મંદિરે દર્શન કરી પરત ફરતા 17 વર્ષીય યુવાન ને ટ્રકે હડફેટે લીધો : કમકમાટીભર્યું મોત - At This Time

મંદિરે દર્શન કરી પરત ફરતા 17 વર્ષીય યુવાન ને ટ્રકે હડફેટે લીધો : કમકમાટીભર્યું મોત


મનહરપુરમાં રહેતો 17 વર્ષીય વિદ્યાર્થી રાજ સમેરવા મેલડી માતાજીના મંદિરેથી દર્શન કરી ઘરે પરત જતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને બાઈક સહિત હડફેટે લેતા સારવારમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક સ્થળ પર જ ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે અને ટ્રક ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી ચંદુભાઈ વેલજીભાઈ સમેરવા (ઉ.વ.45, રહે. મનહરપુર 01 દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે સરકારી આવાસના ક્વાર્ટર જામનગર રોડ,રાજકોટ)એ જણાવ્યું હતું કે, મારે સંતાનમા બે દિકરા છે. જેમાં મોટો દીકરો દેવરાજ (ઉ.વ.19) તથા નાનો દીકરો રાજ (ઉ.વ.17) છે. ગઈ કાલે મારો નાનો દીકરો રાજ માધાપર સ્મશાનમાં આવેલ મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો.
જે પછી છએક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે રાજના ફોનમાંથી અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મને જણાવેલ કે, આ ફોન વાળા છોકરાનું જામનગર રોડ રાધે હોટલની સામે દ્વારકાધીશ પેટ્રોલ પંપની પાસે અકસ્માત થયું છે. અકસ્માત અંગે જાણ થતા હું તુરંત ઘટના સ્થળે ગયો. ત્યાં જઈને જોતા રાજ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હતો.
જેને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થઈ હતી. રાજને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. રાજ બે ભાઈમાં નાનો હતો. યુવક ધો.11માં અભ્યાસ કરતો હતો. પિતાની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ડ્રાઈવરને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.