દિલ્હી વિધાનસભા ચૂંટણી:કેજરીવાલે નવી દિલ્હી સીટથી ઉમેદવારી નોંધાવી, કહ્યું- દિલ્હીના લોકો કામ કરનારને મત આપે; ભાજપ પાસે ન તો CM છે, ન કોઈ વિઝન
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે સૌપ્રથમ તેમનાં મહિલા સમર્થકો સાથે વાલ્મીકિ મંદિરમાં પૂજા કરી હતી. આ પછી તેઓ હનુમાન મંદિર પહોંચ્યા હતા. પૂજા પછી તેમણે કહ્યું- ભગવાન મારી સાથે છે. આ પછી તેમણે કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નવી દિલ્હી સીટ પરથી પૂર્વ સીએમ કેજરીવાલ સામે ભાજપે પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. આ રીતે પૂર્વ સીએમ કેજરીવાલનો મુકાબલો બે પૂર્વ સીએમના પુત્રો સાથે થશે. પ્રવેશ વર્મા પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર છે, જ્યારે સંદીપ દીક્ષિત પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર છે. આ તરફ ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય સક્સેનાએ પણ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. EDને આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠક પર મતદાન થશે, જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.