વેરાવળને મળશે નવું નજરાણું - At This Time

વેરાવળને મળશે નવું નજરાણું


વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે રૂ. ૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુંજિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજીત કુલ રૂ.૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો. તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટરશ્રીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે.આપણે ત્યાં દરિયો છે, તેથી તેનું મહત્વ બહુ ઓછું સમજાય છે પરંતુ જ્યાં દરિયો નથી ત્યાં નાગરિકોને મોર્નિંગ વૉક માટેનો સારો વૉક-વે મળે અને નાગરિકોને મનોરંજન માટેનું નવું સરનામું મળે તે ખૂબ અગત્યનું હોય છે, ત્યારે આ દિશામાં આગળ વધતા આગામી એક મહિનાની અંદર જ આ સ્થળ ખાતે સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું વિસ્તૃતિકરણ કરી અને આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રિટલાઈટ્સ, હાઈમાસ્ટ ટાવર સહિતની સુવિધાઓ વિકસાવી સ્થાનિકો અને પ્રવાસીઓની સગવડતાઓ વધે એવા નાગરિકલક્ષી કામો હાથ ધરવામાં આવશે.કલેક્ટરશ્રીએ વેરાવળ ખાતે આવેલ ચોપાટી પાસે એસ.પી.બંગલોની પાછળ સી.સી.રોડ અને પેવર બ્લોકના રૂ. ૬૮.૧૦ લાખના કામોનું તેમજ પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન વર્કના રૂ.૬૬.૨૮ લાખનું એમ કુલ રૂ.૧૩૪ લાખના બે કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.જિલ્લા કલેક્ટરશ્રીએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકિદના ધોરણે આ કામ મંજૂર કર્યું છે. અને ઝડપથી આ સ્થળ ખાતે આનંદ પ્રમોદ સાથે બીચ વોલિબોલ અને હેન્ડબોલ જેવી વૈશ્વિક કક્ષાઓની સ્પર્ધાઓનું આયોજન થાય તે દિશામાં પણ તંત્ર કાર્યરત બન્યું છે. આ સિવાય નાના બાળકોથી માંડી મોટેરાઓને મનોરંજન મળે તેમજ એડવેન્ચરસ એક્ટિવિટી ઉપલબ્ધ થાય તે માટે ઊંટ, ઘોડાની સવારી જેવા ઉપક્રમો પણ હાથ ધરાનાર છે. તેની વિગતો આપી હતી.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ પાસે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તે માટે પેવર બ્લોક અને નયનરમ્ય ટ્રી પ્લાન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી ત્રિવેણી સંગમ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક દર્શનનો લાભ ઉઠાવી શકે.આ ખાતમુહૂર્ત અવસરે ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયાએ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકલક્ષી કામો ખૂબ ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેનાથી નાગરિક સમાજને ભવિષ્યમાં મોટો લાભ થશે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, કાર્યપાલક ઇજનેર (સ્ટેટ) શ્રી સુનિલ મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, મામલતદારશ્રી, નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણી શ્રી જયદેવભાઈ જાની સહિત આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.