યુટર્ન:સ્ક્રેપિંગ પૉલિસીમાં ફેરફારની શક્યતા હવે વાહનોનું પ્રદૂષણ ધ્યાને લેવાશે - At This Time

યુટર્ન:સ્ક્રેપિંગ પૉલિસીમાં ફેરફારની શક્યતા હવે વાહનોનું પ્રદૂષણ ધ્યાને લેવાશે


વાહન સ્ક્રેપિંગ પૉલિસીમાં કેન્દ્ર સરકાર ફેરફાર કરી શકે છે, તેવો સંકેત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ સચિવ અનુરાગ જૈને સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે મંત્રાલય વાહનોના સ્ક્રેપિંગમાં તેની ઉંમરને બદલે પ્રદૂષણ સ્તર જોડવાની શક્યતા અંગે વિચારણા કરી રહ્યું છે. જૈને સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ની વાર્ષિક બેઠકમાં કહ્યું કે લોકોએ અમને પૂછ્યું હતું કે તેઓ વાહનની સારી રીતે સંભાળ કરી રહ્યા છે તો સ્ક્રેપ કરવાનું ફરજિયાત કેમ? ત્યાર પછી એ સંભાવના શોધાઈ રહી છે કે શું વાહનની ઉંમરને બદલે પ્રદૂષણના ઉપલા સ્તર (જેમ કે બીએસ-1 કે બીએસ-2 પહેલાંનાં વાહનો)ને સ્ક્રેપનો માપદંડ બનાવી શકાય છે. જોકે જેને એવું પણ કહ્યું છે કે આનાથી પ્રદૂષણ પ્રમાણપત્ર આપવાની વિશ્વસનીય વ્યવસ્થાની જરૂર પડશે. આ માટે ઉદ્યોગો પાસે સૂચનો માગ્યાં છે. કોઈ વ્યક્તિ જૂનાં વાહન સ્ક્રેપ કરીને નવું ખરીદે તો તેને સ્ક્રેપિંગ માટેની વધારાની છૂટ આપવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પહેલાં ઑટોમોબાઇલ કંપનીઓને અપીલ કરી હતી. આમ કરવાથી પ્રદૂષણ ઘટશે અને સ્ટીલની આયાત ઘટશે. દુર્ઘટના ઓછી થતી નથી : જૈને સ્વીકાર્યું હતું કે ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ વગેરે હોવા છતાં દુર્ઘટનાઓ ઓછી થતી નથી. જૈને કહ્યું કે મોટા ભાગનાં આકસ્મિક મૃત્યુ દ્વિચક્રી વાહનોથી થાય છે એટલે તેને સુરક્ષિત બનાવવાની પદ્ધતિ શોધવી જોઈએ. પીયુસીના નિયમ... સ્ક્રેપિંગ પૉલિસી 1 એપ્રિલ, 2022એ દેશમાં લાગુ કરાઈ છે. આ પૉલિસી હેઠળ 20 વર્ષ જૂનાં ખાનગી વાહનો અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનોને પ્રદૂષણ અને ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો સ્ક્રેપ કરવાના રહેશે. સ્ક્રેપિંગ સર્ટિફિકેટના આધારે નવું વાહન ખરીદવા માટે છૂટની જોગવાઈ પણ છે. જોકે દિલ્હી સિવાય સમગ્ર દેશમાં નિયમ ફરજિયાત નથી. દિલ્હીમાં એનજીટી અને સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાને કારણે 10 વર્ષ જૂનાં ડીઝલ વાહન અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનોને માર્ગો પરથી ખસેડવા પડે છે. વાહનોની ઉંમરને બદલે પ્રદૂષણ અને ફિટનેસના આધારે મૂલ્યાંકન કરવાનો નિયમ લાગુ થાય તોપણ સ્ક્રેપિંગની વ્યવસ્થા ચાલુ જ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.