હવે અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા દાદાએ પૌત્રને છાવર્યો:કહ્યું- ફેમિલી ડ્રાઇવર કાર ચલાવતો હતો, પુણે પોર્શ કેસમાં પોલીસે આરોપીના પિતા વિશાલ અગ્રવાલનો ફોન જપ્ત કર્યો
પુણે પોર્શ કેસના સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ઘટના સમયે કાર તેમનો ફેમિલી ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. સગીરના મિત્રોએ પણ આ જ દલીલ કરી. પોલીસની પૂછપરછમાં ડ્રાઇવરે પણ પોતાના પહેલાં નિવેદનમાં ગાડી ચલાવવાની વાતનો સ્વીકાર કર્યો છે. ત્યાં જ, પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીના પિતા વિશાલ અગ્રવાલે પણ પોલીસને કહ્યું હતું કે ગાડી તેનો દીકરો નહીં, પરંતુ અમારો ફેમિલી ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. ત્યાં જ, પોલીસે વિશાલનો ફોન જપ્ત કરી લીધો છે. વિશાલની કોલ ડિટેલ અને અન્ય જાણકારી કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, પુણેની પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) આરોપી સગીરને 25 વર્ષની ઉંમર પહેલાં લાઇસન્સ આપશે નહીં. તેમજ RTOએ પોર્શ કારનું કામચલાઉ રજિસ્ટ્રેશન 12 મહિના માટે રદ કર્યું છે. જુવેનાઇલ બોર્ડે આરોપીને 5 જૂન સુધી બાળ સુધાર ગૃહ મોકલ્યો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે સગીર આરોપીને 75,000 રૂપિયાના બોન્ડ અને રોડ સેફ્ટી પર 300 શબ્દોનો નિબંધ લખવાની સજા ફટકારીને જામીન મંજૂર કર્યા હતા. આ નિર્ણયનો દેશભરમાં વિરોધ થયો હતો. જ્યારે પુણેમાં લોકો હડતાળ પર ઊતર્યા ત્યારે મહારાષ્ટ્ર સરકારે બોર્ડને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું. બુધવારે (22 મે) બોર્ડે ફરીવાર આરોપીઓને પૂછપરછ માટે બોલાવ્યા. અહીં પોલીસે કહ્યું કે આ ગુનો ક્રૂર રીતે કરવામાં આવ્યો હતો. આરોપીની ઉંમર 17 વર્ષ 8 મહિના છે. તે મોંઘી કાર ચલાવે છે. દારૂ પીવે છે અને પુખ્ત વયની જેમ વર્તે છે. તેથી આને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ પછી બોર્ડે જામીનનો નિર્ણય રદ કરીને આરોપીને 5 જૂન સુધી બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આરોપીને પિત્ઝા-બર્ગર ખવડાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ થશે
યરવડા પોલીસ સ્ટેશન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઘટના બાદ આરોપીને પોલીસ સ્ટેશનમાં પિત્ઝા-બર્ગર ખાવા માટે આપવામાં આવેલાં. હવે પોલીસ આ અંગે પણ તપાસ કરશે. મદદનીશ પોલીસ કમિશનર અશ્વિની રાઠ યરવડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરશે. ઘટના બાદ અહીં જ પહેલી ફરિયાદ નોંધાઈ હતી. 2.44 કરોડની કાર, 1758 રૂપિયા માટે રજિસ્ટ્રેશન થયું નથી
આરટીઓ અધિકારી સંજીવ ભોરના જણાવ્યા અનુસાર, આરોપીના પિતાએ માર્ચમાં બેંગલુરુના એક ડીલર પાસેથી 2.44 કરોડ રૂપિયામાં ઇલેક્ટ્રિક લક્ઝરી સ્પોર્ટ્સ સેડાન પોર્શ કાર ખરીદી હતી. ડીલરે ટેમ્પરેરી રજિસ્ટ્રેશન બાદ આ કાર વિશાલને સોંપી હતી. જે 18 માર્ચ 2024થી 17 સપ્ટેમ્બર 2024 સુધી વેલિડ છે. કારમાલિક 18 એપ્રિલ 2024ના રોજ રજિસ્ટ્રેશન માટે પુણેની આરટીઓ ઓફિસમાં આવ્યો હતો. તપાસ અને તમામ પ્રક્રિયા તે જ દિવસે પૂરી થઈ ગઈ હતી, પરંતુ 1758 રૂપિયા નહીં ચૂકવવાને કારણે કારનો રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યો ન હતો. સંજીવ ભોરે જણાવ્યું કે એક્ટ મુજબ, જો કોઈ સગીર અકસ્માતનો ભોગ બને તો તેને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ મળી શકે નહીં. ફ્લાઈંગ સ્કવોર્ડને શહેરમાં નંબર વગરનાં વાહનો તાત્કાલિક જપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. આરોપીના દાદાએ તેના ભાઈ સાથે મિલકતના વિવાદમાં છોટા રાજન પાસે મદદ માગી હતી
