ફિટમેન્ટ પેનલ કાઉન્સિલને અહેવાલ સુપરત કરાશે:હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટીમાં રાહત માટે 4 વિકલ્પ, સોમવારે નિર્ણય કરાશે
જીએસટી કાઉન્સિલ સોમવારે 9 સપ્ટેમ્બરની બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમામાં જંગી રાહત આપી શકે છે. કાઉન્સિલની ફિટમેન્ટ પેનલે રાહત આપવા માટે 4 વિકલ્પ સૂચવ્યા છે. પેનલે આ વિકલ્પો કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તૈયાર કર્યા છે. આ 4 વિકલ્પમાંથી કોઇ પણ એક ઉપર નિર્ણય કરાય તોપણ સરકારી તિજોરીને રૂ. 650 કરોડથી રૂ. 3,500 કરોડનું નુકસાન થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિટમેન્ટ પેનલ સોમવારે આ રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપી શકે છે. પેનલે જીવન વીમા ઉપર જીએસટીમાં છૂટ આપવા માટે વિચાર કર્યો છે. જેમાં માત્ર ટર્મ-વ્યક્તિગત જીવન પૉલિસી અને બીજી વાર વીમો ઉતારનારને છૂટ આપવાની ભલામણ કરી છે. જો આની ઉપર નિર્ણય કરાય તો સરકારને મહેસૂલની આવકમાં રૂ. 213 કરોડનું નુકસાન થશે. જોકે પેનલે એ પણ કહ્યું છે કે વીમા કંપનીઓએ જીવન વીમામાં મળનારી ટેક્સ છૂટનો લાભ પૉલિસીધારકોને આપવો જોઇએ. એક વર્ષમાં 90,032 કરોડનાં પ્રીમિયમ ભરાયાં, કેટલાંક રાજ્યોને ટેક્સમાં હિસ્સો ઘટી જવાનો સતાવી રહેલો ડર
ફિટમેન્ટ પેનલે આ ભલામણો નાણાકીય સેવા વિભાગના ડેટાના આધારે કરી છે. પેનલના જણાવ્યા અનુસાર નાણાવર્ષ 2023 દરમિયાન દેશમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમાનું યોગદાન 35,300 કરોડ એટલે કે 39% જેટલું હતું. આ યોગદાનમાં 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરના કારણે સરકારે સ્વાસ્થ્ય વીમામાંથી જ રૂ.6,354 કરોડના ટેક્સની જંગી આવક કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.