ્ટુડિયો સાથેનો કરાર તોડવો પડ્યો. બીજી તરફ ટેલેન્ટ કોમ્પિટિશન જીતવાને કારણે અનિતા બંગાળી ફિલ્મમેકર્સના ધ્યાન પર આવી ગયાં હતાં અને તેમને બંગાળી ફિલ્મ કરવાની ઑફર મળી હતી. આ તક ગુમાવ્યા વિના અનિતાએ ફિલ્મ સાઈન કરી. ફિલ્મનું નામ 'બંસેર કેલા' હતું. અનિતાની આ ફિલ્મ 1953માં રિલીઝ થઈ હતી, પરંતુ તેઓ મુંબઈ આવીને હિન્દી ફિલ્મોમાં કામ કરવા માગતા હતા. જેમાં તેમને એક્ટર ઓમપ્રકાશ દ્વારા મદદ મળી હતી જે કોઈ કામ માટે કોલકાતા ગયા હતા. બી-ગ્રેડ ફિલ્મો મળતાં અનિતા પરેશાન થયાં
અનિતાએ કોઈક રીતે ઓમપ્રકાશને મળવાની યોજના બનાવી અને તેમાં તે સફળ પણ રહી. તેઓ ઓમપ્રકાશને મળ્યા અને તેમને ફિલ્મોમાં તેમની રુચિ વિશે જણાવ્યું. ઓમપ્રકાશે તેને એક ફિલ્મમાં સાઈન કરી અને આ રીતે અનિતા મુંબઈ આવ્યાં હતાં. 1955માં રિલીઝ થયેલી ફિલ્મ 'તાંગા વાલી' તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. આ પછી તેઓ 'દુનિયા ગોલ હૈ', 'ઝાંઝર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અનિતાને શરૂઆતમાં ફિલ્મોમાં ખાસ સફળતા મળી ન હતી. તેમણે 'ભલા આદમી', 'કલ ક્યા હોગા', 'માયા બજાર', 'એક ઝલક', 'દેખ કબીરા રોયે', 'ટેક્સી સ્ટેન્ડ' જેવી બી-ગ્રેડ ફિલ્મોમાં સાઈડ કેરેક્ટર કર્યા હતા. આ બાદ અનિતા ઘણા નિરાશ રહેવા લાગ્યા કે તેમને એ ગ્રેડ ફિલ્મોમાં એક્ટ્રેસની ઓફર કરવામાં ન આવી. પૌરાણિક ફિલ્મે અનિતાનું નસીબ બદલ્યું
1957માં સમય બદલાયો અને ફિલ્મ નિર્માતા હોમી વાડિયા દ્વારા અનિતાને 'પવનપુત્ર હનુમાન' ફિલ્મમાં સીતાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અનિતા પૌરાણિક ફિલ્મ કરવાને લઈને મૂંઝવણમાં હતા પરંતુ આ ફિલ્મની સફળતાએ તેની વિચારસરણી બદલી નાખી. અનિતાએ પૌરાણિક ફિલ્મોની ઓફર સ્વીકારવાનું શરૂ કર્યું અને તેઓ 'સંપૂર્ણ રામાયણ', 'શ્રી રામ ભરત મિલાપ' જેવી ફિલ્મોમાં સીતાના રોલમાં જોવા મળ્યા હતા. પૌરાણિક ફિલ્મોની સફળતાથી પ્રોત્સાહિત થઈને અનિતા એ પછી ઐતિહાસિક ફિલ્મો તરફ વળ્યા અને 'ટીપુ સુલતાન', 'મહારાણી પદ્મિની', 'સંત તુકારામ' જેવી ફિલ્મોમાં લીડ રોલ નિભાવ્યો હતો. પતિના મૃત્યુથી આઘાતમાં, ફિલ્મોમાંથી લીધો બ્રેક
1961માં અનિતાએ એક્ટર માનિક દત્ત સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અનિતા ચાર વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહ્યા પરંતુ લગ્નના થોડા જ વર્ષો પછી તેમના પતિ માણિકનું અવસાન થયું. પતિના અવસાન બાદ અનિતા મુંબઈના બાંદ્રાના લિન્કિંગ રોડ સ્થિત ફ્લેટમાં એકલા રહેતાં હતાં. પતિના મૃત્યુના આઘાતથી તે ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ સિવાય તેઓ માતા ન બની શક્યા તેનું દુ:ખ હતું. અનિતાએ 'જય સંતોષી મા'ની ઓફર ફગાવી દીધી હતી
અનિતાની કરિયરનો બીજો તબક્કો 1969માં ફિલ્મ' આરાધના'થી શરૂ થયો જેમાં તેમણે સાઈડ કેરેક્ટર ભજવ્યું હતું. આ પછી તેઓ 'શર્મિલી', 'અનુરાગ', 'ઝૂમ ઊઠા આકાશ', 'નાગિન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ 1975માં આવેલી ફિલ્મ 'જય સંતોષી મા'એ તેનું જીવન બદલી નાખ્યું. તેણે આ ફિલ્મમાં સંતોષી માતાની ભૂમિકા ભજવી હતી. જ્યારે અનિતાને આ ફિલ્મની ઑફર કરવામાં આવી ત્યારે તેઓ ફિલ્મ કરવા માગતા નહોતા કારણ કે તેમણે તેમની કરિયરમાં ઘણી પૌરાણિક ફિલ્મો કરી હતી અને ટાઇપકાસ્ટ હોવાને કારણે તેને અન્ય શૈલીની ફિલ્મો મળી રહી ન હતી. બીજું કારણ એ હતું કે અનિતાને સંતોષી માતા વિશે કોઈ માહિતી નહોતી. આવી સ્થિતિમાં, તેમને ડર હતો કે તે આ રોલને સારી રીતે ભજવી શકશે નહીં, પરંતુ નિર્દેશક વિજય શર્માની સમજાવટ પછી અનિતા આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થયાં હતાં. 'જય સંતોષી મા'ના શૂટિંગ દરમિયાન વ્રત રાખ્યું હતું
