સંતકબીર રોડ પર ટ્રકની હડફેટે સાયકલ સવાર છાત્રનું કમકમાટીભર્યુ મોત
શહેરમાં મોટા વાહનોને દિવસ દરમ્યાન પ્રવેશબંધી હોવા છતા માતેલા સાંઢની માફક બેરોકટોક દોડી લોકોના જીવ સાથે રમત રમે છે. અગાઉ પણ શહેરી વિસ્તારમાં અનેક ટેન્કર અને ટ્રકની હડફેટે લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે.
સંતકબીર રોડ દૂધેશ્વર મહાદેવ પાસે સ્કૂલેથી છુટી ઘરે જઈ રહેલા ધો.4ના 12 વર્ષીય છાત્રને પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે હડફેટે લેતા ફુટબોલના દડાની માફક ફંગોડાયેલા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.
બનાવથી પરિવારમાં અરેરાટી સાથે આક્રોશ છવાયો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં.5માં રહેતા મુળ યુપીના રામવિહોરે નિશાદનો 12 વર્ષીય પુત્ર પવન ધો.4માં રણછોડનગરમાં આવેલ શાળા નં.15માં અભ્યાસ કરે છે.
આજે સવારે તે પોતાની સાયકલ લઈ સ્કૂલ અભ્યાસ માટે ગયો હતો. બપોરે સ્કૂલથી રજા થતા તે સાયકલ લઈ ઘરે પરત ફરતો હતો ત્યારે સંતકબીર રોડ પર દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે ધરાહર માર્કેટની સામે તે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટેન્કરના ચાલકે ઠોકર મારતા બાળક સાયકલ સહિત ફંગોળાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત મુજબ મૃતક બાળક પાંચ ભાઈ બહેનમાં મોટો હતો અને તેના પિતા ઈમીટેશનનું મજુરીકામ કરે છે. લાડકવાયા પુત્રના આકસ્મીક મોતથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. પોલીસે ટેન્કર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ કમિશ્ર્નરે જ દિવસ ગાળા દરમ્યાન મોટા વાહનોને શહેરમાં પ્રવેશવાની પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડયું હોવા છતા બેરોકટોક ટેન્કરો અને ટ્રકો શહેરમાં દોડી જીવલેણ બની રહ્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.