દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ - At This Time

દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ


- દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા MCDને નથી મળી રહ્યા તેવો આક્ષેપનવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (MCD) 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લગાવેલા આક્ષેપ પ્રમાણે MCDમાં ભાજપના નેતાઓની મિલીભગતના કારણે ટોલટેક્સમાં ભારે મોટું કૌભાંડ થયું છે. ઉપરાંત તેમણે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે. મનીષ સિસોદિયાએ આ અંગ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા MCDને નથી મળી રહ્યા. આ ઉપરાંત સિસોદિયાએ 1,200 કરોડવાળું લાઈસન્સ 786 કરોડમાં આપવાનો પણ આરોપ લગાવ્યો છે. 
આમ આદમી પાર્ટીએ અગાઉ ભાજપાશાસિત MCD પર 'એસ્ક્રો' ખાતામાંથી 6,760 કરોડ રૂપિયા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. આપના ધારાસભ્ય અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે એવો દાવો કર્યો હતો કે, પાર્કિંગ અને કન્વર્ઝન ફી પેટે 6,800 કરોડ રૂપિયા એસ્ક્રોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપાશાસિત MCDએ 2012થી અત્યાર સુધીમાં પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે. આમ આદમી પાર્ટીના MCD પ્રભારી દુર્ગેશ પાઠકના કહેવા પ્રમાણે MCD જે પણ ટેક્સ ઉઘરાવે છે તે એસ્ક્રોના ખાતામાં જાય છે. એક પ્રક્રિયા અંતર્ગત તે પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવે તે નક્કી થાય છે. દિલ્હીની જનતા પાર્કિંગ અને કન્વર્ઝન માટે જે ચાર્જ આપે છે તે તમામ રકમ એસ્ક્રોના ખાતામાં જમા થાય છે. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે, તે પૈસાનો ફક્ત અને ફક્ત પાર્કિંગ કે કન્વર્ઝન માટે જ ઉપયોગ કરવામાં આવે. વર્ષ 2012થી આજ સુધી MCDના એસ્ક્રો ખાતામાં પાર્કિંગ અને કન્વર્ઝન ચાર્જ પેટે આશરે 6,800 કરોડ રૂપિયા હોવા જોઈએ. જો ભાજપે પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે તો એસ્ક્રોના ખાતામાં 6,760 કરોડ રૂપિયા હોવા જોઈએ. જ્યારે RTI દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાતામાં માત્ર 1.5 કરોડ રૂપિયા જ બચ્યા છે. આ સંજોગોમાં સવાલ એ થઈ રહ્યો છે કે, બાકીના તમામ રૂપિયા ક્યાં ગયા. તે અંગેની તપાસ થવી જોઈએ.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.