રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનોની નિ:શૂલ્ક સેવા ઉપલબ્ધ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનોની નિ:શૂલ્ક સેવા ઉપલબ્ધ.


રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જુદા-જુદા વિસ્તારોમાં આશ્રયસ્થાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોને ઋતુજન્ય વાતાવરણમાં કાયમીરક્ષણ આપી રહેલ છે. આ આશ્રયસ્થાનમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃધ્ધો, અશક્તોને આશ્રય આપવામાં આવે છે. આશ્રયની સાથો સાથ પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સુરક્ષા-સલામતી, આરોગ્ય, શિક્ષણ થકી પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે હાલ ઉનાળાની ગરમીને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દિવસ દરમિયાન નિયમિત રીતે શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જ્યાં જાહેરમાર્ગો પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે અને ઈચ્છુક લોકોને આશ્રયસ્થાન સુધી પહોંચાડે પણ છે. રાજકોટ મહાનગરપાલિકા પોતાના આ અભિયાનમાં અન્ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે. ત્યારે આપના રહેઠાણ કે વ્યવસાય સ્થળની આસપાસ કે શહેરમાં અન્ય કોઈ પણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે અને જો આવા લોકો આશ્રયસ્થાન ખાતે આવવા ઇરછા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ફોન નં.૧૫૫૩૦૪ ઉપર માહિતી આપી લોકઉપયોગી કાર્યમાં મદદરૂપ થવા શહેરના નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા ઘરવિહોણા લોકો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે માનવીય અભિગમ અપનાવી તેઓને મદદરૂપ થવા માટે નિયમિત રીતે તેઓનો સંપર્ક કરવામાં આવતો રહે છે. આ દરમ્યાન તેઓને મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનોનો ઉપયોગ કરવા સમજાવવામાં પણ આવે છે. નાગરિકોને શહેરમાં ઘરવિહોણા લોકો જોવા મળે અને જો તેઓ આશ્રયસ્થાન ખાતે આશ્રય લેવા માટે સહમત હોય તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્ટરના ફોન નં.૧૫૫૩૦૪ ઉપર જાણકારી મળ્યેથી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ માહિતીના આધારે મહાનગરપાલિકાની ટીમ ઘરવિહોણા લોકો સુધી પહોંચી તેઓને રહેવા જમવા આવશ્યક સહાયતા આપવા પ્રયાસ કરશે. મહાનગરપાલિકાના આ સંવેદનાસભર અભિયાનમાં નાગરિકો પણ માનવીય અભિગમ સાથે મહાનગરપાલિકાનાં તંત્ર અને ઘરવિહોણા લોકોને મદદરૂપ થાય તેવો સૌને વિનંતીસહ અનુરોધ કરવામાં આવે છે. આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય NGO ના સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણ ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. શહેરના ઘરવિહોણા લોકો માટે કાર્યરત્ત આશ્રયસ્થાનો, (1) ભોમેશ્વર આશ્રયસ્થાન ભોમેશ્વર ડોરમીટરી, ભોમેશ્વર પ્લોટ, શેરીનં.૨ જામનગર રોડ રાજકોટ (2) રામનગર આશ્રયસ્થાન શેરીનં.૪ આજી વસાહતની બાજુમાં, ૮૦ ફુટનો રોડ રાજકોટ. (3) આજીડેમ આશ્રયસ્થાન આજી ચોક જુના જકાત નાકા પાસે ભાવનગર રોડ રાજકોટ. (4) મરચાપીઠ આશ્રયસ્થાન જુના ઢોર ડબ્બા મરચા પીઠ (સ્ત્રી વિભાગ) રાજકોટ. (5) શાળાનં.૧૦ આશ્રયસ્થાન હોસ્પિટલ ચોક રાજકોટ. આશ્રયસ્થાનોમાં ઉપલબ્ધ સુવિધાઓ, પૂરતા હવા ઉજાસ વાળા ખંડ, તથા લાઈટીંગ તથા પંખા, વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્નાન તથા શૌચાલયની પુરતી વ્યવસ્થા, ભાઈઓ તથા બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા, ચાદરો તથા ઓછાડની નિયમિત સફાઈ, પ્રાથમિક સારવાર કીટ તથા વખતો-વખત હેલ્થચેક અપ કેમ્પ, અન્ય મળવાપાત્ર વિવિધ સરકારની યોજનાઓનો લાભ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image