અહીં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન સામે આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2021માં સુરેન્દ્રએ તેના ભાઈ આરકે અગ્રવાલ સાથે પ્રોપર્ટી વિવાદને ઉકેલવા માટે છોટા રાજન પાસે મદદ માગી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આની પણ તપાસ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે પુણે પોર્શ કેસના સગીર આરોપીના દાદાની પૂણે પોલીસ પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, પોલીસે સગીર આરોપી કરતાં તેના પિતા વિશાલ અગ્રવાલ પર વધુ આરોપો લગાવ્યા છે. FIR મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ જાણતો હતો કે તેનો પુત્ર સગીર છે. તેમ છતાં, તેણે માત્ર તેના પુત્રને 2.50 કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિનાની પોર્શ કાર આપી, પબમાં દારૂની મહેફિલ માટે તેમનું ક્રેડિટ કાર્ડ પણ આપ્યું. આ કાર્ડથી આરોપીએ 90 મિનિટમાં 48 હજાર રૂપિયાનું બિલ ચૂકવી દીધું હતું. કારના ડ્રાઈવરે આરોપીને કાર આપવાની ના પાડી હતી, પરંતુ પિતા વિશાલના કહેવાથી તેણે કાર આપી હતી. 18મી મેની રાત્રે, આરોપીએ એક પબમાં દારૂની મહેફિલ બાદ બાઇક પર સવાર યુવક અને યુવતીને કાર સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. બંને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા, પરિવારજનોએ કહ્યું- આ અકસ્માત નથી, હત્યા છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન સગીર આરોપી દારૂના નશામાં લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. તેણે કલ્યાણીનગરમાં રાત્રે લગભગ 2 વાગે બાઇક પર સવાર આઇટી એન્જિનિયરોને ટક્કર મારી હતી. કારની એરબેગ ખૂલી જવાને કારણે તે આગળ જોઈ શકતો ન હતો. આ પછી આરોપીને કાર રોકવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના રહેવાસી એન્જિનિયર અનીશ અવડિયા અને અશ્વિની કોષ્ટાનું મૃત્યુ થયું હતું. બંને પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હતાં. લોકોએ જણાવ્યું કે કાર સાથે અથડાવાને કારણે બાઇકમાં સવાર યુવતી હવામાં ફંગોળાઇને જમીન પર પડી હતી અને યુવક નજીકમાં ઊભેલી અન્ય કાર સાથે અથડાયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક અનીશ અવધિયા મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બિરસિંહપુરનો રહેવાસી હતો અને યુવતી અશ્વિની કોષ્ટા જબલપુરની રહેવાસી હતી. એકની લાશ 20મી મેના રોજ અને બીજાની 21મી મેના રોજ તેમના ઘરે પહોંચી હતી. અનીશના કાકા અખિલેશ અવડિયાએ કહ્યું- આ અકસ્માત નથી પરંતુ હત્યા છે. આરોપીને જામીન ન મળવા જોઈએ. અશ્વિની કોષ્ટાના પિતા સુરેશ કોષ્ટાએ કહ્યું કે આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ જેથી લોકો આમાંથી બોધપાઠ શીખે. મારી દીકરીએ પૂણેમાં અભ્યાસ પૂરો કર્યો અને ત્યાં નોકરી મળી. ભાઈ સમરપ્રીતે જણાવ્યું કે અશ્વિની 6 વર્ષથી પુણેમાં હતી, તેણે જાન્યુઆરીમાં જ પોતાનો 24મો જન્મદિવસ ઊજવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.