લાલપુર તાલુકાના ખટિયા ગામના બે ખેડૂતોના ખાતામાંથી નાણા પડાવી લેનાર શખ્સ સામે છેતરપિંડી અંગે ગુનો નોંધાયો
- કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના આધાર કાર્ડ સહિત બેંકની વિગતો મેળવી લઈ ખેડૂતોના નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધાજામનગર, તા. 14 ઓગસ્ટ 2022 રવિવાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ખટિયા ગામના બે ખેડૂતો સાથે છેતરપીંડી થયાનું નામ સામે આવ્યું છે, અને એક શખ્સ દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ અપડેટ કરવાના મામલે ખેડૂતોના ખાતા નંબર વગેરે મેળવી લઈ તેઓના બેન્ક ખાતામાંથી 3,000 ની રકમ પોતાના ખાતામાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવવાની વિગતે એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામના ખેડૂત જમનભાઈ રાઘવજીભાઈ તાળા (68 વર્ષ) કે જેઓએ લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ખાતામાંથી તેમજ પોતાની સાથેના અન્ય ખેડૂત વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સાંઘાણીના ખાતામાંથી 3,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે લાલપુર તાલુકાના પાંચસરા ગામના ધર્મેશગીરી સુરેશગીરી બાવાજી સામે ફરિયાદ નોંધાવી છે.ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને લાલપુરના પી.એસ.આઇ. ડી.એસ. વાઢેરે આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો તપાસ શરૂ કરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સહિતના અન્ય ખટિયા ગામના ખેડૂતો, કે જેઓને સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન કુલ ત્રણ વખત બે હજાર રૂપિયા લેખે 6,000 ના હપ્તા જમા કરાવવાની યોજના ચાલુ છે, જે યોજના અંતર્ગત આધારકાર્ડને અપડેટ કરાવવા માટે સરપંચ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી.જે દરમિયાન પાંચસરા ગામનો ધર્મેશગીરી બાવાજી નામનો શખ્સ ખટિયા ગામની પ્રાથમિક શાળામાં પોતે લેપટોપ તથા ફિંગર લેવાનું મશીન સાથે લાવ્યો હતો, અને સરકારની ચાલુ યોજના માં હપ્તો જમા કરાવવા માટે આધાર કાર્ડ અપડેટ કરવું પડશે, તેમ કહી બે ખેડૂતોના મોબાઈલ નંબર અને ઓટીપી મેળવી લઈ તેમાંથી 3,000 ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ પ્રકરણમાં આવી જ રીતે અન્ય કોઈ ખાતેદાર ખેડૂતોના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે કે કેમ, તે અંગેની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.