42 વર્ષની માતા અને 24 વર્ષના પુત્રએ એકસાથે PSCની પરીક્ષા પાસ કરી, જાણો તેમની રસપ્રદ વાર્તા - At This Time

42 વર્ષની માતા અને 24 વર્ષના પુત્રએ એકસાથે PSCની પરીક્ષા પાસ કરી, જાણો તેમની રસપ્રદ વાર્તા


નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારજીવનમાં સફળતાના શિખરોને પાર કરવા માટે પરિશ્રમ અને મહેનત ખૂબ જ જરૂરી છે. ત્યારે આવી જ સફળતાની કહાની એક માતા અને પુત્રની સામે આવી છે. કેરળના મલપ્પુરમની 42 વર્ષીય માતા બિંદુ અને તેના 24 વર્ષીય પુત્ર વિવેકે એકસાથે પબ્લિક સર્વિસ કમિશન (PSC)ની પરીક્ષા પાસ કરી છે. આ ઘટના બાદ માતા અને પુત્રની જોડી ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે બિંદુનો દીકરો 10માં ધોરણમાં હતો ત્યારે તેને ભણવા માટે તે પ્રોત્સાહિત કરતી હતી. આ સમય દરમિયાન તેણીએ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. આ અભ્યાસે તેમને કેરળ પબ્લિક સર્વિસ કમિશન (પીએસસી)ની પરીક્ષાની તૈયારી કરવાની પ્રેરણા આપી હતી અને બાદમાં માતા અને પુત્ર બંને સાથે કોચિંગમાં જોડાયા હતા.બિંદુના પુત્ર વિવેકે તેની સફળતા અંગે જણાવ્યું હતું કે, હું અને મારી માતા કોચિંગની તૈયારી માટે સાથે ગયા હતા. ગર્વથી પોતાના માતા અને પિતા અંગે વાત કરતા વિવેક આગળ કહે છે કે, મારી માતાએ મને અહીં પહોંચાડીયો છે. આ સિવાય મારા પિતાએ અમારા માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી હતી. સાથે જ અમને અમારા શિક્ષકો પાસેથી ઘણી પ્રેરણા મળી છે. અમે બંને સાથે ભણ્યા હતા પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે અમે સાથે જ ક્વાલિફાઈ બનીશું. અમે બંને ખૂબ ખુશ છીએ.- આંગણવાડી શિક્ષક છે બિંદુ બિંદુ છેલ્લા 10 વર્ષથી આંગણવાડી શિક્ષિકા છે. વિવેકે પોતાની માતાના અભ્યાસ વિશે જણાવતા કહ્યું કે માતા હંમેશા અભ્યાસ કરી શકતી નથી. તેણીને સમય મળે ત્યારે અને આંગણવાડીની ફરજ બાદ તે અભ્યાસ કરી શકતી હતી. તે જ સમયે બિંદુએ કહ્યું કે તેણે 'લાસ્ટ ગ્રેડ સર્વન્ટ' (એલડીએસ) પરીક્ષા પાસ કરી છે અને 92મો રેન્ક મેળવ્યો છે જ્યારે તેના પુત્ર વિવેકે લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી) પરીક્ષા પાસ કરી છે અને 38મો રેન્ક મેળવ્યો છે.બિંદુએ જણાવ્યું હતું કે, તેણે એલડીએસ માટે બે વખત અને એલડીસી માટે એક વખત પ્રયાસ કર્યો હતો. આ તેમનો ચોથો પ્રયાસ હતો અને તે સફળ રહ્યો હતો. તેમનું વાસ્તવિક લક્ષ્ય ICDS સુપરવાઈઝર પરીક્ષા હતું અને LDS પરીક્ષા પાસ કરવી એ 'બોનસ' છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.