વિંછીયાના ઢેઢુકી ગામે વૃધ્ધ ચકુભાઇ સાંકળીયા ઉપર ૭ શખ્સોનો ધારીયા-છરીથી હુમલો
કયાં ગયા ભુવા? તેમ કહી છેડતીનો આરોપ નાખી દેવપરા (તા. ચોટીલા)ના વિશાલ સહિતના શખ્સો તૂટી પડયા સામા પક્ષે પરણિતાએ દાણા જોવાના બહાને છેડતી કર્યાની ચકુભાઇ સામે ફરીયાદ નોંધાવીઃ પોલીસે અંધશ્રધ્ધાના નવા કાયદા તળે ગુન્હો દાખલ કર્યો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયાના ઢેઢુકી ગામે કયાં ગયા ભુવા ? તેમ કહી છેડતીનો આરોપ નાખી વૃધ્ધ ઉપર ૭ શખ્સોએ ધારીયા - છરીથી હુમલો કર્યો હતો. સામા પક્ષે પરણિતાએ દાણા જોવાના બહાને છેડતી કર્યાના વૃધ્ધ સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે અંધશ્રધ્ધાના નવા કાયદા તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ વિંછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.૬પ) એ વિશાલ સામંતભાઇ મેણીયા રે. દેવપરા (નવાગામ) આણંદપુર તા. ચોટીલા તથા અજાણ્યા ૬ શખ્સો સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી પોતાની વાડીના મકાને સૂતા હતા ત્યારે વિશાલ સહિતના ૭ શખ્સોએ મકાનની અંદર પ્રવેશી કયાં છે. ભુવા ? તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરી વડે હુમલો કર્યો હતો. ઇજા થતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં. વૃધ્ધને બચાવવા પડેલ પુત્ર ધનજીને પણ ઉકત શખ્સોએ માર માર્યો હતો. તેમજ વૃધ્ધની પત્નીની સાડી ખેંચી તેની સાથે ઝપાઝપી કરી હતી. આરોપી વિશાલના ભાઇ-ભાભી ર૦ દિ' પૂર્વે ઇજાગ્રસ્ત ચકુભાઇ પાસે દાણા જોવરાવવા આવ્યા હતા. પરંતુ ચકુભાઇએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી દાદાની માનતા કરવાનું કહ્યું હતું. અને વિશાલના ભાઇ તથા ભાભી માનતા કરવા આવતા વિશાલના ભાઇએ તેની પત્નીની છેડતી કર્યાનો વૃધ્ધ સામે આરોપ નોખ્યો હતો. અને તેનો ખાર રાખી વિશાલ સહિતનાઓએ વૃધ્ધ ઉપર હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસે ઇજાગ્રસ્ત વૃધ્ધની ફરીયાદ ઉપરથી વિશાલ સહિતના ૭ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. સામા પક્ષે પરણિતાએ ઇજાગ્રસ્ત વૃધ્ધ ચકુભાઇ સાંકળીયા સામે દાણા જોઇ માનતા કરવાના બહાને પોતાની વાડીએ બોલાવી છેડતી કર્યાની ફરીયાદ નોંધાવતા વિંછીયા પોલીસે અંધ શ્રધ્ધાના નવા કાયદા તળે તથા છેડતી અંગે ગુન્હો દાખલ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.