બોટાદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી : બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે - At This Time

બોટાદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી : બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે


(અજય ચૌહાણ દ્વારા)
નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી તા.12.11.2024 સુધી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોએ પોતાના ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓને આ રસી મુકાવવી ખૂબ જરૂરી છે. પશુપાલન સ્ટાફ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને પશુઓને નિ:શુલ્ક રસી મૂકવામાં આવી રહી છે જે અંતર્ગત તમામ પશુપાલકોએ પોતાના પશુઓમાં અવશ્ય આ રસી મુકાવવી તેમ બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં કુલ 2.12 લાખ પશુઓનું રસીકરણ કરાશે. પશુઓમાં જોવા મળતો ખરવા-મોવાસા એક વિષાણુજન્ય રોગ છે જે સામાન્ય રીતે શિયાળા તથા ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. ખરવા-મોવાસા રોગમાં પશુને ખૂબ જ તાવ આવે છે. મોંઢા અને પગની ખરી વચ્ચે પ્રથમ ફોલ્લીઓ થાય છે જે બાદમાં ચાંદામાં ફેરવાઈ જાય છે. આ રોગગ્રસ્ત પશુને ખાવામાં તથા ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. પશુના મોંઢામાંથી સતત લાળ પડ્યા કરે છે. ખરવા-મોવાસા રોગને પગલે દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા તદ્ન ઘટી જાય છે. આ રોગને કારણે સતત ૧૦થી ૧૫ દિવસ સુધી ખોરાક લઈ ન શકવાને કારણે પશુનુ વજન ઘટી જાય છે. ક્યારેક બાળ પશુઓ મૃત્યુ પામે છે. ખરવા-મોવાસા રોગને અટકાવવા પશુપાલકોએ અવશ્ય રસીકરણ કરાવવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.