આ ફિલ્મ માટે અનિતાએ માત્ર 10 થી 12 દિવસનું શૂટિંગ કરવાનું હતું, કારણ કે આ ફિલ્મમાં તેમનો રોલ બહુ મોટો નહોતો. પહેલા દિવસે જ્યારે અનિતા શૂટ પર પહોંચ્યા ત્યારે સેટ પર ગભરાટનો માહોલ હતો. ફિલ્મનું બજેટ ઓછું હતું તેથી મેકર્સ વહેલી તકે શૂટિંગ પૂર્ણ કરવા માગતા હતા. આ કારણથી અનિતા નાસ્તો કરી ન શક્યા અને તેમણે શૂટિંગ શરૂ કર્યું હતું. ભારે કામના કારણે અનિતા બપોરનું ભોજન પણ ન કરી શક્યા. સાંજે જ્યારે ડાયરેક્ટર વિજય શર્માને આ વાતની જાણ થઈ તો તેમણે તરત જ અનિતા માટે ભોજનની વ્યવસ્થા કરી, પરંતુ અનિતાએ કંઈપણ ખાવાનો ઈન્કાર કરી દીધો. તેમણે શૂટિંગના પહેલા દિવસને ઉપવાસ ગણ્યો હતો અને ભોજન લીધું ન હતું. અહેવાલો અનુસાર, અનિતાએ આ ફિલ્મ માટે જેટલા દિવસો સુધી શૂટિંગ કર્યું હતું તેટલા દિવસો સુધી ઉપવાસ રાખ્યો હતો. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 1975ના રોજ રિલીઝ થઈ હતી. શરૂઆતમાં ફિલ્મની હાલત ખરાબ હતી. મહિલાઓ આરતીની થાળી લઈને થિયેટરમાં જતી હતી
એક શોમાં માત્ર 56 રૂપિયા, બીજા શોમાં 64 રૂપિયા અને ત્રીજા શોમાં માત્ર 100 રૂપિયાની કમાણી થઈ હતી. દરેકને લાગતું હતું કે ફિલ્મ ફ્લોપ જશે, કારણ કે તેની ટક્કર ફિલ્મ 'શોલે' સાથે થઈ હતી. પરંતુ અચાનક ટિકિટ બારી પર પરિસ્થિતિ બદલાઈ ગઈ. દર્શકોની ભીડ થિયેટરોમાં 'જય સંતોષી મા' જોવા માટે એકત્ર થવા લાગી. આ ફિલ્મ મહિલાઓમાં ઘણી લોકપ્રિય બની હતી અને શનિવારે તેમના માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીની થાળી સજાવીને મહિલાઓ થિયેટરોમાં જતી અને સ્ક્રીન પર 'મૈં તો આરતી ઉતારુ' ગીત જોતી વખતે આરતી કરતી, સિક્કા ફેંકતી અને ફૂલો અર્પણ કરતી. આ ફિલ્મની સફળતા બાદ અનિતા ગુહા સ્ટાર બન્યા હતા. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા અને તેમને સંતોષી માતા કહેતા. તેઓ તેમના ઘરે તેમનો ફોટો લગાવીને તેમની પૂજા કરતા હતા. આ ફિલ્મ પછી અનિતા ગુહા સંતોષી માતાની છબી સાથે એટલી જોડાઈ ગઈ કે આ પછી દર્શકોને તેને અન્ય ભૂમિકાઓમાં બિલકુલ પસંદ ન આવી. આ જ કારણ હતું કે થોડી ફિલ્મો પછી અનિતાએ ફરીથી ફિલ્મી દુનિયા છોડી દીધી અને એકલા જીવન જીવવા લાગ્યા હતા. અનિતા ગુહાની છેલ્લી ફિલ્મ 'લખપતિ' હતી જે 1991માં રિલીઝ થઈ હતી. માંદગીને કારણે ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું હતું
અનિતા ગુહા માટે છેલ્લા દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. તેઓ લ્યુકોડર્મા રોગથી પીડિત હતા. આ રોગમાં આખા શરીરમાં સફેદ ડાઘ દેખાય છે. અનિતાના ચહેરા પર પણ ડાઘ પડી ગયા હતા જેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવ્યા હતા. તેમણે ઘરની બહાર નીકળવાનું અને લોકોને મળવાનું ઓછું કર્યું. અનિતા તેમના ચહેરા પરના દાગ અને ડાઘ છુપાવવા માટે ઘણો મેકઅપ કરતા હતા. તેઓએ તેમના સંબંધીઓને પણ કહ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પહેલા મેક-અપ કરવો જેથી કોઈ તેના દાગ ન જોઈ શકે. અનિતાનું મુંબઈમાં 20 જૂન, 2007ના રોજ 68 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમની છેલ્લી ઈચ્છા અનુસાર અંતિમ સંસ્કાર પહેલાં તેમના ચહેરાને મેક-અપ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.