માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને મૃત્યુ પર્યંત આજીવન જેલ
૫ડવલા જીઆઈડીસીમાં બનાવ બન્યો હતો ફક્ત નવ માસમાં કેસ ચાલી ગયો, ભોગ બનેલી બાળકી અને તેના પરિવારને ઝડપી ન્યાય મળ્યો ગોંડલ, : આજથી નવ માસ પહેલા કોટડાસાંગાણી નજીકના પડવલા જીઆઈડીસીમાં એક દસવર્ષીય બાળાની એકલતાનો લાભ લઈને આ ઔદ્યોગિક વસાહતમાં જ કામ કરતા એક શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ.આ ઘટનામાં પોકસો અદાલતે ઝડપી કેસ ચલાવીને આરોપીને મૃત્યુ પર્યંત આજીવન જેલ સજા ફટકારી છે. બનાવની વધુ વિગત એવી છે કે ઔદ્યોગિક વસાહતમાં રહીને કામ કરતા સુનીલ જેપાલ અરકબંશી નામના કામદારે આ જ વસાહતમાં અગાઉ રહેતી એક દસ વર્ષીય બાળા એકલી હતી એ સમયે ઘરમાં ઘૂસી જઈને બાળાને ધાક ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે બાળાના પરિવારજનોએ સુનીલ વિરૂદ્ધ કોટડાસાંગાણી પોલીસ મથકમાં ભારતીય ફોજદારી ધારાની કલમો અને પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી સામે પોલીસે ચાર્જશીટ રજુ કરતા જ કેસ ચાલુ થયો હતો. સરકારી વકીલે આરોપી વિરૂદ્ધ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. તેમજ અગિયાર સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. મોૈખિક અને લેખિત પુરાવાઓ તેમજ બન્ને પક્ષની દલીલો બાદ એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ, કમ સ્પેશ્યલ પોકસો કોર્ટના ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે આરોપી સુનીલ અરકબંશીને આજીવન કેદ મૃત્યુ પર્યંતની જેલ સજા ફટકારી છે. આમ માત્ર નવ માસના ટૂંકા ગાળામાં કેસ પુરો થઈને ભોગ બનેલી બાળા અને એના પરિવારજનોને ઝડપી ન્યાય મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.