પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
*વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને રૂ.૨૮ લાખ ૩૫ હજારથી વધુની સહાયના ચેક અને પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા
*સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય,રોજગાર અને શિક્ષણને પ્રાધાન્ય આપીને અનેક યોજનાઓ અમલી બનાવી - મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
ગોધરા
ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસીઓ આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક,આરોગ્ય, કાયદાકીય અને રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્ય હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દર વર્ષે ૯ મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પંચમહાલ જિલ્લામાં આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકાના મોરા એ.પી.એમ.સી.ખાતે રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. આ તકે મહાનુભાવો દ્વારા બિરસા મુંડા અને ગોવિંદ ગુરુને યાદ કરીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી,દીપ પ્રાગટ્ય,નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક વારસો અને પરંપરાને ટકાવી રાખનાર આદિવાસી સમુદાય દેશની ધરા પર મહત્વનું સ્થાન ધરાવે છે. દેશની આઝાદીની ચળવળ માટે આદિવાસી સમાજે અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે માનગઢ ધામ સહિત આદિવાસી સમાજના નાયકોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, બંધારણ સહિત પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સરકારશ્રીએ આદિવાસી સમાજને અનેક હકો આપ્યા છે.
સરકારે આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય,રોજગાર અને શિક્ષણને પ્રાધાન્ય આપીને અનેક યોજનાઓ કાર્યરત કરી છે,જેના થકી આદિજાતિ વિસ્તારોમાં આજે સર્વાંગી વિકાસ થયો છે. તેમણે ઉપસ્થિતોને પ્રાકૃતિક અને મીલેટ ખેતીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. તેમણે ૨૦૪૭ વિકસિત ભારતની સંકલ્પના સહિત સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ તકે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે આદિવાસી સભ્યતા અને સંસ્કૃતિને યાદ કરતા
કહ્યું કે,આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આઝાદીની ચળવળ દરમિયાન હજારો આદિવાસી વીરોએ પોતાની આહુતિ આપી છે તેને ઉજાગર કરીને તેમને માન સન્માન આપવાનું કામ સરકારે કર્યું છે.વન બંધુ કલ્યાણ યોજના, એકલવ્ય મોડેલ સ્કૂલ જેવી યોજનાઓ સહિત આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો છે.આ તકે તેમણે પંચમહાલ જિલ્લાના આદિવાસી નાયક સંત જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકને યાદ કર્યા હતા.આજે આ આદિવાસી નાયકોના નામ પરથી જાંબુઘોડા તાલુકામાં શાળાઓ શરૂ કરાઈ છે.તેમણે તિલ્કા માંઝી, ભીમા નાયક, રાણા પૂંજા ભીલ, રાણી દુર્ગાવતી,બિરસા મુંડાના જીવન ચરિત્રને યાદ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરીને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું તો પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ઠ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ,રમતવીરો,કલાકારો તથા ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર લોકોને સન્માનપત્ર, ટ્રોફી અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને રૂ. ૨૮ લાખ ૩૫ હજારથી વધુની સહાયના ચેક અને પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા હતા. જેમાં મિશન મંગલમ યોજના હેઠળ ૦૩ લાભાર્થીઓને રૂ. ૧૮.૫૦ લાખની સહાય, જીટીડીસી નિગમ અંતર્ગત ૦૧ લાભાર્થીને રૂ. ૧.૫૦ લાખની સહાય, વન અધિકાર અધિનિયમ હેઠળ બે લાભાર્થીઓને જમીનના અધિકારપત્ર, બાગાયત હેઠળ ૦૨ લાભાર્થીઓને રૂ. ૫.૨૫ લાખની સહાય, મકાન સહાય હેઠળ ૦૨ લાભાર્થીઓને ૨.૪૦ લાખની સહાય સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયના પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા હતા.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,પ્રાયોજના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ, પ્રાંત અધિકારીશ્રી પ્રણવ વિજય વર્ગીય, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,ધવલભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યશ્રીઓ,વિવિધ હોદ્દેદારો,આગેવાનો, એ.પી.એમ.સી ચેરમેનશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.