રબારી સમાજમાંથી કુરિવાજો દુર કરવા નવું બંધારણ ઘડાયું
અમદાવાદ,તા.07 ઓગષ્ટ 2022, રવિવારઅમદાવાદમાં સમસ્ત રબારી સમાજ સામાજિક રીતરિવાજ સુધારણા પરિષદની બેઠક રવિવારે યોજાઇ હતી. જેમાં કુરિવાજો નાબુદ કરવા, સમાજમાં શિક્ષણનું સ્તર વધારવાનો નિર્ણય લેવાયો હતો. ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવા અને લમ્પી વાયરસથી પશુના મોતના કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે તેવી માંગણી માલધારી સમાજ દ્વારા કરાઇ હતી.અમદાવાદના ચાણક્યપુરી મહંત બળદેવગીરી બાપુ કોમ્યુનિટી હોલમાં રવિવારે માલધારી સમાજની બેઠક યોજાઇ હતી.જેમાં ૧૪ પરગણાના સંતો-મહંતો, સામાજિક-રાજકિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સુધારણા માટે ઘડાયેલા બંધારણ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં સગાઇ, લગ્ન, સોનું, ચાંલ્લો, શ્રીમંત,રાવણું, ઝિયોડા પ્રસંગ, દવાખાનું, રમેલ, બેસણું, જન્મદિવસની ઉજવણી સહિતના પ્રસંગોને લગતા નવા નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે. કુરિવાજો અટકે, ખોટા ખર્ચા ઘટે તે બાબતોને ધ્યાને લેવાઇ છે.આ અંગેમાલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સમાજની બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય લેવાયો છેકે સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરે. પશુ રોગચાળાના કેસમાં સરકાર સહાય કરે, યોગ્ય મેડિકલ સેવા પુરી પાડે. સુરત, વડોદરામાં માલધારી સમાજની મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તણુંક કરી છે તેઓની સામે પગલા લેવામાં આવે.ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પણ ઠરાવ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.