સિવિલ હોસ્પિટલમાં ચોરીના બનાવો અટકાવવા એક્શન પ્લાનઃ પોલીસ સાદા ડ્રેસમાં ઓચીંતા જ ચેકીંગ કરશે
રાજકોટ તા. ૬: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સહિતના વિભાગોમાંથી ગિરદીનો લાભ ઉઠાવી આંગળીના ઇલમીઓ મોબાઇલ ફોન, પર્સ સહિતની ચોરી કરી જાય છે. રાત્રીના સમયે કે વેહલી સવારે વોર્ડમાંથી પણ દર્દીઓ, સ્ટાફ અને ડોક્ટરના ફોન ચોરાઇ જવાના બનાવો બને છે. આ ઉપરાંત હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ્યાં જ્યાં પાર્કિંગ છે ત્યાંથી વાહનો ચોરાઇ જવાના બનાવો પણ બનતા રહે છે. આ કારણે દર્દીઓ અને તેમના સગાને દાઝ્યા પર ડામ જેવો અનુભવ થાય છે. આવ્યા હોય દવા લેવા કે ખબર કાઢવા અને મોબાઇલ પર્સ કે વાહન ગુમાવી બેસે છે. આવા બનવો ન બને તે માટે ખાસ એક્શન પ્લાન આજે પોલીસ અને સિવિલ હોસ્પિટલ તંત્રએ સાથે મળીને ઘડી કાઢયો છે. આ મટે એસીપી પૂર્વ શ્રી પી. કે. દિયોરા અને પ્ર.નગર પીઆઇ શ્રી આર. ટી. વ્યાસ સાથે તબિબી અધિક્ષકશ્ર ડો. આર. એસ. ત્રિવેદી અને તેમની ટીમે ખાસ બેઠક યોજી મહત્વના નિર્ણયો લીધા હતાં.
હોસ્પિટલમાં કયા કયા વિભાગોમાં વધુ ચોરીના બનાવો બને છે? કયા કયા વારે અને કયા સમયે વધુ ચોરી થાય છે? એ સહિતના મુદ્દાઓની એસીપી શ્રી દિયોરા અને ટીમે જીણવટભરી વિગતો હોસ્પિટલન સત્તાધીશો પાસેથી મેળવી હતી અને તેના આધારે આવા બનાવો અટકવવા કેવા પગલા લઇ શકાય તે નક્કી કર્યુ હતું. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં ખાસ કરીને સોમ અને બુધવારે ચોરીના બનાવો વધુ બનતા હોય છે. કારણ કે આ દિવસોમાં દર્દીઓની ગિરદી વધુ રહેતી હોય છે. ઓપીડીમાં તેમજ કેસબારી, દવાબારી સહિતના વિભાગોમાં વધારાના સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરવામાં આવશે અને ત્યાં મોટા અક્ષરે ‘તમે કેમેરાની નજરમાં છો' તેવા બોર્ડ મુકવામાં આવશે.
પોલીસ ઓપીડીના સમયમાં સાદા ડ્રેસમાં ગમે ત્યારે આવીને ચેકીંગ કરશે. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ સાદા ડ્રેસમાં સામેલ થશે. પોલીસ ઓપીડી ઉપરાંત વોર્ડમાં અને બીજા વિભાગોમાં પણ ઓચીંતો રાઉન્ડ લેશે. આ ઉપરાત સિવિલ હોસ્પિટલની સિક્યુરીટી પણ વધુ કડકાઇથી કામ કરશે. રાત્રીના સમયે ખાસ કરીને તમામ વોર્ડના અંદરના ભાગોમાં સિક્યુરીટી ટીમ ચેકીંગ કરતી રહેશે. પાર્કિંગ સહિતના સ્થળોએ પણ વધારાના કેમેરા મુકવામાં આવશે અને ત્યાં ખાસ વોચ રહે તેવી ગોઠવણ થશે. તસ્કરો, ઉઠાવગીરો ચોરી કરીને મોટે ભાગે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના ગેઇટ તરફથી અને પોસ્ટ મોર્ટમ રૂમ પાસેની ઝાપલી જેવા રસ્તેથી ભાગતાં હોવાનું ધ્યાને આવ્યું હોઇ આ બંને રસ્તા વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવશે. સિક્યુરીટી ટીમને ખાસ જવાબદારી સોંપવામાં આવશે. દર્દીઓ અને તેમના સગાની સુરક્ષાના તમામ પગલા હોસ્પિટલ તંત્ર પોલીસ તંત્રની મદદથી લેશે. તેમ વધુમાં ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત ડો. નથવાણી, ડો. ચાવડા તથા નર્સિંગ વિભાગના હેડ હિતેન્દ્ર ઝાખરીયા તથા અન્ય વિભાગના હેડ તેમજ સિક્યુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા સહિતે પોલીસ અધિકારીઓ પાસેથી મહત્વના સુચનો મેળવ્યા હતાં અને જરૂરી મુદ્દાઓ અંગે ધ્યાન પણ દોર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.